RTO ઓનલાઈન હરાજી - 9 નંબર 1.94 લાખ અને 111 નંબર 1.30 લાખમાં ખરીદાયો
અમદાવાદ RTO દ્વારા કારની નવી સિરીઝ ખૂલ્યા બાદ પસંદગીના નંબર માટે ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી. જેમાં 9 નંબર માટે સૌથી વધુ 1.94 લાખ તથા 111 નંબર માટે 1.30 લાખ રૂપિયા ઉપજ્યા હતાં. આ નંબરો માટે એક કરતાં વધુ અરજદારો હોવાથી ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી. આ હરાજીમાં કારના નંબર માટે 125 જેટલાં નંબરો અરજદારોને ફાળવવામાં આવ્યાં હતાં.
અમદાવાદ RTO ખાતે કારની હાલની સિરીઝ GJ 01 WA પૂર્ણ થયા બાદ નવી સિરીઝ GJ 01 WB શરૂ કરવાની જાહેરાત RTO દ્વારા કરવામાં આવી હતી. આ સિરીઝ માટે ઓનલાઈન હરાજી કરવામાં આવનાર હોવાથી પસંદગીના નંબરો લેવા માટે વાહન માલિકોએ વાહનનું રજિસ્ટ્રેશન કરાવીને ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું હતું. આ માટે 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઓનલાઈન નંબર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી હતી. ત્યાર બાદ 16 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ઓનલાઈન બિડીંગ કરવામાં આવ્યું હતું. કારની નવી સિરીઝમાં પસંદગીના નંબર લેવા માટે 125 જેટલા અરજદારોએ અરજી કરી હતી.જેમાં મોટા ભાગના કિસ્સામાં એક જ અરજદારે પસંદગીનો નંબર મેળવવા માટે રસ દાખવ્યો હોવાથી તેમની પાસેથી નીયત ફી લઈ નંબર ફાળવી દેવાયો હતો. જો.કે અમુક નંબર માટે એક કરતાં વધુ અરજદારો હોવાથી તે નંબરની હરાજી થઈ હતી. જેમાં લકી ગણાતા 9 નંબર માટે એક કરતાં વધુ અરજદારો હોવાથી તે નંબરની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી અને છેવટે 1.94 લાખમાં આ નંબર સુખદેવ વાઘેલાએ ખરીદ્યો હતો. આજ રીતે 111 નંબર માટે પણ એક કરતાં વધુ અરજદારો હોવાથી તેની પણ હરાજી કરવામાં આવી હતી. જે છેવટે 1.30 લાખમાં અજય નામના વ્યક્તિએ આ નંબર લીધો હતો. 2070 નંબર માટે પણ એક કરતાં વધુ અરજદારો હોવાથી તેની પણ હરાજીમાં બોલી લાગી હતી. આ નંબર આખરે 11 હજાર રૂપિયામાં વેચાયો હતો. જ્યારે 5554 નંબરના હરાજીમાં 8 હજાર રૂપિયા ઉપજ્યા હતાં. તે ઉપરાંત 1,5,7, 999,7777,8888 નંબર તેની બેઝ પ્રાઈઝ રૂપિયા 25 હજારમાં વેચાયાં હતાં.