બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 જાન્યુઆરી 2019 (00:30 IST)

Tata નેનો કારનું ઉત્પાદન બંધ થશે

રતન Tata ની ડ્રીમ કાર ‘તાતા નેનો’ કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે. પશ્ચિમ બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે તાતા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સર્જાઇ હતી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન તાતાને ‘વેલકમ’નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી.
નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નથી અને હવે બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે તાતા નેનો અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ-2020માં નવા નિયમો અમલી બનતા તાતા નેનોનું ઉત્પાદન બંધ કરશે. બીએસ-6 વાહનો અંગે પરીકે જણાવ્યું હતું કે તે ઓટો કંપનીઓ માટે એક પડકાર છે કારણ કે સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા 1 એપ્રિલ, 2020 બાદ બીએસ-૬ સિવાયના વાહનોના રજિસ્ટ્રેશનની પરવાનગી આપતી નથી. 
તાતા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે ગુરુવારે હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફ્ટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને ઓક્ટોબરમાં નવા સેફ્ટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે, તેથી તમામ પ્રોડક્ટ્સ (બીએસ-6 નિયમો)નું પાલન નહીં કરે અને અમે તમામ પ્રોડક્ટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરીએ અને નેનો તે પૈકીની એક છે.” બીએસ-૬ના અમલ બાદ તાતાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જશે એવો સંકેત તેમણે આપ્યો હતો.
ટુ-વ્હિલર પર મુસાફરી કરતા ભારતના કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન તાતાએ નેનોનું સ્વપ્ન જોયું હતું અને લગભગ Rs 1 લાખમાં 2009માં આ એન્ટ્રી લેવલ કાર લોન્ચ કરી હતી પરંતુ ભારતીય ગ્રાહકોએ તેને ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. જૂન 2018માં માત્ર એક નેનો કાર બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાતા નેનો પ્લાન્ટનું આગમન ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક સાબિત થયું હતું. નેનો પ્લાન્ટ સાણંદમાં આવ્યા બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા સ્કુટર્સ એન્ડ મોટરસાઇકલ્સ, સુઝુકી મોટર્સ જેવી ઓટો જાયન્ટ કંપનીઓ અને તેમને સંલગ્ન અનેક વેન્ડર્સ કંપનીઓ ગુજરાતમાં આવી હતી.