શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:46 IST)

રૂપાણી અને સમરકંદ ગવર્નર વચ્ચે યોજાઇ બેઠક, ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સમરકંદના ગવર્નર થયા પ્રભાવિત

પ્રાકૃતિક ખેતીના ગહન અભ્યાસ માટે ઉઝબેકિસ્તાનનું જોઇન્ટ વર્કિગ ગૃપ ગુજરાત આવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી Erkinjon Turdimovને સુપેરે માહિતગાર કર્યા હતા. તેમણે આ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ ઘટાડી મહત્તમ કુદરતી પદાર્થો અને પદ્ધતિથી થતી હોવાથી આરોગ્યને હાનિકારક જોખમો ઘટાડે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. સમરકંદના ગવર્નર ગુજરાતની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા.
 
આ હેતુસર સમરકંદ ગવર્નરરે ઉઝબેકિસ્તાનના બાયોટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો અને ખેડૂતોનું એક જોઈન્ટ વર્કીંગ ગૃપ ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે મોકલવાનો સૂઝાવ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ પણ આ વર્કીંગ ગૃપની મૂલાકાત દરમિયાન રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. વિજય રૂપાણીએ પ્રાકૃતિક ખેતીની ભૂમિકા આપતાં સમરકંદ ગવર્નરને એમ પણ કહ્યું કે, આ ખેતીમાં ગૌમૂત્ર અને છાણનો અન્ય કુદરતી પદાર્થો સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં એક ગાયના છાણ-મૂત્રથી અંદાજે ૧૦ હેક્ટર જમીનને પોષક તત્વ ખાતર તરીકે મળી રહે છે.
 
આ બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્ર સહિત ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે મુખ્યમંત્રીશ્રી અને સમરકંદ ગવર્નર વચ્ચે ફળદાયી વિચાર વિમર્શ થયો હતો. ગુજરાત પ્રતિનિધિમંડળના ઉચ્ચ અધિકારીઓ, ડેલિગેટ્સ તેમજ સમરકંદ-ઉઝબેકિસ્તાનના મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર તેમજ ઇનોવેટીવ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા.