શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 12 ડિસેમ્બર 2021 (15:46 IST)

ડેન્ગ્યુ એ વાઇરસજન્ય રોગ છે, જે DENV 1,DENV 2, DENV 3 કે DENV 4થી ફેલાય છે.

મચ્છરનો ડંખ અને ડેન્ગ્યુ
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડેન્ગ્યુ એ વાઇરસજન્ય રોગ છે, જે DENV 1,DENV 2, DENV 3 કે DENV 4થી ફેલાય છે.
 
તે માદા એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટા હોવાથી તેને ટાઇગર મચ્છર પણ કહે છે.
 
આ પ્રકારના મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડાં મૂકે છે. ચેપ ધરાવતી વ્યક્તિને કરડ્યાના સાત દિવસ બાદ મચ્છર ચેપી બને છે તથા અન્યોમાં પણ તેનો પ્રસાર કરે છે.
 
એક વખત ચેપ લાગ્યા બાદ મચ્છર આજીવન ચેપી રહે છે, તેનું સરેરાશ આયુષ્ય 14 દિવસનું હોય છે. તે જીવનકાળ દરમિયાન ત્રણ વખત ઈંડાં આપે છે અને દરવખતે લગભગ 100 ઈંડાં આપે છે.
 
ભારતમાં દર વર્ષે દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, કર્ણાટક મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં તે મુખ્યત્વે દેખા દે છે.
 
ભારતમાં દરવર્ષે 16મી મેના દિવસે 'નેશનલ ડેન્ગ્યુ ડે' ઊજવવામાં આવે છે. નેશનલ વૅક્ટર બ્રૉન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તેને અટકાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
 
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તારણ પ્રમાણે અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા તથા અમેરિકાના 100 જેટલા દેશોમાં તે જોવા મળે છે.
 
ડેન્ગ્યુનાં લક્ષણો
નેશનલ હેલ્થ પૉર્ટલ મુજબ, જો ડેન્ગ્યુ હેમોરહેજિક ફીવર હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. NS1 અથવા IGM તપાસ દ્વારા ડેન્ગ્યુના ઍન્ટીજન અથવા તો ઍન્ટિબૉડી શોધવા માટે પરીક્ષણ કરવામાં આવે છે.
 
જો તે ક્લાસિકલ ડેન્ગ્યુનો તાવ હોય તો તે શરીરનાં સાંધા અને હાડકાં પર અસર કરે છે, જેથી તેને 'હાડકાંતોડ' તાવ પણ કહેવામાં આવે છે.
 
ડેન્ગ્યુના તાવમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે. તેને સખત માથાનો દુખાવો થાય છે, આંખો પાછળ દુખાવો થાય છે અને સ્નાયુ તથા સાંધામાં દુખાવો થાય છે. શરીર પર ચકામા પણ થાય છે.
 
જ્યારે ડીએચએફમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે અને પેટમાં દુખાવો થાય છે, આ સિવાય ઊલટી અને નાકમાંથી લોહી નીકળવું કે ત્વચા પર ઘસરકો પડવા, જેવી સમસ્યા થઈ શકે છે.
 
વ્યક્તિનો જીવનકાળ દરમિયાન એક વખત ડેન્ગ્યુ થઈ ગયો હોય, તો પણ બીજી વખત થવાની શક્યતા રહે છે
 
પ્રથમ વખત એક પ્રકારના વાઇરસથી ડેન્ગ્યુ થયો હોય, તો બીજી વખત અન્ય પ્રકારના વાઇરસથી ડેન્ગ્યુનો ચેપ લાગવાની શક્યતા રહે છે.
 
ડેન્ગ્યુના 'ડંખ'થી બચાવ અને સારવાર
માદા એડિસ ઇજિપ્તી (Aedes aegypti) મચ્છર કરડે તેના પાંચથી છ દિવસ પછી અસર દેખાતી હોય છે. તે કોઈ પણ ઉંમર કે લિંગની વ્યક્તિને થઈ શકે છે.
 
ડેન્ગ્યુના મચ્છરનો કરડવાનો સમય મુખ્યત્વે સૂર્યોદય પછીના બે કલાક તથા સૂર્યાસ્ત પહેલાંના બે કલાકનો છે. આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખો.
 
જેને ડેન્ગ્યુ થયો હોય, તેને મચ્છર ન કરડે તે પણ જોવું ઘટે, જેથી કરીને તેના મારફત રોગનો પ્રસાર અટકે.
 
લાંબી બાંયના કપડાં પહેરો તથા શૉર્ટ્સ પહેરવાનું ટાળો.
 
ઘરના કોઈ ખૂણામાં, પાત્ર કે કૂંડામાં પાણી એકઠું થતું હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત પાણી દૂર કરવાની તજવીજ હાથ ધરો.
 
રાત્રે ઊંઘતી વખતે તથા દિવસ દરમિયાન મચ્છરની કોઇલનો ઉપયોગ કરો. આ સિવાય મચ્છરના નાશ માટે સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે.
 
આ સિવાય સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે.
 
ડેન્ગ્યુની સારવાર માટે કોઈ નિશ્ચિત ઍન્ટિવાઇરલ દવા ઉપલબ્ધ નથી. યોગ્ય તબક્કે નિદાન અને સારવારને કારણે આ બીમારીના દર્દીઓમાં મૃત્યુની ટકાવારી એક ટકા કરતાં નીચે રહેવા પામે છે.
 
સારવાર દરમિયાન પેરાસિટેમોલની સાથે દર્દશામક આપવામાં આવે છે.
 
દર્દીને પુષ્કળ પ્રમાણમાં પેયપદાર્થો લેવા તથા આરામ કરવાની સૂચના આપવામાં આવે છે. જેમાં ઓઆરએસ તથા ફળોના રસનો સમાવેશ થાય છે.