ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By Author ડૉ હૃષીકેશ પાઈ|
Last Updated : શનિવાર, 16 એપ્રિલ 2022 (23:44 IST)

ગર્ભાધાનમાં સમસ્યા થાય છે? જેનિટલ ટીબી કારણ હોઈ શકે છે

TUBERCULOSIS & INFERTILITY
ટ્યુબરક્યુલોસિસ અને વંધ્યત્વ વચ્ચે ઊંજું જોડાણ જોવા મળ્યું છે. સમયસર નિદાન અને સારવાર તમને માત્ર ટીબી નહીં પણ વંધ્યત્વ પર પણ કાબુ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.
 
એક જાણીતી વાસ્તવિકતા છે કે, ટ્યુબરક્યુલોસિસ (ટીબી) સંભવિતપણે ગંભીર ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાં પર અસર કરે છે. પણ શું તમે જાણો છો કે ટીબી ગર્ભાશય, ફોલોપિન ટ્યુબ્સ અથવા જનનાંગો સુધી ફેલાઈ શકે છે અને ગૌણ ચેપ ફેલાવી તેમની પર અસર કરી શકે છે? અને તેની સારવાર જો શરૂઆતના તબક્કામાં જ ન કરવામાં આવે તો, તે વંધ્યત્વ તરફ દોરી જઈ શકે છે. તમે અને તમારા પાર્ટનર ગર્ભધારણ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હો તો, બાળકના માતા-પિતા બનવાના તમારા સપનાના માર્ગમાં જેનિટલ ટીબી અંતરાય બની શકે છે. ખરેખર તો, ઘણીવાર એવું થાય છે કે, દંપત્તિઓ વંધ્યત્વ માટેની સારવાર સક્રિયપણે હાથ ધરે છે ત્યારે તેમને ખબર પડે છે કે, વંધ્યત્વ પાછળનું કારણ પુરુષ અથવા સ્ત્રીને ટીબી થયો હોય એ નીકળતું હોય છે.
 
ભારત પર ઊડતી નજર
વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના અંદાજાઓ અનુસાર, ભારતમાં ટ્યુબરક્યુલોસિસના રોગચાળાનું પ્રમાણ સૌથી મોટું છે, આ બાબત દેશ માટે એક બહુ મોટી ચિંતાનો વિષય છે. 2020માં, વિશ્વભરના ટીબીની કેસીસમાંથી ભારતમાં કેસોની સંખ્યા આશરે 26% જેટલી હતી (ડબલ્યુએચઓના વૈશ્વિક ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2021 મુજબ).
 
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, ભારતમાં આઈવીએફ પ્રક્રિયાની મદદ મેળવવા માગતી મહિલાઓમાં બહુ મોટા પ્રમાણમાં ફીમેલ જેનિટલ ટીબી (એફજીટીબી) હોવાનું નોંધવામાં આવ્યું છે. આઈસીએમઆરના એક સર્વેક્ષણના તારણ મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં એફજીટીબીની વ્યાપકતા વધી છે. વાસ્તવમાં, આ બીમારીના નિદાનનું નિદાન એટલું ઓછું છે કે, એકથી વધુ કેન્દ્રો ખાતે હાથ ધરવામાં આવેલા અભ્યાસ માટેની ટીમ હાલ એફજીટીબીના નિદાન અને વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડી શકાય એવા અલગોરિધમને વિકસાવી રહી છે.
 
કોને ચિંતા થવી જોઈએ?
ટીબી ગમે તે વય જૂથમાં થઈ શકે છે, 15થી 45 વર્ષના પ્રજનનક્ષમ વય જૂથમાંની સ્ત્રીઓ પર જેનિટલ ટીબીની સૌથી વધુ અસર થાય છે, જ્યારે પુરુષોમાં મધ્યમ વય જૂથમાં તે જોવા મળે છે.
 
જેનિટલ ટ્યુબરક્યુલોસિસના લક્ષણો
મહિલાઓઃ મહિલાઓમાં અનિયમિત માસિકસ્રાવ, પેડુમાં દુખાવો, સતત સ્રાવ થવો, જેમાં લોહી પડતું હોય અથવા લોહી ન પણ હોય, પણ ગંદી વાસ આવવી અને સંભોગ બાદ રક્તસ્રાવ થવો જેવા કેટલાક લક્ષણો જોવા મળે છે. મહિલાઓમાં, જેનિટલ ટીબી ફેલોપિન ટ્યુબ અને ગર્ભાશયને અસર કરી શકે છે, ગર્ભાશયના એન્જોમેટ્રિયમ સ્તરને અસર કરી શકે છે અને ગર્ભાશયની દીવાલો ચોંટી જવાનું બની શકે છે, જે એશરમેન્સ સીન્ડ્રોમ તરીકે ઓળખાય છે.
 
આમ છતાં, એ વાસ્તવિકતા કે, એફજીટીબી લક્ષણવિહોણું અથવા ક્યારેક અસ્પષ્ટ હોઈ શકે છે, જેના કારણે વહેલું નિદાન કરવાનું કામ પડકારજનક બની જાય છે, ખાસ કરી ને શરૂઆતના તબક્કામાં દરદીની મેડિકલ હિસ્ટ્રી, ક્લિનિકલ તપાસણી તથા ટીબી બૅક્ટેરિયા માટે પેશાબની ચકાસણી, સોનોગ્રાફી, સીટી, એન્ડોમેટ્રિયલ એસ્પિરેટ (અથવા બાયોપ્સી) તથા એન્ડોસ્કૉપી જેવી ઈન્વેસ્ટિગેશન ટેસ્ટ્સ હાથ ધરી તેના આધારે ફિઝિશિયન અંતિમ નિદાન પર પહોંચી શકે છે.
પુરુષોઃ જેનિટલ ટીબી મુખ્યત્વે મહિલાઓમાં જોવા મળે છે, પણ પુરુષોમાં તે પ્રોસ્ટેટ, એપિડાઈમિસ અને વૃષણો પર અસર કરી શકે છે. પુરુષોમાં, તેના કારણે ઉત્થાનમાં અક્ષમતા, વીર્યની ઓછી ગતિ તથા પિચ્યુઈટરી ગ્લાન્ડ (કફનું ઉત્પાદન કરનારી ગ્રંથિ) દ્વારા પૂરતા પ્રમાણમાં હૉર્મોન્સનું ઉત્પાદન કરવાની અક્ષમતા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
 
આટલું ધ્યાન રાખો
ટ્યુબરક્યુલોસિસનું કારણ બનતા બૅક્ટેરિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિને હવામાં ખાંસી અથવા છીંકને કારણે છૂટેલાં નાનાં ટીપાં દ્વારા ફેલાય છે. ટીબીનું નિદાન ન કરાય અથવા તેની સારવાર હાથ ધરવામાં ન આવે તો, તે આખા શરીરમાં ફેલાય છે અને કિડની, પેટ, મગજ, ગર્ભાશય તથા ફેલોપિન ટ્યુબ સુધી પણ ફેલાઈ શકે છે. આથી, તેનો એક જ ઉપાય છે, સમયસર સારવાર.
 
લક્ષણોની પ્રકૃતિને કારણે, દરદીઓમાં તે વંધ્યત્વ માટેના ચેક-અપ દરમિયાન પકડમાં આવે છે. આમ છતાં, ભારતમાં ટીબી સાથે સામાજિક લાંછન કે કાળી ટીલી બહુ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી જોવા મળે છે. ટીબી માટે નિદાન અને સારવાર મેળવવાના માર્ગમાં આ બાબત બહુ મોટો અંતરાય બની ને સામે આવે છે.
 
સારવાર
સારા સમાચાર એ છે કે, સમયસર નિદાન અને ટીબી વિરોધી સારવારથી, ટીબીને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે અને સારવાર પણ કરી શકાય છે. દવાઓથી ટીબીની સારવાર કરવાની સાથે, મહિલાઓ ગર્ભાધાન કરવા માટે અનેક અદ્યતન વંધ્યત્વ સારવારોને અજમાવી શકે છે. દાખલા તરીકે, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નૉલૉજી (એઆરટી), ઈન વિટ્રોલ ફર્ટિલાઈઝર્સ (આઈવીએફ), અથવા ઈન્ટ્રાયુટેરિન ઈન્સેમિનેશન (આઈયુઆઈ)ના માધ્યમથી, આ કામ કરી શકાય છે, જેમાં ટીબીની પછીની અસરોને સુધારવા માટે હસ્તક્ષેપ કરી શકાય છે. એફટીજીબીના કિસ્સામાં, એમ્બ્રયો (ભ્રૂણ) ટ્રાન્સફર સૌથી સફળ આઈવીએફ સારવાર સાબિત થતી હોવાનું જોવા મળ્યું છે. તો, પુરુષો નાનકડી પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે, જેમ કે ટેસ્ટિક્યુલર સ્પર્મ એસ્પિરેશન (ટીઈએસએ). જેમાં નાની સોયની મદદથી વૃષણમાંથી વીર્યના કોષો અને પેશીઓ કાઢવામાં આવે છે અને ઈંડાંનું ફલીકરણ કરવા માટે પેશીઓમાંથી વીર્યને જૂદું પાડવામાં આવે છે.
 ટૂંકમાં, સુધારિત સ્વાસ્થ્યદાયક પરિસ્થિતિઓમાં રહેવું, રોગપ્રતિકાર શક્તિ સુધારવી, અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું, બીસીજીની રસી લેવી, જેવા પગલાં તમને ટીબીથી દૂર રાખી શકે છે.