ઇરાકના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં ૫૦ લોકોના મોત
ઇરાકના કુટ શહેરમાં એક શૉપિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાનો અંદાજ છે. અહેવાલ પ્રમાણે કેટલાક ડઝન લોકો મૃત્યુ પામ્યા છે અને અનેકને ઈજા થઈ છે.
આ મૉલ હજુ પાંચ દિવસ પહેલાં જ ખૂલ્યો હતો. તેમાં બુધવારે રાતે આગ લાગી હતી જે હવે નિયંત્રણમાં આવી ગઈ છે.
ન્યૂઝ એજન્સી એએફપીએ મેડિકલ અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે 55 લોકો આગમાં માર્યા ગયા છે. હજુ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
પ્રાદેશિક ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ જણાવ્યું કે આપણા પર એક આફત આવી છે. શૉપિંગ સેન્ટરના માલિક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આઈએનએની ન્યૂઝ ચેનલના વીડિયો પ્રમાણે બહુમાળી મૉલમાં કેટલાય માળ સુધી આગની જ્વાળાઓ ઉપર ઊઠી રહી છે. સોશિયલ મીડિયા પર ફરતી કેટલીક વીડિયો ક્લિપ મુજબ આગ દરમિયાન છત પર કેટલાક લોકો હતા. અગ્નિશામક દળોએ કેટલાક લોકોને આગમાંથી બચાવી લીધા હતા તેમ અલ-મિયાહીએ મીડિયાને જણાવ્યું હતું.