બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 6 જુલાઈ 2017 (20:03 IST)

ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે જી-20 સમિટમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત નહી - ચીની મીડિયા

સાત જૂલાઇના રોજ જર્મનીના હેમ્બર્ગમાં યોજાનારી જી-20 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાશે નહીં. ચીની મીડિયાના કહેવા પ્રમાણે,સિક્કિમ સરહદ પર ચાલી રહેલા ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે હાલમાં બંન્ને નેતાઓ વચ્ચે બેઠક માટે માહોલ સારો નથી.
 
ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વાતચીત માટે યોગ્ય વાતાવરણ નથી. અધિકારીએ આ સાથે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભારત વિવાદાસ્પદ સરહદેથી સેના પાછી ખેંચી સ્થિતિ પૂર્વવત કરશે. ચીનના પ્રવક્તાએ આ સાથે એમ પણ જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોની શુક્વારે યોજાનારી બેઠકમાં મોદી અને જિનપિંગ ઉપસ્થિત રહેનાર છે. મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાશે એમ પૂછવામાં આવતાં પ્રવક્તાએ કહ્યું હતું કે બધી જ માહિતી યોગ્ય સમયે પૂરી પાડવામાં આવશે..
 
નોંધનીય છે કે ભૂટાન સરહદ પર આવેલા ડોકલામમાં ચીનને રસ્તો બનાવતા રોકવાને લઇને ભારત અને ચીન વચ્ચે છેલ્લા 19 દિવસથી તણાવભરી સ્થિતિ પેદા થઇ છે. આ મુદ્દે ભારતીય અને ચીની સૈન્ય સામસામે આવી ગઇ હતી. ચીન ડોકલામને પોતાનો વિસ્તાર ગણાવી રહ્યુ છે. ચીને ભારતીય સૈન્ય પર ઘૂસણખોરીનો આરોપ લગાવ્યો હતો.