Israel-Iran Conflict Live Updates :ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને ગઈકાલે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ સહિત અનેક ઈઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. ઈઝરાયલી શહેર તેલ અવીવના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા. બીજી તરફ, ઈઝરાયલે ઈરાનની સૌથી મોટી કુદરતી ગેસ રિફાઈનરી ફજર પર ડ્રોન હુમલો કર્યો છે. ઈરાને સળગતી રિફાઈનરીનો વીડિયો શેર કર્યો છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સંબંધિત અપડેટ્સ માટે આ પેજ પર જોડાયેલા રહો.
ઇરાનનો દાવો , ઇઝરાયલની હાઇફા ઓઇલ રિફાઇનરી પર હુમલો
ઈરાનની સમાચાર એજન્સી IRNA અનુસાર, પરમાણુ પ્રોજેક્ટ્સ, ગેસ અને તેલ ક્ષેત્રો પર હુમલા પછી, ઇરાને પણ બદલો લીધો અને ઇઝરાયલી અનેક સ્થળોએ હુમલો કર્યો. ઇરાને દાવો કર્યો છે કે તેણે હાઇફા ઓઇલ રિફાઇનરી પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. તેણે ઇઝરાયલી લડાકુ વિમાનોને ઇંધણ પૂરું પાડતી જગ્યાઓ પર પણ હુમલો કર્યો છે.
દક્ષિણ ઈરાનમાં ગેસ ફિલ્ડ પર હુમલો
ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં બે કુદરતી ગેસ સ્થાપનો પર હુમલો કર્યો. ઇઝરાયલી ડ્રોનથી દક્ષિણ પાર્સ ગેસ કન્ડેન્સેટ ફિલ્ડના એક ભાગ પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે વિસ્ફોટ અને આગ લાગી. હુમલાને કારણે ગેસનું ઉત્પાદન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું. આગ ઝડપથી ઓલવાઈ ગઈ અને અન્ય ફિલ્ડમાં ફેલાઈ નહીં.
ઈરાનના ઈઝરાયલ પરના તાજેતરના હુમલામાં 3 નાં મોત, 100 ઘાયલ
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈરાનના ઈઝરાયલના રહેણાંક વિસ્તારો પરના તાજેતરના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. ઈરાનના હુમલામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકો માર્યા ગયા છે.
ઇઝરાયલે ઇરાનના પરમાણુ પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત સ્થળોને નિશાન બનાવ્યા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે તેણે તેહરાનમાં ઇરાનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટ્સ પર હુમલો કર્યો હતો. આ લક્ષ્યોમાં ઇરાનના સંરક્ષણ મંત્રાલયનું મુખ્યાલય, SPND પરમાણુ પ્રોજેક્ટનું મુખ્યાલય અને અન્યનો સમાવેશ થાય છે. IDF એ દાવો કર્યો છે કે આ સ્થાનો ઇરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાના પ્રયાસોને નવી ગતિ આપી રહ્યા હતા. આ સ્થળોએ ઇરાને તેના પરમાણુ કાર્યક્રમ સંબંધિત માહિતી છુપાવી હતી.
ડ્રોન અને મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, શનિવારે રાત્રે ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલોથી નવો હુમલો શરૂ કર્યો હતો. જ્યારે ઇઝરાયલે તેના બે ઇંધણ ડેપો અને અન્ય લક્ષ્યોને નિશાન બનાવીને બદલો લીધો હતો.
ઇઝરાયલે ઇરાનના ગેસ ક્ષેત્ર અને તેલ ડેપો પર હુમલો કર્યો
ઇઝરાયલ અને ઇરાન સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલે ડઝનબંધ ફાઇટર જેટથી ઇરાનના ગેસ ક્ષેત્રોને નિશાન બનાવ્યા છે. આ હુમલા પછી, ઇરાનના દક્ષિણ બુશેહર પ્રાંતમાં દક્ષિણ પારસ ગેસ ક્ષેત્રમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ હુમલો એટલો જોરદાર હતો કે ગેસ ક્ષેત્રના મોટા ભાગને ઘણું નુકસાન થયું હતું.