નિમિષા પ્રિયાને મળેલી મૃત્યુદંડની સજા મામલે ભારતની સુપ્રીમ કોર્ટમાં સરકારે શું કહ્યું
યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા મામલે મોતની સજાનો સામનો કરી રહેલાં કેરળનાં નર્સ નિમિષા પ્રિયાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું છે કે તમામ સંભવ પ્રયાસો કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી શુક્રવારે કરશે.
ઍટર્ની જનરલ આર. વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, "ભારત સરકારે જે સંભવ હતા તે પ્રયાસો કર્યા છે."
તેમણે કહ્યું કે સરકાર પોતાની પાસે ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરી ચૂકી છે. ભારત સરકાર એક હદ સુધી જ જઈ શકે છે.
ઍટર્ની જનરલે કોર્ટને એ જાણકારી આપી કે સરકારે આ મામલે અનૌપચારિક રીતોને અપનાવીને વાતચીતની પણ કોશિશ કરી છે, પરંતુ કોઈ પરિણામ નથી મળી શક્યું.
ત્યાં, અરજીકર્તાએ કોર્ટને કહ્યું છે કે આ મામલે તે સરકારને નિર્દેશ આપે કે તે નિમિષાની ફાંસી રોકવા માટે કૂટનીતિક પગલાં ભરે.
બીજી તરફ કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમિષા પ્રિયા મામલે એક પત્ર પાઠવ્યો છે.
આ પત્રમાં તેમણે માગ કરી છે કે કેન્દ્ર સરકાર નિમિષા પ્રિયાની ફાંસી રોકવા માટે હસ્તક્ષેપ કરે.
પિનારાઈ વિજયને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કેરળ સરકાર એ તમામ લોકો સાથે મજબૂતીથી ઊભી છે, જેઓ નિમિષા પ્રિયાના મુક્ત થવાના અને તેમના સ્વદેશ સુરક્ષિત ફરવાને સુનિશ્ચિત કરવા માટે પ્રયાસરત છે."
યમનમાં નિમિષા પ્રિયાને 16મી જુલાઈ, 2025ના રોજ ફાંસી અપાવાની છે.