બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 21 ઑગસ્ટ 2024 (16:37 IST)

પાકિસ્તાનની સંસદ ઉંદરના ત્રાસથી પરેશાન

પાકિસ્તાનની સંસદ આ વખતે એક વિચિત્ર મુશ્કેલીથી ઝઝૂમી રહી છે. જોકે, આ સમસ્યાનો સંબંધ રાજનેતાઓ સાથે નથી પણ ઉંદર સાથે છે.
 
ઉંદરોએ અહીં દેશ ચલાવનારા સાંસદો માટે ભયનો માહોલ સર્જ્યો છે. ઉંદરોનો ત્રાસ નેતાઓનાં કાર્યાલયોમાં પણ જોવા મળી રહ્યો છે.
 
ઉંદરોએ અહીં સર્જેલી સમસ્યાનો અંદાજ એ વખતે આવ્યો જ્યારે એક અધિકૃત સમિતિને 2008માં યોજાયેલી બેઠકોનો રેકૉર્ડ જોવા માટે કહેવાયું. જ્યારે એ ફાઇલો જોવામાં આવી તો જણાયું કે એમાંથી મોટા ભાગની ફાઇલો ઉંદરોએ કાતરી ખાધી છે.
 
નેશનલ ઍસેમ્લબીના પ્રવક્તા ઝફર સુલતાને બીબીસીને જણાવ્યું, "આ ફ્લૉર ઉપરના ઉંદરો એટલા મોટા છે કે એને જોઈને બિલાડી પણ ડરી જાય."
 
પાકિસ્તાનમાં આ સમસ્યા એટલી વધી ગઈ છે કે ઉંદરોથી મુક્તિ મેળવવા માટે લગભગ 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું વાર્ષિક બજેટ ફાળવવું પડી રહ્યું છે.
 
એવી જાણકારી મળી છે કે મોટા ભાગના ઉંદરો પહેલા માળ ઉપર રહે છે. અહીં વિપક્ષના નેતાનું કાર્યાલય આવેલું છે. મોટા ભાગનાં રાજકીય દળો અને સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકો પણ અહીં જ મળે છે.
 
આ એરિયામાં એક ફૂડ હૉલ પર આવેલો છે. દિવસે જ્યારે સંસદમાં લોકો હાજર હોય ત્યારે ઉંદર દેખા નથી દેતાં પણ રાતના સમયે તે ભારે નુકસાન કરે છે.
 
પાકિસ્તાની અખબારોમાં આ અંગેની જાહેરાતો પણ અપાઈ છે. આ જાહેરાતો થકી પેસ્ટ કંટ્રોલ કંપની ભાળ મેળવવા માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેના થકી અધિકારીઓને આ ઉંદરોના ત્રાસથી છૂટકારો મળી શકે.
 
અત્યાર સુધી માત્ર બે જ કંપનીઓએ આ સમસ્યાનું સામાધાન શોધવા માટે રસ દાખવ્યો છે.