ભારત પર અફગાની ખભા પરથી બંદૂક ચલાવવાનાં આરોપ લગાવનારા પાકિસ્તાનને તાલીબાને આપ્યો કરારો જવાબ
અફઘાનિસ્તાનના શાસન પર કબજો જમાવી ચૂકેલા તાલિબાને ઇસ્લામાબાદના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની તાજેતરની અથડામણમાં ભારતની કોઈ ભૂમિકા હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અફઘાન સંરક્ષણ પ્રધાન મોહમ્મદ યાકુબે કહ્યું હતું કે પાકિસ્તાનના આરોપો "પાયાવિહોણા, તર્ક વગરના અને અસ્વીકાર્ય છે." તેમણે એ પણ ભાર મૂક્યો હતો કે કાબુલ તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી સાથેના સંબંધોને "મજબૂત" કરવા તૈયાર છે.
તાલિબાન સ્થાપક સ્વર્ગસ્થ મુલ્લા ઓમરના પુત્ર યાકુબે અલ જઝીરા સાથે વાત કરતા, કહ્યું, "આ આરોપો પાયાવિહોણા છે. અમારી નીતિમાં ક્યારેય અન્ય દેશો સામે અમારી જમીનનો ઉપયોગ કરવાનો સમાવેશ થશે નહીં. અમે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત સાથે સંબંધો જાળવી રાખીએ છીએ અને અમારા રાષ્ટ્રીય હિતોના માળખામાં તે સંબંધોને મજબૂત બનાવીશું."
એક સમયે ઇસ્લામાબાદના ખૂબ નિકટના માનવામાં આવતા યાકુબે ભાર મૂક્યો હતો કે પાકિસ્તાન સાથે શાંતિ કરાર જાળવવા માટે પરસ્પર આદર અને પ્રતિબદ્ધતા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, "કતાર અને તુર્કીએ તેના અમલીકરણમાં મદદ કરવી જોઈએ અને તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કરાર ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો કોઈ પણ દેશ બીજાના પ્રદેશનું ઉલ્લંઘન ન કરે."
બીજી બાજુ મુનીરે ફરી ઓક્યું ઝેર
ડોનના એક અહેવાલ મુજબ, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે 21 ઓક્ટોબરના રોજ જનરલ હેડક્વાર્ટરમાં બલુચિસ્તાન પર 17મી રાષ્ટ્રીય વર્કશોપના સહભાગીઓ સાથે વાત કરી હતી. તેમણે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. પાકિસ્તાની આર્મી દ્વારા રજુ કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, મુનીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે "ભારત-પ્રાયોજિત પ્રોક્સી જૂથો" ફિત્ના અલ-હિન્દુસ્તાન અને ફિત્ના અલ-ખ્વારીજે "હિંસા ફેલાવવાના દુર્ભાવનાપૂર્ણ ઇરાદા" સાથે લોકો વિરોધી અને વિકાસ વિરોધી એજન્ડાનો પ્રચાર કર્યો હતો. તે નોંધપાત્ર છે કે આતંકવાદમાં ડૂબેલું પાકિસ્તાન, પોતાના દેશમાં હિંસાને રોકવામાં સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થઈ રહ્યું છે અને હતાશામાં, ભારત પર પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે.