ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (08:38 IST)

Prince Philip Death: મહારાણી એલીજાબેથ II ના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન

ક્વિન ઍલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન થયું હોવાનું બકિંઘમ પૅલેસે જણાવ્યું છે. વર્ષ 1947માં પ્રિન્સે રાજકુમારી ઍલિઝાબેથ સાથે લગ્ન કર્યાં હતાં. જેના પાંચ વર્ષ બાદ ઍલિઝાબેથ મહારાણી બન્યાં હતાં. બકિંઘમ પૅલેસે જણાવ્યું, "હર મૅજેસ્ટી ક્વિને પોતાના પતિ, હિસ રૉયલ હાઇનેસ ડ્યુક ઑફ ઍડિનબર્ગ, પ્રિન્સ ફિલિપના નિધનની ભારે દુઃખ સાથે જાહેરાત કરી." "વિન્ડસર કાસલમાં હિસ રૉયલ હાઇનેસ આજે સવારે શાંતિપૂર્ણ રીતે નિધન પામ્યા."
 
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે 'તેમણે અસંખ્ય યુવાનોને પ્રેરિત કર્યા હતા.'
 
વડા પ્રધાનકાર્યાલયમાં વાત કરતા તેમણે કહ્યું, "તેમણે રાજવી પરિવાર અને રાજતંત્રને એ રીતે દિશા આપી કે જેથી રાજવી પરિવાર આપણા રાષ્ટ્રીય જીવનમાં ખુશીઓમાં સંતુલન બનાવી રાખવામાં નિર્વિવાદરૂપે એક મહત્ત્વપૂર્ણ સંસ્થા બની રહી."
 
માર્ચ મહિનામાં ડ્યુક ઑફ ઍડિનબર્ગ એક મહિના સુધી હૉસ્પિટલમાં રહ્યા બાદ રાજવી મહેલમાં પરત ફર્યા હતા. સેન્ટ બાર્થોલૉમ્યુ હૉસ્પિટલમાં તેમની હૃદયની બીમારીની સારવાર થઈ હતી.
 
પ્રિન્સ ફિલિપ અને મહારાણીનાં ચાર સંતાનો, આઠ પૌત્ર-પૌત્રી અને 10 પ્રપૌત્ર, પ્રપૌત્રી છે. તેમના મોટા પુત્ર પ્રિન્સ ઑફ વૅલ્સ પ્રિન્સ ચાર્લ્સનો જન્મ વર્ષ 1948માં થયો હતો. પ્રિન્સ ચાર્લ્સ બાદ વર્ષ 1950માં તેમનાં બહેન રાજકુમારી ઍનીનો જન્મ થયો હતો. એ બાદ ડ્યુક ઑફ યૉર્ક પ્રિન્સ ઍન્ડ્ર્યુનો જન્મ 1960માં થયો અને અર્લ ઑફ વૅસેક્સ પ્રિન્સ ઍડવર્ડનો જન્મ 1964માં થયો હતો.
 
પ્રિન્સ ફિલિપનો જન્મ ગ્રીસના કોર્ફુ દ્વીપમાં 10 જૂન, 1920માં થયો હતો. પ્રિન્સ ફિલિપના પિતા પ્રિન્સ ઍન્ડ્ર્યુ ગ્રીસ અને ડેનમાર્કના રાજકુમાર હતા. પ્રિન્સ ફિલિપનાં માતા રાજકુમારી ઍલિસ લૉર્ડ લુઇસ માઉન્ટબેટનના પુત્રી અને મહારાણી વિક્ટોરિયાનાં પપૌત્રી હતાં.