સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 નવેમ્બર 2024 (09:16 IST)

અમેરિકામાં આજે ચૂંટણી : ટ્રમ્પ જીત્યા કે હૅરિસ, જાણો કેવી રીતે જાણશો

trump harris
મતદાન પૂર્ણ થયા બાદ વિજેતાનું નામ જાહેર થવામાં કલાકો, દિવસો કે અઠવાડિયાં પણ લાગી શકે છે.
 
ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા કેટલી રસાકસી ભરેલી છે, તેના આધારે ચિત્ર સ્પષ્ટ થવામાં સમય લાગતો હોય છે.
 
ડેમૉક્રૅટિક પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસને ઉમેદવાર બનાવ્યાં છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીએ સતત ત્રીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર વિશ્વાસ મૂક્યો છે.
 
છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિની વચ્ચે ભારે રસાકસી પ્રવર્તી રહી છે.
 
જેમ-જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ-તેમ રાષ્ટ્રીય તથા ચૂંટણીપરિણામોને નિર્ધારિત કરતાં સાત સ્વિંગ રાજ્યોમાં બંને ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા ખૂબ જ સઘન બની રહી છે.
 
આથી, વિજય અને પરાજય વચ્ચેનો તફાવત ખૂબ જ પાતળો હોઈ શકે છે. અનેકસ્થળોએ પુનઃમતગણતરીની પણ જરૂર પડી શકે છે.
 
સાત સ્વિંગ રાજ્યો સહિત અનેક રાજ્યોએ વર્ષ 2020ના ઇલૅક્શન પછી પોતાની ચૂંટણીપ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. જેના કારણે પણ આ વખતે ચૂંટણીપરિણામો મોડાં આવે તેવી શક્યતા રહેલી છે.
 
બીજી બાજુ, મિશિગન જેવાં સ્થળોએ મતગણતરીની ઝડપ વધારી દેવામાં આવે છે. ગત વખતે કોવિડની મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, એટલે આ વખતે ટપાલથી પ્રમાણમાં ખૂબ જ ઓછા મત પડશે.
 
જેના કારણે સંભવતઃ મતદાનના દિવસે જ રાત્રે કે વહેલી સવારે વિજેતા જાહેર થઈ જશે. જોકે મતગણતરીની પ્રક્રિયા દિવસો અને અઠવાડિયાં સુધી ચાલી શકે છે.
 
અમેરિકાની છેલ્લી ચૂંટણી કોરોનાકાળમાં તા. ત્રીજી નવેમ્બરના રોજ યોજાઈ હતી. એ સમયે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ તથા વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે મુખ્ય મુકાબલો હતો.
 
એ સમયે અમેરિકાનાં ટીવી નેટવર્કસે છેક તા. 7 નવેમ્બરના મોડી સવારે ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર બાઇડનને વિજેતા જાહેર કર્યા હતા.
 
પહેલી રાત્રે ટ્રમ્પના સમર્થકોને લાગ્યું હતું કે વિજય નિશ્ચિત છે. એટલે સુધી કે બંને ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ કૉલેજ વૉટની નજીક હતા.
 
મોટાભાગનાં રાજ્યોએ 24 કલાકની અંદર જ પરિણામ જાહેર કરી દીધાં હતાં. જોકે, પૅન્સિલ્વેનિયા અને નૅવાડા જેવાં રાજ્યોમાં મતગણતરીમાં સમય લાગી ગયો હતો.
 
પૅન્સિલ્વેનિયામાં 19 ઇલેક્ટોરલ વોટ છે. અહીં ડેમૉક્રૅટિક સતત આગળ ચાલી રહ્યા હતા. શનિવારે સવારે જ્યારે નવા મત ખૂલ્યા, ત્યારે ટેલિવિઝન નેટવર્ક્સને વિશ્વાસ બેઠો કે બાઇડન ચૂંટણી જીતી જશે.
 
સૌ પહેલાં સીએનએને ચૂંટણીપરિણામ જાહેર કર્યાં. એ પછી લગભગ 15 મિનિટની અંદર જ અન્ય ટીવી નેટવર્ક્સે તેનું અનુસરણ કર્યું હતું.
 
સામાન્યતઃ પરિણામો ક્યારે જાહેર થાય?
 
સામાન્યતઃ મતદારો ચૂંટણીના દિવસે રાત્રે ઊંઘવા જાય ત્યાર સુધીમાં કે બીજા દિવસે વહેલી સવાર સુધીમાં આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તેના વિશેનો અંદાજ આવી જતો હોય છે.
 
વર્ષ 2016માં ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. એ સમયે આંતરરાષ્ટ્રીય સમય (જીએમટી) મુજબ સવારે સાત વાગ્યે (ભારતીય સમય સાડા પાંચ કલાક આગળ) ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
 
વર્ષ 2012માં બરાક ઓબામા બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા. એ સમયે મતદાનના દિવસે અડધી રાત પહેલાં જ તેઓ વિજેતા થશે તે સ્પષ્ટ થઈ ગયું હતું.
 
અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં વર્ષ 2000ના ઇલૅક્શન દરમિયાન જ્યૉર્જ ડબલ્યુ બુશ તથા જૉન કેરી વચ્ચેનો ચૂંટણીજંગ અપવાદરૂપ હતો.
 
બંને ઉમેદવારો વચ્ચે ફ્લૉરિડામાં ભારે ચૂંટણીજંગ જામ્યો હતો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે તા. 12મી ડિસેમ્બરે ફ્લૉરિડામાં મતગણતરી અટકાવી હતી અને વિજેતા નક્કી થયા હતા. એ ચૂંટણીમાં બુશ વિજેતા જાહેર થયા હતા અને રાષ્ટ્રપતિ બન્યા હતા.