શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (14:21 IST)

શ્રીલંકા આર્થિક સંકટ પાછળ કારણ શું?

માર્ચ 2020માં કોવિડ લૉકડાઉન દરમિયાન શ્રીલંકાના મુખ્ય ઉદ્યોગો ચા, કપડા અને પર્યટન ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
 
શ્રીલંકાનું અર્થતંત્ર મોટા પ્રમાણમાં પર્યટનઉદ્યોગ પર આધારિત છે. દેશની જીડીપીમાં પર્યટનઉદ્યોગની લગભગ દસ ટકા ભાગીદારી છે.
 
કોવિડને કારણે શ્રીલંકામાં પર્યટકોનું આગમન બંધ થઈ ગયું, જેને પગલે પર્યટનઉદ્યોગની કમર તૂટી ગઈ. વિદેશ હૂંડિયામણની અછતને કારણે કૅનેડા જેવા અનેક દેશોએ હાલ શ્રીલંકામાં રોકાણ બંધ કર્યું છે.
 
કોવિડને કારણે પર્યટનને લાગેલા ફટકાનું નુકસાન ભોગવી રહેલા શ્રીલંકાની સરકારે કેટલીક ભૂલો કરી, જેનાથી અર્થતંત્ર ધીમું પડતું ગયું. 2019માં રાજપક્ષે સરકારે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધારવા માટે ટૅક્સ ઘટાડી દીધો. આનાથી સરકારના મહેસૂલ પર પણ અસર પડી હતી.
 
ઉપરાંત રાજપક્ષેનો દેશમાં કૅમિકલ ફર્ટિલાઇઝરથી ખેતી બંધ કરવાનો આદેશ પણ ઘાતક નીવડ્યો. નિષ્ણાતો માને છે કે તેનાથી પાકમાં ભારે ઘટાડો નોંધાયો .
 
શ્રીલંકા એક દ્વીપ છે અને તેની પાસે સ્થિર આવકનો કોઈ સ્રોત નથી. કોરોના મહામારી અને સરકારના અમુક નિર્ણયોને કારણે શ્રીલંકાની સામે આર્થિક રૂપથી સંકટ વધતું ગયું. સાથે જ દેશની કેન્દ્રીય બૅન્કના હાથમાં રહેલી વિદેશી હૂંડિયામણમાં સતત ઘટાડો થતો રહ્યો.
 
શ્રીલંકાની સરકાર પાસે વિદેશથી આયાત માટે વિદેશી હૂંડિયામણ ખૂટવા લાગી.
 
2.2 કરોડની વસતી ધરાવતા નાનકડા દેશ શ્રીલંકાની વિદેશ હૂંડિયામણ નવેમ્બર 2021ના અંત સુધી માત્ર 1.6 અબજ ડૉલર જેટલી રહી ગઈ હતી, જે માત્ર અમુક અઠવાડિયાંની આયાતની ચૂકવણી કરી શકાય તેટલા પૂરતી જ હતી.
 
પરિણામસ્વરૂપ, સરકારે થોડી ઘણી વધેલી વિદેશ હૂંડિયામણ બચાવી રાખવા માટે ખાવા-પીવાની વસ્તુઓ સહિત કેટલીક જરૂરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદવો પડ્યો.
 
આ સિવાય ઈંધણ તથા ફ્રેઇટના ભાવ વધતા મિલ્ક પાઉડર તથા ચોખાના ભાવ પણ આસમાને પહોંચી ગયા.
 
મોઘવારી માત્ર શ્રીલંકાની સમસ્યા નથી. એશિયાના અનેક દેશો જેમાં ભારત અને પાકિસ્તાન પણ સામેલ છે, ત્યાં મોઘવારી વધી રહી છે.
 
શ્રીલંકામાં પરિસ્થિતિ એટલે પણ વણસી ગઈ કારણ કે આ એક નાનકડો દ્વીપ છે, જે મોટા ભાગની વસ્તુઓની આપૂર્તિ માટે વિદેશથી આયાત પર નિર્ભર છે. જેમકે દેશનો નાનકડો ડેરીઉદ્યોગ સ્થાનિક માગની આપૂર્તિ કરી શકે તેમ નથી, એટલે શ્રીલંકાએ મિલ્ક પાઉડરની આયાત કરવી પડે છે.
 
કોરોના મહામારીને કારણે વિશ્વમાં ઈંધણના ભાવ વધ્યા છે, જેનાથી શ્રીલંકાની મુશ્કેલીમાં વધારો થયો હતો. દેશમાં આવકનો સૌથી મોટો સ્રોત પર્યટનઉદ્યોગ એ મહામારીને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો હતો.
 
2019માં શ્રીલંકાને ચાર અબજ ડૉલરની આવક થઈ હતી, જેમાં કોરોના મહામારીને કારણે 90 ટકાનો ઘટાડો આવ્યો હતો.
 
મોંઘવારી અને ચીજવસ્તુઓની અછત
જેમ-જેમ શ્રીલંકામાં આર્થિક સ્થિતિ વણસતી ગઈ, આવશ્યક વસ્તુઓની કિંમત ઐતિહાસિક રૂપથી મોંઘી થતી ગઈ. રાંધણ ગૅસની અછતને કારણે હોટલો બંધ થઈ ગઈ કારણ કે રાજ્યના મુખ્ય ગૅસ આપૂર્તિકર્તાઓની પાસે ગૅસ ખરીદવાના પૈસા પણ નહોતા બચ્યા.
 
આવશ્યક સામાન ખરીદવા માટે લોકો દુકાનોની સામે લાઇનોમાં ઊભા થવા લાગ્યા અને કેટલીક વખત સામાન માટે હિંસા પણ થઈ હતી. વીજકાપ અને ડીઝલ તથા રાંધણગૅસની અછતની સીધી અસર જનજીવન પર પડી રહી છે.
 
ડીઝલની કમીની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે દેશમાં સાર્વજનિક પરિવહન ઠપ થઈ ગયું કારણ કે બસો અને કૉમર્શિયલ વાહનોમાં મુખ્ય ઈંધણ તરીકે વપરાતું ડીઝલ દેશમાં છે જ નહીં.
 
જોકે કહેવામાં આવે છે કે 1970ના દાયકામાં સિરિમોવા ભંડારનાયકે વડા પ્રધાન હતા ત્યારે શ્રીલંકામાં દુષ્કાળ પડ્યો હતો. પરંતુ કેટલાક લોકોને લાગે છે કે વર્તમાન સંકટ તેના કરતાં પણ ઘેરું છે.