1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: લોસ એન્જલસ , મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (21:01 IST)

કેલીફોર્નિયામાં સરકારી નોકરીમાંથી છટણી!

અમેરિકામાં શરૂ થયેલી મંદી હવે વધુ ને વધુ અમેરિકન નાગરિકોની નોકરીઓને ભરખી રહી છે. અમેરિકાના મહત્ત્વનાં રાજ્યો પૈકીના એક એવા કેલિફોર્નિયામાં નાણાંના અભાવે રાજ્ય સરકારે ૨૦,૦૦૦ કર્મચારીઓને તેઓની છટણી થઈ શકે છે તેમ જણાવી દીધું છે. આ પહેલાં રાજ્ય સરકાર ૪૦ બિલિયન ડોલરનું બજેટ પાસ કરવામાં નિષ્ફળ રહી હતી.

અમેરિકાનું મોટું અને મજબૂત રાજ્ય કહેવાતું કેલિફોર્નિયા મંદીના મારથી દેવાળિયું થવાની હદ સુધી પહોંચી ગયું છે. આર્થિક સંકડામણને કારણે હવે સરકાર રાજ્યના કર્મચારીઓને છૂટા કરવાનું વિચારી રહી છે. રાજ્યના ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરેના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે, મંગળવારે સરકાર તેના ૨૦ હજાર જેટલા કર્મચારીઓને તેઓની નોકરી જઈ શકે છે તેમ જણાવી દેશે.

આ પહેલાં કેલિફોર્નિયાનું ૪૦ બિલિયન ડોલર(૪૦૦ અબજ ડોલર)ના બજેટ મામલે વિવાદ સર્જાતા બજેટ પાસ થઈ શક્યું નથી. બજેટમાં સરકારને નાણાકીય મદદ મળી રહે તે માટે કરવેરા વધારવાની અને ખર્ચ ઘટાડવાની કેટલીક જોગવાઈઓ હતી. સરકારના પગલાંથી રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના ૨૦ ટકા કર્મચારીઓને અસર થશે.