આવતીકાલે યુપીએ સરકાર વિરુદ્ધ હડતાલનું એલાન

વેબ દુનિયા| Last Modified સોમવાર, 27 ફેબ્રુઆરી 2012 (11:55 IST)

P.R
વૈચારીક મતભેદોને ભૂલી જઇને દેશના તમામ મજૂર સંગઠનોએ મંગળવારે યુપીએ સરકાર વિરૂદ્ધ હડતાલનું એલાન કર્યું છે. મોંઘવારી અને સરકારની નીતિઓના વિરોધમાં ડાબેરીઓ, અને ખુદ કોંગ્રેસના મજુર સંગઠન એક મંચ પર આવી ગયા છે. રેલવેને બાદ કરતા તમામ ક્ષેત્રમાં હડતાલની જાહેરાત કરવામાં આવી છે.

ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી ગુરૂદાસ દાસ ગુપ્તાએ કહ્યુ કે પહેલીવાર તમામ 11 ટ્રેડ યુનિયનો હડતાલમાં ભાગ લઇ રહ્યા છે, તેમાં તમામ રાજકીય પક્ષોની સમર્થિત ટ્રેડ યુનિયન પણ છે. તેઓએ કોન્ટ્રાકટ પર કામ ન કરાવવા માટે, લઘુતમ મજુરી અધિનિયમ લાગુ કરવા માટે અને તમામ માટે પેન્શન સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

હડતાલમાં બેંક યુનિયનો પણ જોડાયા છે, તેમણે આઉટસોર્સિંગ વિરૂદ્ધ મંગળવારે હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે.
ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમે દાવો કર્યો છે કે વિભિન્ન બેંક યુનિયનો સાથે જોડાયેલા લગભગ 8 લાખ કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક બેંકોએ કહ્યુ છે કે જો હડતાલ થશે તો સેવાઓ પર અસર પડશે


આ પણ વાંચો :