એક મતનો ખર્ચ અંદાજે ૫૫ રૂપિયા!

election
Last Modified શુક્રવાર, 2 મે 2014 (12:14 IST)
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી પ્રણાલીમાં ચૂંટણીના વહીવટ પાછળ તોતિંગ ખર્ચ આવતો હોય છે. દેશનું ઘડતર કરતા મતદાન હકનું મૂલ્ય એક નજરે જોવા જોઇએ તો અમૂલ્ય જ ગણાય અને તેનું મૂલ્ય આંકી શકાય નહીં. પણ લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી પ્રક્રિયાની નક્કર વાસ્તવિકતા સાથે એક મત પાછળ વહીવટી ખર્ચનો જે દેશની તિજોરી પર બોજ પડે છે તે સરેરાશ પચાસ રૂપિયાથી વધુ થતો હોવાનું કહેવાય છે. ચૂંટણી પંચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ચૂંટણી પ્રક્રિયા પાછળ ૮.૩૦ કરોડનો ખર્ચ થયો.

સુરતમાં ૧૪.૮૪ લાખ મતદારો નોંધાયેલા છે. આ જોતાં હિસાબ માંડવામાં આવે તો સરેરાશ એક મત પાછળ થયેલા ખર્ચનો આંક ૫૫ રૂપિયા થયો કહી શકાય.


સુરત ખાતે મતદાન પ્રક્રિયાના ખર્ચની પ્રાપ્ત વિગતવાર વધુ માહિતી મુજબ, સુરત શહેર-જિલ્લામાં આવેલા ૩૮૯૬ મતદાન બુથ પાછળ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે ૭.૧૮ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. તેમાં સાહિત્યનો ખર્ચ તથા છ હજાર કર્મચારીઓના ખાવા-પીવાનો ખર્ચનો પણ સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત મતદાર યાદીની કામગીરી પાછળ મતદાનની પૂર્વ સંધ્યા સુધી ૭૭ લાખનો ખર્ચ થયો અને નવા ઇલેક્શન કાર્ડ પાછળ અંદાજીત ૨૦ લાખ જેટલો ખર્ચ થયો હતો. આ ઉપરાંત અન્ય ખર્ચ ૩૦ લાખની આસપાસ છે. તેમાં નાયબ મામલતદારોના પગાર અને અન્ય વધારાના ખર્ચનો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
=આ પણ વાંચો :