ગાંધીનગરમાં કાળઝાળ ગરમી, હિટસ્ટ્રોકના 3 દિવસમાં 68 કેસ નોંધાયા

Last Updated: સોમવાર, 16 મે 2016 (15:48 IST)
ગાંધીનગરમાં સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે નગરજનોના જનજીવન પર અસર પડી રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, સિવિલમાં છેલ્લા ત્રણ દિવસથી સતત તાપમાનનો પારો ૪૪ ડિગ્રીથી ઉપર રહેવાને કારણે હિટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. ગરમીના કારણે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હિટ સ્ટ્રોકના ૬૮ જેટલા દર્દીઓ નોંધાયા છે. તેમાં પણ ગઇકાલે શનિવારના રોજ તાપમાન એકાએક ૪૪.૨ ડિગ્રીએ પહોંચી જવાના કારણે હિટવેવથી ચક્કર આવવા તેમજ ઝાડા ઉલ્ટીના કેસ પણ વધ્યા હતા. આ એક જ દિવસમાં ૧૦૮ને ૩૦ થી પણ વધારે કોલ્સ મળ્યા હતા. ગાંધીનગરમાં આજે ઐતિહાસિક ૪૪.૫ ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે. ત્યારે કાળઝાળ અને અંગ દઝાડતી ગરમી ઉપરાંત દિવસ દરમિયાન લૂના આક્રમણને પગલે ગાંધીનગર જિલ્લામાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સાથે ઝાડા- ઉલ્ટીના દર્દીઓ ખાસ જોવા મળે છે. એટલુ જ નહીં, સતત ગરમીમાં રહેવાને કારણે નગરજનોમાં ડીહાઇડ્રેશન થવાના બનાવો પણ બની રહ્યા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગોના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કમળા અને ટાઇફોઇડના કેસ પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. સતત ગરમી અને લૂનુ આક્રમણ રહેવાને કારણે હિટ સ્ટ્રોક, ઝાડા-ઉલ્ટી અને ડીહાઇડ્રેશનના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતીમાં બપોરનો સીધો તડકો માથે નહીં લેવા તબીબોએ નગરજનોને સલાહ આપી છે. તો દિવસ દરમિયાન ટોપી માથે પહેરી રાખવા અને સતત પાણી પીવાની પણ તબીબોએ જણાવ્યું છે.આ ઉપરાંત લૂ લાગવાના કે સામાન્ય તાવ જેવી પરિસ્થિતિમાં પણ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :