ગોધરાકાંડ : આજે એ બિહામણી ઘટનાના દસ વર્ષ પૂરા

વેબ દુનિયા|
P.R
એક દસકો આજે પૂરો થયો, જાણે એક આખો અરસો પસાર થઇ ગયો. ગોધરાકાંડની હચમચાવી દેનારી ઘટનાને આજે દસ વર્ષ વીતી ગયાં ત્યારે એ નફરતના ભયાનક અને બિહામણા ચહેરાને યાદ કરતાં જ કંપારી વછૂટી જાય છે. ભાઇ-ભાઇની લડાઇમાં ભાંગી પડેલું એ સમયનું ગુજરાત આજે દસ વર્ષ પછી ક્યાં છે?, દર્દનાક યાદો, ભયાવહ ભૂતાવળ અને વસમી વેદનાઓથી ભરેલા એ પ્રકરણ બાદ શું ગુજરાત તેને વિસારે પાડી શક્યું છે...? કદાચ હા. વિકાસ અને પ્રગતિની દોડમાં આગળ વધી રહેલું ગુજરાત એ કારમી થપાટમાંથી ઉગરી ગયું હોય તેમ સ્વાભાવિક રીતે જ લાગે છે. માનવજિંદગી પૂર્વવત છે, શાંતિનો માહોલ બરકરાર છે, એ બાદ એકપણ કોમી રમખાણ નથી થયું એ વાત સાબિતી આપે છે કે ખમીરવંતા ગુજરાતીઓએ રમખાણોના ભડકાને હવે કાયમ માટે કોરાણે મૂકી દીધો છે. પણ સિક્કાની બીજી બાજુ હોય જ એમ અહીં સામે એટલી જ કડવી વાસ્તવિકતા છે કે ભલે ગુજરાત હાલ ગૌરવભેર જીવી રહ્યું હોય અને ભલે કોમી એખલાસ દેખાઇ રહ્યો હોય પણ અંદરોઅંદર એક ક્યારેય ન કળી શકાય તેવી વેદના ડૂસકાં ભરી રહી છે. એક એવી વેદના જેને સમયનો મલમ પણ નથી રૂઝવી શક્યો કે સાંત્વના, આશ્વાસન અને દિલાસા પણ નથી હળવી કરી શક્યાં... અને એથી પણ મોટી વાત તો એ છે કે રમખાણોને દસ વર્ષ વીત્યાં પણ એ રમખાણોમાં પડેલી લાશો પર આજે ય રાજકારણનું શતરંજ બેશરમીથી ખેલાઇ રહ્યું છે.
27 ફેબ્રુઆરી 2002ની એ સવાર.., 8.15નો સમય અને ગોધરા રેલવે સ્ટેશને ટ્રેનની સિસોટીનો અવાજ માંડ શમે ત્યાં વાતાવરણ અને શાંતિને ચીરી નાખતા ચિત્કારે એ સવાર અને સાથે ગુજરાત આખાનું ચિત્ર બદલી નાખ્યું હતું. આગમાં લપેટાયેલા સાબરમતી એક્સપ્રેસના ડબાની એ જ્વાળા એટલી ખતરનાક સાબિત થઇ કે રાજ્યના ખૂણે-ખૂણે એની આગ ભભૂકી... કેટલાક ગણ્યાગાંઠ્યા કહેવાતા હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓના દોરીસંચાર તળે રાજ્ય ભડકે બળ્યું. સાબરમતી એક્સપ્રેસના બે ડબામાં લાગેલી આગનો દવ હવે જાણે ગુજરાતીઓના હૈયે હૈયે ભડકે બળી રહ્યો હતો. ગોધરા રેલવે સ્ટેશન, નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી, સરદારપુરા, બેસ્ટ બેકરી, વિસનગર દીપરા દરવાજા.... ક્યાં ક્યાં આગની જ્વાળા પહોચી ન હતી..! ડબામાં માર્યા ગયેલા પ૮ કારસેવકોના મોતના બદલાની એ આગ એવી ચંપાઇ કે રાજ્યભરમાં લગભગ એક મહિના સુધી ખૂની ખેલ ખેલાયો, ૭૯૦ મુસ્લિમોની બલી ચડાવી દેવાઇ અને ર૯૮ દરગાહ, ર૦પ મસ્જિદ ધ્વસ્ત કરી દેવાયાં... સામે રપ૪ હિન્દુઓનાં માથાં વાઢી દેવાયાં...
આગ માંડ ઠરી પણ બુઝાઇ ત્યાં લગી તો એક એવો ખેલ ખેલાઇ ગયો હતો કે જેના વિચાર માત્રથી આજે પણ લોકો કાંપી ઉઠે છે. જરા ટૂંકમાં અને વધુ સચોટ રીતે કહીએ તો એ ગોધરા રેલવે સ્ટેશને અટકેલી ટ્રેનથી શરૂ થયેલાં એ રમખાણો એટલાં ભયાનક હતાં કે એ પછી ગાંધીનું ગુજરાત ગોધરા તરીકે ઓળખાતું થઇ ગયું હતું. ગુજરાતે ખુદ ગુજરાત સાથે હત્યાની હોળી ખેલી હતી. તલવારના ઝાટકા, ધારિયાં-છરીના ઘસરકા મારી સામેવાળાને પતાવી દેવાનું ખૂન્નસ જાણે ઓછું હોય એમ આ પોચો ગણાતો ગુજરાતી એ સમયે પોતાના જ ગુજરાતી ભાઇને જીવતા સળગાવી દેવાના ચસકે ચડ્યો હતો. માની કરગરતી આંખો સામે દીકરો હણાયો, બેનની નજરો સામે લાડકા વીરાએ દમ તોડ્યા, કુમળા ફૂલ જેવાં બાળકોને નજર સામે કચડાતાં જોતાં મા-બાપે માથાં પછાડ્યાં... હત્યાની આ હુતાશણીએ શરમને પણ શરમાવી દીધી કે જ્યારે મોતની સાથે હવસનો ખેલ રચાયો અને તલવારના ઝાટકે શ્વાસ છોડી રહેલા બાપની લાચાર નજરો સામે દીકરી પીંખાઇ... ધૃણા, તિરસ્કાર, નફરત, વૈમનસ્ય, બર્બરતાનો બિહામણો ચહેરો એવો સામે આવ્યો કે ગુજરાત હવે વિશ્વમાં ગુજરાતના નામે નહી પણ ગોધરા, નરોડા પાટિયા અને ગુલમર્ગ સોસયટીના નામથી વધુ ઓળખાતું થઇ ગયું હતું..!
એક મહિના કરતાં પણ વધુ સમય ચાલેલાં (કે ચલાવાયેલાં !) કોમી રમખાણોની આગ ધીમે-ધીમે બુઝાઇ, લોકોના મન અને મગજમાંથી વેરની ભાવના શાંત થવા લાગી અને છેવટે કાયદો મોડો મોડો દેખાયો... અત્યાર લગી છુપાતી-ફરતી અને માત્ર નામના દંડા લઇને ફરતી પોલીસે બધું શમ્યા બાદ દંડા ઉઠાવવા શરૂ કર્યા અને રમખાણોની ભારેખમ રાજકીય રમત શાંત પડી. ફરી લોકો તોફાનોની બીકમાંથી બહાર નીકળી કામ-ધંધે લાગ્યા. સમય વીતતો ગયો એમ-એમ જિંદગી ફરી પૂર્વવત્ બની ગઇ. આજે એક-બે કરતાં કરતાં દસ વર્ષ પૂરાં થયાં ગોધરાકાંડને. એક આખો દસકો વીતી ગયો. કહેવાય છે કે સારી અને ખરાબ બંને બાબતોનો એક દસકો હોય. અહીં સવાલ એ થાય છે કે આ હિંસાની એ હોળીને આજે એક દસકો થયો પણ શું ખરેખર એ દસકો પૂરો થઇ ગયો..? કદાચ રાજકીય રમતનો, આંધળે ચાકડે ચાલવાના ખેલનો, કોઇના મહોરાં બનીને નિર્દોષોની જિંદગી છીનવી લેવાની એ ઘટનાનો એક દસકો વીતી ગયો પણ બીક, ફફડાટ, આંસુ, વેદના, સ્વજનને ગુમાવ્યાના દુઃખ અને ક્યારેય ન સહાય કે ન કહાય તેવા દર્દનો એક દસકો હજુ નથી વીત્યો, હા દર્દનો દસકો...
P.R

ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના બે ડબામાં ભુંજાઇ જનારા 58 કારસેવકો, નરોડા પાટિયાના હત્યાકાંડમાં મોતને ભેટેલા 98 નિર્દોષો, અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં જીવતા સળગાવી દેવાયેલા 38 માસૂમો, સરદારપુરામાં અંતિમ શ્વાસ લેનારા 33 લોકો, દીપરા દરવાજા કાંડમાં બલી ચડેલા 11 વ્યક્તિઓના પરિવારજનોને જઇને પૂછીએ તો ખ્યાલ આવે કે ખરેખર દસ વર્ષ પૂરાં થયાં ખરાં...? જવાબ ક્યારેય નહીં મળે...જેમણે પોતીકાં ગુમાવ્યાં છે તેમની તો જિંદગી જ અટકી ગઇ છે. એમને તો એક વર્ષ શેનું અને દસકો શેનો?
બીજો સવાલ એ થાય છે કે, ગુજરાતને પડેલો એ ઘા આજે રૂઝાયો છે ખરો? વિકાસની વાતો થાય અને કોમી એકતાની વાતો કરાય એટલે સાહજિક રીતે જવાબ મળે કે હા, ગુજરાત રમખાણોની એ કડવી યાદોને વિસારે પાડીને બેઠું થઇ ગયું અને દોડતું થઇ ગયું છે. પણ સાચો અને કડવો જવાબ કદાચ એ છે કે, ના... અફસોસ છે કે હજુ ગુજરાતની બે હાથ સમી આ કોમ હજુ પરસ્પરના વેરને વિસરી શકી નથી. એ ખરાબ સમય ભૂલીને સૌ આગળ વધી રહ્યું છે પણ મનના એક ખૂણામાં હજુ પણ એ કડવી અને દર્દનાક યાદો સંઘરાયેલી છે, વેર હજુ વિસારે નથી પડ્યું... એક સીધો જ જવાબ છે, જો બધું જ સમસૂતરું હોત તો રાજ્યના મુખ્યમંત્રીને એ ખાસ કરીને એ કોમને મનાવવા આજે નવ-દસ વર્ષ પછી સદભાવનાની સોગઠી ખેલવી પડે ખરી...?
10 વર્ષ પહેલાંની 27 ફેબ્રુઆરી 2002ની એ બિહામણી સવાર હવે એક ધૂંધળી યાદ બનીને રહી છે, એક ઊંડો ઘા બનીને રહી ગઇ છે. લોકો સ્મૃતિપટ પરથી એ કડવી વાતોને ભૂંસીને જિંદગી રૂકતી નહીં...ની જેમ ભૂતકાળને ભૂલાવીને ભવિષ્ય તરફ જોઇને આગળ વધી રહ્યા છે. પણ એવી કેટલીક કડવી વાસ્તવિકતાઓ છે કે જે પચાવવી અઘરી છે.

રમખાણો કરતાં પણ ખતરનાક ખેલ રાજકારણનો...રાજ્યના મુખ્યમંત્રી મોદી સદભાવનાના નામે પ્રાયશ્ચિત કરવા અને મુસ્લિમ કોમને મનાવવા મથી રહ્યા છે. નામ અપાઇ રહ્યું છે સદભાવનાનું પણ હકીકતમાં તો આ બધો ખેલ ગુજરાતમાંથી કૂદકો મારીને સીધા દિલ્હી પહોંચવાનો છે. 2002નાં એ રમખાણોમાં મોદીની ભૂમિકા હતી કે કેમ?, તે અંગે અનેક સવાલ અને તપાસ થઇ રહ્યાં છે. સાચા-ખોટામાં પડ્યા વગર એક વાત સ્વીકારવી જ રહી કે અહીં પણ લાશોના નામે રાજરમત રમાય છે. કોંગ્રેસ પણ લઘુમતીઓની હિતેચ્છુ હોવાનાં ગાણાં ગાઇ મોદીને કસૂરવાર સાબિત કરી જેલમાં ધકેલવા ધમપછાડા કરી રહી છે. નામ અપાઇ રહ્યું છે લઘુમતીઓ પ્રત્યેની હમદર્દીનું. પણ અહીં પણ સાચા-ખોટામાં પડ્યા વિના એક વાત સ્વીકારવી જ રહી કે કોંગ્રેસને લઘુમતીના ભલામાં નહીં પણ મોદીને ઉથલાવીને સત્તાનો સ્વાદ ચાખવો છે. રમખાણો તો પૂરાં થઇ ગયાં, દસકો વીતી ગયો પણ એ જ રમખાણોના નામે હજુ પણ લુચ્ચા રાજકારણના ખેલ ખેલાઇ રહ્યા છે તે શરમજનક બાબત નથી લાગતી..?
ન્યાયના નામે ડિંગો, વળતરના નામે વાયદા...
કોમી રમખાણોમાં સ્વજનોને ગુમાવનારા લોકોએ ન્યાય માટે, અપરાધીઓને સજા કરાવવા માટે કાયદાનો સહારો લીધો. દસ વર્ષ વીત્યાં પણ મોટાભાગના કેસ હજુ કોર્ટમાં કાયદાની આંટીઘૂટીમાં અને છટકબારીઓમા અથડાતા રહ્યા છે. અમુક કેસના ચુકાદા આવ્યા તો એ ચુકાદાઓને ઉપરી અદાલતમાં પડકારાયા, તો વળી અમુક કેસની ફાઇલો તો ન્યાયની રાહ જોવામાં ચૂંથાઇ ગઇ છે. અસરગ્રસ્તોને વળતર ચૂકવાયાં પણ વળતર માત્ર નામનાં જ હોવાના બળાપા થઇ રહ્યા છે. આટલા મોટા હત્યાકાંડમાં આજે દસ વર્ષ પછી પણ ન્યાય અને વળતર માટે ફાંફાં મારવાં પડે ત્યારે એ ખરેખર દસકો વીતી ગયો ગણાય..? એક આંકડો જ કાફી છે આ રમખાણોની સ્થિતિ બયાન કરવા માટે, ગોધરાકાંડનાં 1958 કેસ પૈકી આજે દસ વર્ષ પછી માત્ર 117 કેસની તપાસ જ પૂરી થઇ શકી છે...!
P.R
અહીં ફરી અમન તો તહીં હજુ પણ ચાડી ખાય છે કાળી દીવાલો...
રમખાણોમાં પોતાની ઓળખ સુદ્ધાં ખોઇ બેસેલા એ વિસ્તારોમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે છે કે એક દસકા પછી પણ અહીં માત્ર ને માત્ર ચિત્કાર જ છે. નરોડા પાટિયા વિસ્તારમાં આજે પણ લોકોના હૈયે ફડક છે. એકસાથે 98 જિંદગીઓને મોતના મુખમાં ધકેલાતી જોનાર આ વિસ્તાર આજે પણ ડૂસકાં લેતો હોય તેવો જણાઇ રહ્યો છે. તો વળી ગુલબર્ગ સોસાયટીમાં તમામ મકાન આજે ય ખંડેર બનીને ઉભાં છે અને બયાન કરી રહ્યાં છે અહીં ખેલાયેલા ખૂની ખેલની દર્દનાક દાસ્તાન... 33 વ્યક્તિઓના મોતનો ખેલ જોનારા વિજાપુરના સરદારપુરાના અસરગ્રસ્તોને સતનગર વિકસાવીને આશ્રય તો અપાયો પણ આ લોકો આજે પણ પોલીસના પહેરા તળે જીવી રહ્યા છે, એમને આજે પણ ઇંતજાર છે પોતાના ગામ સરદારપુરા પરત જવાનો. વિસનગરના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસે 11 જિંદગીઓને જીવતી ભૂંજાતી જોયા બાદ આજે પણ એ ખંડેર સમાં મકાન અહીં ચિત્કાર કરી રહ્યાં છે. વડોદરાની બેસ્ટ બેકરી અને પાંડરવાડા ગામમાં આજે પરિસ્થિતિ થાળે પડી છે. અહીંના લોકોએ એ યાદોને ભુલાવીને હિંદુ-મુસ્લિમ એકતાનો પરિચય આપીને જાણે રમખાણોના ગાલ પર તમાચો મારી દીધો છે.


આ પણ વાંચો :