ડાયરામાં દુહા અને છંદની સામસામી રમઝટમાં થઇ 3 કરોડની ઉછામણી, રૂપિયાનાં ૧૪ કોથળા ભરાયા
લોકસાહિત્ય અને ડાયરાના કાર્યક્રમો સાંભળતી વખતે શ્રોતાઓ રૂપિયા ઉડાડે અને એ રકમ લાખો સુધી પહોંચે એ વાત હવે સૌરાષ્ટ્ર માટે સહેજ પણ નવી નથી, પણ ગુરુવારે રાતે વેરાવળ-સોમનાથ વચ્ચે આવેલા ભાલકા ર્તીથ નામના ગામમાં યોજાયેલા ખ્યાતનામ લોકકલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરના એક ડાયરાના કાર્યક્રમમાં દુહા-છંદની એવી રમઝટ બોલી કે હાજર રહેલા શ્રોતાઓએ ત્રણ કરોડ રૂપિયા જેટલી જંગી રકમની ઉછામણી કરી. આહીર સમાજ દ્વારા આયોજિત એવી આ શ્રીમદ ભાગવત કથામાં યોજવામાં આવેલા આ ડાયરાના કાર્યક્રમના અંતે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે રૂપિયા ભેગા કરવા માટે ૧૮ માણસો કામે લાગ્યા હતા અને ૧૪ કોથળા ભરીને રૂપિયા ભરાયા હતા. એકત્રિત થયેલા આ રૂપિયા આયોજકો દ્વારા બનાવવામાં આવનારી ગૌશાળાના ફન્ડમાં જમા કરવામાં આવ્યા હતા. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું, ‘માતાજીની દયા છે કે સારાં કામ કરવા મળે છે અને એ સારાં કામની સાથોસાથ સાહિત્ય અને લોકકલાની સેવા કરવા પણ મળે છે.’
ગુરુવારે રાતે યોજાયેલા આ ડાયરામાં જામનગરના BJPના સંસદસભ્ય પૂનમ માડમથી લઈને BJPના વેરાવળના ધારાસભ્ય જશુભાઈ બારડ અને ભૂતપૂર્વ ચાર ધારાસભ્યોએ પણ પોતાની પૈસાની પેટીઓ ખુલ્લી મૂકી દીધી હતી. સમગ્ર આયોજન આહીર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.