શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 19 મે 2016 (12:46 IST)

તા.30થી ઇજનેરીની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

રાજ્યમાં ડિગ્રી ઈજનેરીમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સંખ્યામાં સતત થયેલા વધારાના કારણે આજે એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે ડિગ્રી ઈજનેરી કોલેજોમાં આ વર્ષે પણ ગત વર્ષની સરખામણીમાં ર,૦૦૦ કરતાં વધુ બેઠક ખાલી રહે તેવી સંભાવના છે એટલે કે આ વર્ષે આગામી તા.૩૦ મેથી શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયામાં પણ ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ૩૦,૦૦૦થી વધુની સંખ્યામાં બેઠકો ખાલી પડી રહે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા આગામી તા૩૦ મેથી શરૂ કરવામાં આવશે, જે તા.૧૦ જૂન સુધી ચાલશે. આ દિવસો દરમિયાન ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી દેના બેન્કની ૧૩૪ બ્રાન્ચમાંથી નિયત ફી ભરીને બુકલેટ અને પિનનંબર મેળવી શકશે અને આ જ દિવસથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

અા અંગે એસીપીસીના ચેરમેન જી. વી. વડોદરિયાએ જણાવ્યું હતુ કે જે વિદ્યાર્થીઓએ જેઈઈ-મેઈન-ર૦૧૬ની પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓ ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધો.૧ર વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં જનરલ વર્ગના વિદ્યાર્થીઓ ૪પ ટકા અને અનામત વર્ગના વિદ્યાર્થીઓએ ૪૦ ટકા માર્ક્સ મેળવ્યા હશે તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાપાત્ર બનશે ગત વર્ષે ૭૦,૪૦૯ બેઠકો સામે ર૮,૦૦૦ જેટલી બેઠકો ખાલી રહી હતી.

જ્યારે આ વખતે ૭૦,૪૦૯ બેઠકો સામે પ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઅો પાસ થયા છે, જેના કારણે આ વર્ષે ખાલી બેઠકોની સંખ્યાનો આંકડો ૩૦,૦૦૦ સુધી પહોંચે તેવી સંભાવના છે. આગામી તા.૩૦ મેથી એસીપીસી દ્વારા પ્રવેશની પ્રક્રિયા થશે. રાજ્યની વિવિધ કોલેજોમાં કુલ ૭૦,૦૦૦થી વધુ બેઠકો છે. જેથી આ વખતે પણ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યૂટર, મિકેનિકલ, આઈટી, સિવિલ અને ઓટોમોબાઈલ્સની બ્રાન્ચમાં વિદ્યાર્થીઓનો ઝોક વધારે રહેશે. આ સિવાયની અન્ય શાખાઓ તરફ વિદ્યાર્થીઓનો ઝોક ઓછો જોવા મળે તેવી સંભાવના છે.  રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ અને પીપીપી ધોરણે ચાલતી કુલ ૧૩પ ડિગ્રી કોલેજો છે.