શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 19 મે 2016 (12:36 IST)

સમગ્ર રાજ્યમાં ગરમી વધી - સૌથી ઊંચુ તાપમાન કંડલા ૪૮.૪ ડિગ્રી

આકાશમાંથી જાણે કે અગ્નિવર્ષા થઈ રહી હોય તેમ તાપમાનનો પારો દિવસેને દિવસે નવા આંકડાઓ વટાવી રહ્યો છે. સ્થિતિ એ છે કે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં લોકો આ કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયા છે. આ કાળઝાળ ગરમીના કારણે મનુષ્ય તો ઠીક પણ પશુ-પક્ષીઓની પણ સ્થિતિ કફોડી બની છે. એકલા બનાસકાંઠા જિલ્લામાં જ આ ગરમીથી ૫ લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં ચાલુ સીઝનમાં મૃત્યુનો આંકડો ૧૧ ઉપર પહોંચ્યો છે.  આજે રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે ૪૮.૪ ડિગ્રી નોંધાયુ છે. જ્યારે રાજ્યના ચાર શહેરોનું તાપમાન ૪૭ ડિગ્રીથી ઉપર નોંધાયુ છે. ઉપરાંત અમદાવાદમાં પણ તાપમાનનો
પારો ૪૬.૯ ડિગ્રી નોંધાતા લોકો ગરમીથી ફફડી ઉઠ્યા હતા.  ગરમીના કારણે સ્થિતિ એવી છે કે, બપોરના સમયે શહેરમાં સ્વયંભુ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ આપી છે.

બીજી બાજુ આગામી બે દિવસ સુધી હજી કાળઝાળ ગરમીનો આતંક યથાવત રહેવાની આગાહી કરાઈ છે, તેમજ સપ્તાહના અંત સુધી રાજ્યમાં તાપમાનનો પારો ૫૦ ડિગ્રીને આંબી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ગરમીના કારણે જનજીવન પર પણ માઠી અસર થઈ છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી ફુંકાઈ રહેલ ગરમ પવનના કારણે માથુ ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.