વડોદરામાં રાજાશાહી વિરૂધ્ધ લોકશાહી

સંસ્કારનગરીમાં જંગ

PRP.R

સંસ્કાર નગરી તરીકે પ્રખ્યાત વડોદરામાં આ વખતે જંગ ખૂબ જ રસપ્રદ છે. કારણ કે કોંગ્રેસે રાજાશાહી એટલે રાજવી પરિવારનાં સત્યજીતસિંહ ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપે લોકશાહી સંસ્થા એવી મ્યુનિસીપલ કોર્પોરેશનનાં વડા એવા મેયરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

ઉમેદવારની પસંદગીઃ
વડોદરા બેઠક પરથી સૌથી નાની વયે સાંસદ બનવાનો વિક્રમ સત્યજીત ગાયકવાડનાં નામે છે. તેમણે 1996માં ખૂબ ઓછા મતોની સરસાઈથી જીત મેળવી હતી. પણ 1998 અને 2004માં તેમને હાર મળી હતી. જો કે ગઈ ચુંટણીમાં ફક્ત 600 મતોથી જીત થઈ હોવાથી કોંગ્રેસે તેમને રીપીટ કર્યા છે. વળી, સત્યજીતનું કોંગ્રેસ હાઈકમાન્ડમાં ખૂબ સારૂ ઉપજે છે. તો ભાજપે પસંદ કરેલાં બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લને વડોદરા બહાર ખૂબ ઓછા લોકો ઓળખે છે. પણ વડોદરા તરીકે તેમની કામગીરીને બધાએ વખાણી છે. વળી, તેમની છબી સ્વચ્છ શાસક તરીકે પંકાયેલી છે. વળી, મોદીની નોટબુકમાં સૌથી આગળ હોવાથી તેમની પસંદ કરવામાં આવી છે.


બંને ઉમેદવારો મરાઠીઃ
સયાજી નગરી તરીકે ઓળખાતાં વડોદરામાં ફરીથી મરાઠી વ્યક્તિ રણીધણી બનશે. એટલે કે બંને મુખ્ય પાર્ટીઓએ ઉભા રાખેલા ઉમેદવારો મરાઠી છે. કોંગ્રેસનાં અને લોકપ્રિય મેયર પણ મરાઠી છે. વડોદરામાં મરાઠી મતદાતાઓની વસ્તી 70 હજારથી વધુ છે. જો કે આજે પણ લોકો મહારાજા સયાજીનાં શહેર માટે કરેલાં યોગદાનને યાદ કરે છે. તેથી સત્યજીત માટે પ્લસ પોઈન્ટ કહી શકાય.

મતદારોનો ઝુકાવઃ
રાજ્યનું ત્રીજા નંબરનું શહેર વડોદરા સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક એમ દરેક ક્ષેત્રે આગળ પડતું છે. તેમાં 15 લાખથી વધુ મતદારો છે. જેમાં ઓબીસીની વોટબેન્ક સૌથી મોટી એટલે કે 27 ટકા છે. તો મુસ્લિમ મતદારો 10 ટકા, ક્ષત્રિય 14 ટકા છે. લેઉવા પટેલ 7 ટકા, કડવા પટેલ 5 ટકા છે. તો બ્રાહ્મણોની વસ્તી પણ 4 ટકા છે. તો એસ.સી. મતદારો 11 અને એસ.ટી. મતદારો 8 ટકા છે. આમ, કોંગ્રેસનાં ઉમેદવાર માટે ક્ષત્રિય, એસસી, એસટી અને મુસ્લિમ મતદારોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થશે તો જીતી શકશે. તો ભાજપનાં ઉમેદવાર અને મેયર બાલકૃષ્ણ પોતાના કામનાં બદલે વોટ માંગી રહ્યાં છે. જો કે વડોદરામાં 11 લાખ મતદારો શહેરમાં રહે છે. તેથી માની શકાય કે સુશિક્ષિત લોકો વોટ કરશે. પણ મતદારોને પસંદગી માટે હજી ઘણો સમય છે.

મુખ્ય મુદ્દોઃ
સત્યજીતસિંહ કોર્પોરેશનનાં સમસ્યાને ઉઠાવે છે. તે પાણી, ગટર વગેરે જેવા માળખાકીય સુવિધાને લઈને જનતા વચ્ચે જઈ રહ્યાં છે. તો યુપીએ સરકારનાં ન્યુક્લીયર ડીલ અંગે પણ લોકોની પાસે વોટ માંગી રહ્યાં છે. તો સામેની બાજુ બાલુ શુકલ લોકોને કાળુ નાણુ પાછુ લાવવા, સુરક્ષા, વિકાસ અને સુશાસન આપવાની ખાતરી આપે છે. તેમજ તે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલાં વિકાસને લઈને લોકોની પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે લોકસભાની ચુંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ છોડીને સ્થાનિક મુદ્દાઓ ઉછળતાં લોકો મજાક કરી રહ્યાં છે કે લોકસભાની ચુંટણી છે કે મ્યુનિસીપલ કોર્પોરેશનની.

બાળકૃષ્ણની ઈમેજઃ

એક જાંબાજ મેયર તરીકે ઓળખાતાં બાળકૃષ્ણ શુક્લે ખૂબ થોડા સમયમાં લોકોમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. શહેરની શકલ તો બદલી નથી. પણ તેમની અંદર શહેરની ઓળખ બદલવાનો જુસ્સો દેખાય છે. વળી, તે મેનેજમેન્ટ કન્સ્ટલટન્ટ હોવાથી દરેક ચીજને સારી રીતે "મેનેજ" કરી શકે છે.

સત્યજીતની ત્રણ વખત હારઃ
1996માં સૌથી નાની વયે વડોદરાનું સાંસદપદ જીતનાર સત્યજીત ત્યારબાદ ફરીથી જીતી શક્યા નથી. ભલે તે કોંગ્રેસ હાઈકમાન્ડમાં તેમનું ચાલતું હોય. પણ વડોદરાની જનતા વચ્ચે ખાસ ઉપજતું નથી. તેથી તો રાહુલ ગાંધીએ થોડા મહિના પહેલાં વડોદરામાં રોડ શો કર્યો હતો. જેના બાદ સત્યજીતને જીતની આશા છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસની આંતરીક જૂથબંધી. સત્યજીતને હરાવવા માટે અત્યારથી જ તેના વિરોધી જૂથો મેદાને પડી ગયા છે.

પરિણામઃ
વડોદરા| વેબ દુનિયા|
દેવાંગ મેવાડા
વડોદરાનો અત્યારસુધીનો ઈતિહાસ જોઈએ તો, લોકોનો ઝુકાવ 80નાં દાયકા બાદ કોંગ્રેસ તરફથી ધીમે ધીમે ખસીને ભાજપ તરફ આવવા લાગ્યો. જે 2007 સુધી ચાલતો રહ્યો છે. તેથી ભાજપ તેને પોતાનો ગઢ ગણે છે. પણ બંને ઉમેદવારો યુવાન, કર્મશીલ અને લોકપ્રિય હોવાથી તેમની વચ્ચે પસંદગી કરવી થોડી અઘરી રહેશે.


આ પણ વાંચો :