મહિલાઓ કેટલું ટીવી જુએ છે?, ભારત સરકાર સર્વે કરાવી રહી છે

working women
Last Modified ગુરુવાર, 22 જાન્યુઆરી 2015 (15:20 IST)
તમારા બાળકો કેટલા કલાક ટીવી, ઈન્‍ટરનેટ કે ફોન પર ગાળે છે અને ભણતર પાછળ કેટલો સમય આપે છે? તેની માહિતી ટૂંક સમયમાં મળશે એવી શકયતા છે. સરકાર ‘ઓલ ઈન્‍ડીયા ટાઈમ યુઝ સર્વે'ના ભાગરૂપે આ પ્રકારના ડેટા તૈયાર કરી રહી છે. જો કે, સર્વે મુખ્‍યત્‍વે મહિલાઓ પર ધ્‍યાન કેન્‍દ્રીત કરશે.

સેન્‍ટ્રલ સ્‍ટેટિસ્‍ટિક ઓફિસ દ્વારા સંચાલિત આ સર્વેમાં મહિલાઓ રસોઈ, સફાઈ, બાળકોના અભ્‍યાસ, પતિના કપડાને ઈસ્‍ત્રી સહિતના કામમાં કેટલો સમય વાપરે છે તેની માહિતી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના સર્વેક્ષણમાં મહિલાઓની ઘરકામ સહિતની પ્રવૃતિમાં વપરાતા સમયના મુદ્દાની અવગણના થઈ છે.સમિતિના અધ્‍યક્ષ અને અર્થશાસ્‍ત્રી એસ.આર. હાશિમે જણાવ્‍યુ હતુ કે, ‘મહિલાઓ એક સાથે ઘણા કામ કરે છે. જેમા રસોઈ, સીવણ, બાળકોને શાળાએ મુકવા જવું, નોકરી વગેરે કામ કરે છે.

જો કે મોટાભાગના કામને જીડીપીમાં સામેલ કરાતા નથી.' હાશિમે તમામ લોકો માટે હાથ ધરવામાં આવનારા સર્વે માટે લગભગ ૧,૦૦૦ પ્રવૃતિની યાદી તૈયારી કરી છે. જેમા જુગાર, ફિલ્‍મ જોવી, જોબ ઈન્‍ટરવ્‍યુ માટેની તૈયારી, યોગા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.સમગ્ર કવાયતનો મુખ્‍ય હેતુ ભારતના લોકો ૨૪ કલાકનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જાણવાનો છે. તેને લીધે વિકાસની ગુણવત્તાનો ખ્‍યાલ આવે છે. સર્વેનું કામ નેશનલ સેમ્‍પલ સર્વે ઓર્ગેનાઈઝેશન અથવા કોઈ બહારની એજન્‍સીને સોંપાશે. સોશિયલ મીડિયા પણ પ્રશ્નસૂચિનો ભાગ હશેઃ વ્‍યકિત વોટસએપ કે ફેસબુક પર દિવસનો કેટલો સમય વાપરે છે?

અન્‍ય જવાબોમાં પુરૂષ કે સ્‍ત્રીની પસંદગીમાં તફાવત કે સમાનતા જાણવા મળશે. ઉપરાંત પુરૂષોને શોપિંગ અને વ્‍યકિતગત સજાવટમાં મહિલાઓ જેટલો સમય લાગે છે? વ્‍યકિત કોઈ પણ કામ નહીં કર્યા વગર કેટલા કલાક પસાર કરે છે? સર્વેમાં આ તમામ પ્રશ્નોના જવાબ માંગવામાં આવશે.હાશિમે જણાવ્‍યુ હતુ કે, ‘અમે ગુજરાત અને બિહારમાં પાઈલટ પ્રોજેકટની મદદથી પ્રશ્નોની યાદી બનાવી છે. સેમ્‍પલિંગનું મોડલ પણ તૈયાર છે. આ સર્વે ઘણા અભ્‍યાસ માટેનો પાયો બનાવશે, વિવિધ ટ્રેન્‍ડનો ખ્‍યાલ આપશે અને ઘણી માન્‍યતાઓ ખોટી ઠેરવશે.' કલબમાં પાર્ટી અને રેસ્‍ટોરન્‍ટ સંબંધી પ્રશ્નો, પરીક્ષાની તૈયારી, ઘર બદલવાની પ્રક્રિયા, ઓફિસની શોધ જેવા પ્રશ્નોને પણ સર્વેમાં સમાવી લેવાશે. સમય વપરાશના આંકડા જીવનની ગુણવત્તા સહિતની બાબતોનો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છે


આ પણ વાંચો :