વડોદરાની ૯૨ વર્ષ જુની પારસી અગિઆરીનું સમારકામ હાથ ધરાયું
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ખુબ જાણીતા લેન્ડમાર્ક 'પારસી અગિઆરી'ને ૯૨ વર્ષ થઇ ગયા છે. ઐતિહાસિક વારસા સમાન આ અગિઆરીનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. સમારકામ માટે મુંબઇ અને સુરતથી 'ખાસ કારીગરો' બોલાવવામાં આવ્યા છે. 'ખાસ કારીગરો' એટલા માટે તેઓ કોઇ કડીયા, મિસ્ત્રી, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન નથી પરંતુ બિઝનેસમેન, સરકારી અને ખાનગી કંપનીઓના ઉચ્ચ ઓફિસર અને એન્જિનિયરો છે. આ બધા જ પારસી સ્વયંમ સેવકો છે જે અગિઆરીઓનુ સમારકામ નિ : શુલ્ક કરી રહ્યા છે કેમ કે અગિઆરીમાં પારસી સિવાય અન્ય કોઇ વ્યક્તિ પ્રવેશ કરી શક્તુ નથી. દેશની ૮૦ પૈકી ૫૨ અગિઆરીઓમાં સમારકામ કરી ચુકનાર આ વિશેષ ગુ્રપના કેપ્ટન બોમી જાલ મિસ્ત્રી છે તેઓ પોતે ૬૦ વર્ષના છે અન મંબઇમાં વેપાર કરે છે. પોતાના આ વિશેષ ગુ્રપ અને તેની કામગીરી અંગે વાત કરતા કહ્યુ હતું કે અમારા ગુ્રપમાં મુંબઇ, સુરત અને પુનાના બે ડઝન લોકો જોડાયેલા છે અને મોટાભાગના સિનિયર સિટીઝન છે તેમ છતાં અમે બિલ્ડિંગના સમારકામને લગતા તમામ કઠીન કામ આસાનીથી કરી રહ્યા છીએ. અમારામાંથી કોઇએ આ કામ માટે તાલીમ લીધેલી નથી તેમ છતા અમે બિલ્ડિંગનું સ્ટ્ર્કચર લેવલનું કામ, રૃફિંગ, ચણતર પ્લાસ્ટર, કલર કામ, ઇલેક્ટ્રિક ફિટિંગ, પ્લમ્બિંગ, ટાઇલ્સ અને ફેબ્રિકેશન એમ તમામ કામ કરીએ છીએ. આ માટે અમે કોઇ પણ પ્રકારનો ચાર્જ અગિઆરીઓ પાસેથી લેતા નથી. અમે સમારકામ માટેની જરૃરી મશીનરી પણ સાથે લઇને આવીએ છીએ. અગિઆરીઓએ માત્ર સામાન લાવવાનો હોય છે અને અમારા ગ્રુપ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની હોય છે. વડોદરાની આ અગિઆરીમાં છેલ્લા ત્રણ દિવસથી સમારકામ ચાલી રહ્યુ છે હજુ ૧૦ દિવસ કામ ચાલશે. અહી મુખ્ય મંદિરમાં જ્યા અગ્નિ રખાયો છે તેના ડોમમાંથી ધૂંમાડો બહાર નીકળતો નથી, ડોમ જામ થઇ ગયો છે જેથી અંદરની દિવાલો ખરાબ થઇ ગઇ છે માટે અમે ડોમનુ રીપેરિંગ કરી રહ્યા છે આ ઉપરાંત કલર કામ સહિત બીજા અન્ય જરૃરી સમારકામ પણ પુરા કરીશું. અમે લોકો રોજ અગિઆરી જઇ શક્તા નથી માટે અમારી આવડત અને શક્તિ પ્રમાણે દેશભરની અગિઆરીઓમાં આ પ્રકારની સેવા આપીને ભક્તિ કરી રહ્યા છીએ. જ્યારે અગિઆરીના ટ્રસ્ટી નિકિતન કોન્ટ્રાક્ટરે કહ્યુ હતું કે આ અગિઆરી તેમના પરદાદાએ બાંધી છે. અગિઆરીને ૭૫ વર્ષ પુરા થયા ત્યારે પ્રથમ વખત સમારકામ કરાયુ હતુ જે બાદ આઠ વર્ષ પહેલા પણ કરવામાં આવ્યુ હતું આ ત્રીજી વખત સમારકામ થઇ રહ્યુ છે.