શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:04 IST)

પાટીદાર આંદોલન સંદર્ભે હાર્દિક પટેલને વાટાઘાટો કરવા આમંત્રણ આપતી રાજ્ય સરકાર

નાયબ મુખ્‍યમંત્રી   નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલતાં પાટીદાર આંદોલન સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે સંવેદનશીલતા દાખવીને પાટીદાર આંદોલન સંદર્ભે વાટાઘાટો કરવા સામેથી આમંત્રણ આપ્યુ છે અને પાસ કન્વીનરો દ્વારા જે રજુઆતો આ વાટાઘાટોમાં થશે તે સંદર્ભે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ માટે સઘન પ્રયાસો કરશે. નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, ગુજરાતની શાંતિ, સલામતી અને એકતા સુપેરે જળવાઇ રહે અને રાજ્યના ૬ કરોડ ગુજરાતીઓ રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થાય તે રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે ત્યારે તમામ સમાજના લોકો પણ પોતાનુ યોગદાન આપી શકે તે આશયથી મુખ્યમંત્રીએ સામેથી પાટીદાર આંદોલનના હોદ્દેદારો સાથે વાટાઘાટો કરવા ખુલ્લુ આમંત્રણ આપ્યુ છે. 
 
તેમણે ઉમેર્યુ હતુ કે, અગાઉ પણ પાસ ક ન્વીનરો સાથે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણાઓ દ્વારા તેમના પ્રશ્નોને સાંભળીને યોગ્ય ઉકેલ લાવવા તત્પરતા દર્શાવી છે. હાલના તબક્કે પણ પાસના કન્વીનરો સાથે ચર્ચા વિચારણા કરી કાયદાની મર્યાદામાં રહીને તેમજ અન્ય પ્રકારે જે પણ લાભ કે સવલતો મળે શકે તેમ હોય તે સંદર્ભે રાજ્ય સરકાર ચોક્કસ હકારાત્મક અભિગમ દાખવી ઘનિષ્ઠ પ્રયાસો કરશે.  ગુજરાતને પ્રગતિના પંથે લઇ જવા મુખ્યમંત્રી  દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે, જેમાં વિવિધ સમાજો સહિત કર્મચારી મંડળો અને અન્ય લોકો દ્વારા જે માંગણીઓ આવી તે સંદર્ભે વાટાઘાટો દ્વારા પરિણામ લાવવા ઘનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. તાજેતરમાં જ ઠાકોર સમાજ દ્વારા ગાંધીનગર ખાતે જે આંદોલન થયુ હતુ તે સમયે પણ સમાજ દ્વારા રાજ્ય સરકારને ચર્ચા વિચારણા માટે જણાવ્યુ હતુ ત્યારે પણ તે જ દિવસે મુખ્યમંત્રી એ મહેસૂલ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ મંત્રી  પ્રદિપસિંહ જાડેજાને ઠાકોર સમાજ સાથે વાટાઘાટો કરવા મોકલી આંદોલનનું સુખદ સમાધાન લાવ્યા હતા. તે જ દર્શાવે છે કે, રાજ્ય સરકાર સૌનો સાથ સૌના વિકાસને આગળ વધાવવા કેટલી તત્પર છે. રાજ્યના સર્વાંગી વિકાસમાં પાટીદાર સમાજ સહિત બધા સમાજો પોતાનું યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેમના પ્રશ્નો સહિત માંગણીઓ સંદર્ભે વાટાઘાટો કરવા સદાય તત્પર છે.  નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકારનું આમંત્રણ પાસના નેતા  હાર્દિક પટેલ અને તેમના સાથીઓ દ્વારા સ્વીકારવામાં આવશે અને સરકાર-સમાજ સાથે મળી ગુજરાતના વિકાસમાં સહભાગી થશે.