શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2016 (11:48 IST)

OMG ગુજરાતમાં દર પાંચમાંથી બે લોકો માંસાહારી !!

ગુજરાત અંગે કહેવાય છે કે, ત્યાં મોટાભાગના લોકો શાકાહારી હોય છે. આ પ્રચલિત ધારણાથી અલગ ગુજરાતમાં દર પાંચમાંથી બે વ્યકિત માંસાહારી છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા વર્ષ-2014માં કરવામાં આવેલા એક સર્વેમાં આ આંકડા સામે આવ્યા છે. આ આંકડા રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયા છે જે અનુસાર ગુજરાતની કુલ વસ્તીમાં જયાં 61.80 ટકા લોકો શાકાહારી છે તો 39.5 ટકા લોકો માંસાહારી છે.
 
   આંકડાઓ અનુસાર ગુજરાતમાં માંસાહારીની સંખ્યા પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજયોથી વધુ છે. આ સર્વેથી જાણી શકાય છે કે, ભારતમાં 71 ટકા લોકો માંસાહારી છે. આ લોકો મટન, માછલી અને મરઘી લેતા હોય છે. જયારે ફકત 28.85 ટકા લોકો જ શાકાહારી છે. સૌથી માંસાહારી લોકો તેલંગાણામાં હોવાનુ જણાયુ છે. ત્યાંની કુલ વસતીમાંથી 98.7 ટકા લોકો માંસાહારી છે. તે પછી વધુ સંખ્યામાં માંસાહારી પ.બંગાળ (98.55 ટકા), ઓડિશા 97.35 ટકા અને કેરળ 97  ટકા છે. ગુજરાતમાં માંસાહારી લોકોમાં મહિલાઓ અને પુરૂષોની સંખ્યા બરાબર છે.
 
   ગુજરાતને સામાન્ય રીતે શાકાહારી ગણવામાં આવતુ હોય છે. આંતરરાષ્ટ્રીય પીઝા ચેઇન પીઝાહર્ટએ વિશ્વમાં પોતાની સર્વ પ્રથમ શાકાહારી રેસ્ટોરન્ટ ગુજરાતમાં ખોલી હતી. સબ-વે, કેએફસી અને મેગડોનાલ્ડસની ચેઇન પણ ગુજરાતમાં શાકાહારી ચીજો પીરસે છે એટલુ જ નહી તેઓ જૈન ખાણુ પણ બનાવતા હોય છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહે જણાવ્યુ છે કે, વાસ્તવિકતા એ છે કે ગુજરાતની વસ્તીમાંથી મોટી સંખ્યામાં લોકો માંસાહારીઓ છે. તેમાં અનુસુચિત જનજાતિ, દલિત, અન્ય પછાતવર્ગ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના લોકો સામેલ છે.
 
   ગુજરાતમાં 39.90 ટકા પુરૂષો અને 38.20 ટકા મહિલાઓ માંસાહારી છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, લોકોની લાઇફ સ્ટાઇલ બદલાય છે જેને કારણે નોન વેજીટેરીયલ લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.