ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (12:50 IST)

નવરાત્રીમાં વરસાદની સર્જિકલ સ્ટ્રાઈક, ખેલૈયાઓનો મુડ બગડ્યો

છેલ્લા ત્રણ દિવસથી દરરોજ રાત્રે ગરબાના સમયે વરસાદ પડતાં ખેલૈયાઓ પણ નિરાશ થયા છે. વરસાદના લીધે ખેલૈયાઓ માટે આજે ત્રીજુ નોરતુ પાણીમાં ગયું હોય તેમ વિવિધ ગરબાના મેદાનો પાણીથી ભરાઇ ગયા છે. તેમજ ભારે પવન હોવાથી બેનરો ઉડી ગયા હતા. ખુરશીઓ પણ મેદાનમાં તરતી જોવા મળી હતી.

એક વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી તો બીજી તરફ સોશિયલ સાઈટ્સ પર લોકો 'નોરતામાં ભારે વરસાદથી દોઢિયું, પોપટિયું બાદ લપસિયું' જેવા મેસેજ વાયરલ કરીને મજા લઈ રહ્યાં હતા. સોમવારે સમગ્ર રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે અનેક સ્થળે ગરબાના મંડપ તુટી પડ્યા હતા.

ગરબાના મેદાનમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર અડધો ફુટ પાણી ભરાઈ જતા ત્રીજા નોરતાનો કાર્યક્રમ રદ્દ કરી દેવાયો હતો આજે પણ મેદાનમાં પાણી ભરાયેલા છે. તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે જો પાણી નહીં ઓસરે તો આજનો પણ કાર્યક્રમ રદ્દ કરવો પડે તેવી હાલત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 7 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને પગલે આખી નવરાત્રિમાં વરસાદ હેરાન કરે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહીથી ગરબા લવર્સમાં નિરાશા જોવા મળી રહી છે.