Last Updated : રવિવાર, 19 ઑક્ટોબર 2014 (15:22 IST)
દિવાળીમાં ઘરે નાસ્તો બનાવવાનું બંધ!
દિવાળીને હવે જયારે થોડા દિવસો બાકી છે ત્યારે ગૃહિણીઓ ઘરની સાફસફાઇ, સજાવટની સાથે સાથે નાસ્તાઓ બનાવવાની શરૃઆત પણ કરી દીધી ચે. જો કે, હવે બહુ ઓછી ગૃહિણીઓ ઘરે નાસ્તો બનાવતી હોય છે. થોડા વર્ષો પહેલાં દિવાળીના અઠવાડિયા પહેલાથી ઘરમાં ગૃહિણીઓ તીખીપુરી, મીઠીપુરી, જીરાપુરી, શક્કરપારા, ખાખરા, મઠીયા, ઘૂઘરા અને ચોળાફળી ઘરે જ બનાવતી હતી પરંતુ સમયની સાથે સાથે આ ટ્રેન્ડ ચેન્જ થયો અને હવે મહિલાઓ તૈયાર નાસ્તાઓ લેતી થઇ ગઇ છે. જો કે, આ બધામાં પણ જે જૂન વાનગીઓ જેવી કે શક્કરપારા, ઘૂઘરા, મીઠીપુરી, તીખીપુરી તો સમય સાથે વિસરાતી ગઇ છે. ખૂબ ઓછા લોકો હવે આ બધી વસ્તુઓ બનાવે છે અથવા ખરીદી કરે છે.
પહેલાના સમયમાં દિવાળીમાં કોઇના ઘરે જાઓ અથવા કોઇ આપણા ઘરે આવે ત્યારે તેને નાસ્તામાં ઘૂઘરા, મીઠીપુરી, શક્કરપારા તો ખાસ હોય જ પરંતુ સમય સાથે બધું વિસરાઇ ગયું અને હવે તમને નાસ્તામાં ચેવડો, ગાંઠીયા, ખાખરા, ભાખરવડી, મઠીયા અને માત્ર ચોળાફળી જ જોવા મળે છે. બહુ ઓછા લોકોના ઘરે આપણને ઘૂઘરા અને બીજી બધી વાનગી જોવા મળતી હોય છે.
અખિલ હિંદ મહિલા પરિષદના ગીતાબેન નાયક કહે છે કે, અમારી સંસ્થાની બહેનો દ્વારા દિવાળીના સમયે વિવિધ પ્રકારના નાસ્તા બનાવવામાં આવે છે. જેમાં અને પહેલાના સમયમાં મળતી વસ્તુઓ જેવી કે ઘૂઘરા, પુરી, શક્કરપારા અને અન્ય ઘણુંબધું બનાવીએ છીએ. આજે લોકો પાસે સમય નથી. આજનું જનરેશન ઘણું બદલાયું છે અને ફાસ્ટ બની ગયું છે. તેથી તેઓને દરેક વસ્તુ જલ્દી અને તૈયાર જોઇએ છે. અમારા ત્યાંથી ઘણીબધી ગૃહિણીઓ તૈયાર નાસ્તા લઇ જાય છે. દિવાળીના સમયે અમે બહારથી પણ ઘણી બહેનોને નાસ્ત બનાવડાવવા બોલાવીએ છીએ. આજના આધુનિક સમયમાં ઘૂઘરા, શક્કરપારા, મીઠીપુરી, ખારીપુરી જેવી વસ્તુઓ ખૂબ ઓછા પ્રમાણમાં લોકો લેતાં હોય છે.
પોતાના ઘરે નાસ્તાની વિવિધ વાનગીઓ બનાવીને ઘરે ઘરે પહોંચાડતા નિશાબેન મહરાજ કહે છે કે, દિવાળીમાં હું વિવિધ વાનગીઓ ઘરે જાતે જ બનાવું છું અને મોટાભાગના લોકોની ખાસ ડીમાન્ડ મઠીયા, ખાખરા, ગાંઠીયા, ચેવડો જેવી વસ્તુઓની હોય છે જયારે ખૂબ ઓછા લોકો ઘૂઘરા, શક્કરપારા અને મીઠીપુરી જેવી વસ્તુઓ બનાવડાવે છે. ઓછી ડિમાન્ડ છે આ વસ્તુઓની પરંતુ ડિમાન્ડ નથી એવું પણ નથી. જે લોકો હજુ પણ જૂનવાણી ચે તે લોકોને ઘૂઘરા, શક્કરપારા હજુ પણ પસંદ છે.