પક્ષીઓની ૫૦ જેટલી જાતો લગભગ નામશેષ થઈ ગઈ

વેબ દુનિયા| Last Modified સોમવાર, 3 જૂન 2013 (12:40 IST)
P.R

શહેરોમાં રચાઈ રહેલાં ક્રોંકીટનાં જંગલોને લીધે, વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, ઝાડી-ઝાંખરાં જેવું કશું જ રહ્યું નથી. પક્ષીઓને ખાવાનું મળતું નથી, પાણી પણ મળતું નથી તેથી તેઓ કાંતો મૃત્યુ પામે છે કાં તો ઇંડાં મૂકતાં નથી. છેલ્લાં ૧૦ વર્ષમાં જ ભારતનાં મોટાં શહેરોમાંથી પક્ષીઓની પચાસેક જેટલી જાતો લગભગ નામ-શેષ થઈ ગઈ છે.

પક્ષીઓ તેમજ અન્ય જીવોને રક્ષણની જરૂરિયાત હોય છે, ખોરાક પણ જોઈએ છે, પાણી પણ જોઈએ છે. આથી વૃક્ષો ઉછેરો, છોડો ઊછેરો નાની એવી ઝાડીઓ પણ રચો. આથી ફળો પણ થશે, નાનાં જીવજંતુઓ પણ થશે જે પક્ષીઓ માટે ખોરાકરૂપ બની રહેશે. નાનાં તીડ (ખડ માંકડાં) ઈયળો, કે ઊધઈનો ડર ન રાખશો. તેને ''દૂર'' કરવા પક્ષીઓ તૈયાર જ હોય છે. તેથી છોડો ઉપર જંતુ-નાશક દવાઓ બને ત્યાં સુધી છાંટશો નહીં.
તમારી રહેણી-કરણી રોજ-બ-રોજ ઉપયોગમાં લેવાતી રોજ-બ-રોજની ચીજો અને તમારાં પરિધાનો જ્યાં સુધી તમો બદલશો નહીં, ત્યાં સુધી તમો દુનિયા સુધારી શકશો નહીં. તમો તમારાં નિવાસ્થાનમાં થોડી એવી પણ સુવિધા ઊભી કરી અનેક પક્ષીઓને બચાવી શકશો. એક વખત તમે તે કરશો, પછી તમો તમારા મિત્રો અને અન્ય પરિચિતોને પણ તે પ્રમાણે કરવાનું કહી દો, તેઓનાં નિવાસ્થાન ફરતું ઉઘાન હોય તો તેમાં પણ સુવિધાઓ ઊભી કરાવી, સેંકડો પક્ષીઓને બચાવી શકશો. આવું એક આંદોલન જ શરૂ કરી દો, થોડા દિવસોમાં જ તમારાં ઉઘાનો પક્ષીઓનાં કલરવથી ગૂંજતાં થઈ જશે.
પક્ષીઓને શહેરોમાં કશું ખાવાનું મળતું નથી. કારણ કે, ફળાઉ વૃક્ષો અને ઝાડીઓ રોજેરોજ નાશ પામતાં જાય છે. આથી, તેમનાં સ્થાને ખોટાં વૃક્ષો લગાડવાં પડે છે. ખોટા આસોપાલવ તો ઠીક પરંતુ, ખોટાં બોગનવિલીયા પણ હવે આવી ગયાં છે. આથી પક્ષીઓને માળા બાંધવા માટે પણ સ્થાનો નથી રહ્યાં. કારણ કે, ઝાડીઓ અને (સાચા) વૃક્ષોનો વ્યાપક પ્રમાણમાં નાશ થઈ રહ્યો છે. પક્ષીઓને ખાવાનું તો મળતું જ નથી, પરંતુ પીવાનું પાણી પણ મળતું નથી. આથી તેઓ કાં તો મૃત્યુ પામે છે, કાં ઇંડાં મૂકતાં અટકી જાય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતનાં શહેરોમાંથી ચકલી, કીંગ ફીશર, ગોલ્ડન ઓરિઓલ્સ, કે સન-બર્ડ જેવાં પક્ષીઓની પચાસેક જેટલી જાતો લગભગ નામ-શેષ થઈ ગઈ છે.
આથી જે કૈં થોડી ઘણી જાતોનાં પક્ષીઓ બચાવવાં હોય તો વૃક્ષો ઉપર, ઝાડીઓમાં કે વેલા ભરેલા છોડવાઓ પાસે, પક્ષીઓને પાણી પીવાની, નહાવાની અને, ચણ માટેની વ્યવસ્થા કરવી જ રહી.

તમારાં ઉઘાનોમાં બને તેટલાં જુદા જુદા પ્રકારોના વૃક્ષો વાવો વેલીઓ તેની ઉપર ચઢાવો. વળી, તે વૃક્ષો એવાં હોવાં જોઈએ કે જો ફળાઊ હોય. આથી આ વૃક્ષો પક્ષીઓને માટે ખોરાક તેમજ આશ્રયસ્થાન પણ આપી શકશે. વળી તે વૃક્ષો, છોડો કે ઝાડીઓ સીધી લીટીમાં જ હોવાં જરૂરી નથી. વાસ્તવમાં તો થોડાં આડાં-અવળાં કે આઘાં પાછાં વૃક્ષો થાય તે વધુ મહત્વનું છે. વળી ઘણીવાર લૂકાઈ ગયેલાં વૃક્ષો પણ પક્ષીઓને માટે ચણની તાસક રાખવા કે, પાણી માટેનું પાત્ર ટીંગાડવામાં ઉપયોગી બની શકે છે. કોઈવાર પક્ષીઓ તેવાં લૂકાં વૃક્ષો ઉપર પણ માળા બાંધે છે.
એક મહત્વની વાત તો તે છે કે, બગીચાની 'લાઁન' (ગોંદરી) પણ ખૂબ ટૂંકી કાપી નાખવી નહીં કારણ કે, આ લોન સાંજના કે સવારનાં પક્ષીઓ માટે 'રમતનું-મહેલ' હોય છે. તમારૂં ઉઘાન ભલે નાનું એવું પણ હોય છતાં તેમાં થોડાં ફળાઊ વૃક્ષો હોય કે, છોડો હોય, જરા જાડી ગોંદરી હોય, કે ઊઘાનના કોઈ ખૂણામાં થોડી એવી ઝાડી પણ હોય પછી ભલે તે ઝાડીમાં કોઈ કોઈ કાંટાળા છોડ પણ હોય અને વેલાઓ હોય તો પણ તેમાં થતાં નાનાં જીવડાં પણ રૂપ બને છે. વળી, તે લોનમાં વચ્ચે વચ્ચે નાના છોડ પણ ઉગાડો તે છોડ, 'જંગલી' છોડ હોય તો વધુ સારૂં કારણકે, તેનાં ફળોનો રસતેમજ તેનાં ફળો પક્ષીઓને વધુ પસંદ હોય છે. વળી, આ છોડો કે, તેની નાનકડી તેવી 'ઝાડી' પક્ષીઓને શિકારી પક્ષીઓથી કે, બિલાડી વગેરેથી રક્ષણ આપે છે. વળી, ઠંડીમાં તે ઝાડી જ પક્ષીઓને માટે 'ઓથ' બની રહે છે.
આવી નાનકડી ઝાડી રચવામાં સતત લીલાં રહે તેવાં મોટાં અને લીલાં પાનોના છોડો, વેલાઓ, કેટલાંક લીલાં ઝાંખરાંઓ પક્ષીઓને વધુ પસંદ પડે છે. તેનાં ફળો તેમને માટે ખોરાકરૂપ બને છે તો તે ફળો ઉપર નભતાં જીવડાં પણ પક્ષીઓ માટે ખોરાકરૂપ બને છે. આવી નાની ઝાડીઓમાં તેવા છોડો વાવવા જોઈએ કે જે બારે માસ નાનાં ફળો આપે. આ માટે, સ્થાનિક છોડો વધુ મહત્વના છે. તેઓ ઊનાળામાં પણ ટકી રહે તેવા હોવા જોઈએ, પછી ભલે તે કાંટા પણ ધરાવતા હોય. વળી, ઉઘાનમાં વૃક્ષો પણ સ્થાનિક જ હોવાં જોઈએ જેથી તે ૠતુ પલટાઓ સામે ટકી શકે. તમારાં નિવાસસ્થાનની આસપાસ ચારેક વૃક્ષો હોય તે જરૂરી છે. તે ઉપરાંત, લૂર્યપ્રકાશ જે તરફથી વધુ આવતો હોય તે તરફ સીધા આસોપાલવ જેવાં ચારેક વૃક્ષો રાખવાં જેથી, ઘરમાં ઊનાળામાં બહુ તડકો ન આવે ઘર પણ શીતળ રહે. જો વધુ જગ્યા ઘરની ફરતે ખુલ્લી હોય તો, પીપળો, શીમળો, પલાશ, બદામ, ઉદમ્બરક (ઊંબરો) વગેરે વાવવાં. તેનાં ફળો ખાસ કરીને પીપળાના 'પેપા' અને ઊંબરાનાં ફળો, પક્ષીઓને બહુ ભાવે છે. તેમાં થતાં નાનાં જંતુઓ પણ તેમને અનુકૂળ રહે છે. અરે, બોરડી પણ સારી તે આવું જ કામ કરે છે. વળી તેને એક તરફ ખૂણામાં રાખવી જેની ફરતી 'ઝાડી' રચી શકાય.
ઉઘાનની ફરતી 'વાડ' બનાવો તો તે પણ ઝીણાં ફળો ધરાવે તેવાં છોડવાઓની હોય તે ઇચ્છનીય છે. આ વાડ બહુ કાપકૂપ કરી ''ખૂબ જ સુવ્યવસ્થિત'' રાખશો નહીં પક્ષીઓ તે તરફ આકર્ષાશે નહીં. જરા અવ્યસ્થિત વાડ પક્ષીઓને પોતાનાં 'ઘર' જેવી લાગે છે. વધુ પડતી કાપકૂપ કરીને તદ્દન સપાટ ''મથાળાં'' અને સપાટ ''બાજુઓ''ને વાળી વાડ, કદાચ તેમને 'ઘર' જેવી નહીં લાગતી હોય. આવાં ઉઘાનમાં પાણીની વ્યવસ્થા, નાના એવા હોજ દ્વારા કરી શકાય. આ હોજ ફરતી દિવાલ ૩-૪ ઊંચી રાખવી જેથી બાળકો તેમાં પડી જ જાય. વળી તેમાં પાણી પણ પૂરતું રહે. આ હોજમાંથી જ પાણી સ્રવીને, બાગમાં ફેલાઈ શકે તે માટે તેનું તળીયું તદ્દન સીમેન્ટ કોંક્રીંટનું ન રાખતાં પથ્થરો જડેલું રાખવું જેથી બે પથ્થરો વચ્ચેની તિરાડમાંથી પાણી ધીમે ધીમે સ્રવતું રહે. માટે હોજ ઉઘાનની વચ્ચે રહે તે વધુ ઇચ્છનીય છે. વળી આ હોજનું જળ, પક્ષીઓને પીવામાં અને નહાવામાં પણ કામ લાગે છે.
તમો છોડો વાવો તો તેમાં ઓછામાં ઓછા ચાર-થી-છ જુદી જુદી જાતના છોડો વાવજો વળી, સાથે વેલીઓ કે વેલાઓ પણ વાવજો જેથી છોડો ફરતી ''ઘટા'' થઈ શકે. સાથે જાસ્મીન (જાલૂદ), મોગરા, ચમેલી, મધુમતી, રાતરાણી જેવાં ''મધ'' ધરાવતાં પુષ્પોના છોડો વાવશો તો ભ્રમર, મધુમક્ષિકા પણ વાતાવરણને ગૂંજતું કરી દેશે. પુષ્પો ઉપર પણ ઝીણાં જીવડાં નભશે જેની ઉપર પક્ષીઓ નભતાં રહેશે. આવી ઝાડી પાસે કે વૃક્ષોની ડાળીઓ ઉપર ચણ માટે તેમજ, પાણી માટે પણ વ્યવસ્થા રાખવી જોઈએ. પાણીનું પાત્ર એટલું ''મોટું'' રાખવું કે જેમાં પક્ષીઓ નાહી પણ શકે.
તમારાં ઉઘાનની વચ્ચે રહેલાં હોજમાં તમો, કમળ પણ ઉગાડી શકો જે, હોજને નવું જ રૂપ આપશે. કમળ લાલ, ગુલાબી, સફેદ, બદામી, પીળાં કે આછાં લીલાં રંગનાં પણ હોય છે. વળી, જે નાના છોડો અને વેલાઓથી 'ઝાડી' બનાવો તેમજ, વૃક્ષો ઉપર પણ વેલા ચઢાવો તો તેની ફરતા નાના રંગીન પથ્થરોની કુદરતી લાગે તેવી સુંદર રચના કરશો તો ઉઘાન વધુ શોભી ઊઠશે.

પક્ષીઓ તેમજ અન્ય જીવોને રક્ષણની જરૂરિયાત હોય જ છે. તેઓને ખોરાક પણ જોઈએ, પાણી પણ જોઈએ. આથી, વૃક્ષોને ઊછેરો, છોડો ઊછેરો અને નાની એવી ઝાડીઓ પણ રચો. આથી નાનાં જીવજંતુ પણ થશે જે પક્ષીઓ માટે ખોરાકરૂપ બની રહેશે. વળી, નાનાં તીડ, ઇયળો, કે ઊધઈનો પણ ડર ન રાખશો. તેને ''દૂર'' કરવા પક્ષીઓ તૈયાર જ હોય છે. તેથી છોડો ઉપર જંતુનાશક દવાઓ છાંટશો નહીં.
વાત રહી પક્ષીઓને નહાવા માટેની વ્યવસ્થાની આપણે હોજની વાત કરી પરંતુ, તેમાં ૪-૬ ઇંચંથી વધુ પાણી ન જ ભરવું પક્ષીઓને તો, ૨-૩ ઇંચ જેટલું જ પાણી નહાવા માટે પૂરતું હોય છે. જો હોજમાં વધુ પાણી ભરવું હોય તો, ૨ થી ૩ ઇંચ જેટલી ધારીવાળી મોટી કથરોટ કે એલ્યુમિનિયમની મોટી તાસકમાં ૨-૩ ઇંચ જેટલું પાણી ભરી તે વૃક્ષોની છાયામાં રાખવી જેથી પાણી શીતળ રહે. વળી નાનાં પક્ષીઓ જેવાં કે, ચકલીઓ, નાનાં કીંગ-ફીશર, દેવ ચકલી, બુલબુલ, વગેરેને માટે પેડસ્ટલ ઉપર રાખેલો 'બર્ડ-બાથ' ખૂબ જ ઉપયોગી છે. વળી આ 'બર્ડ-બાથ' ખુલ્લામાં તો હોવો જરૂરી છે જ પરંતુ તેની નજીક કોઈ વૃક્ષ કે નાની ઝાડી હોય તે વધુ જરૂરી છે કારણ કે પક્ષીઓ તુર્તજ તેમાં 'આશ્રય' લઈ બાજ, સમળી જેવાં શિકારી પક્ષીઓથી બચી શકે.
પક્ષીઓને ખવડાવવા માટે, ત્રાજવાનાં એક પલ્લાં જેવાં (પ્રમાણમાં મોટાં પાત્રમાં દાણા તેમજ,ફ્રૂટના ટૂકડા રાખો. આધુનિક જીવન પદ્ધતિએ દરેક શહેરોમાં કોંક્રીંટના ''જંગલો'' જ કરી નાખ્યાં છે. તેથી જૂનાં મકાનો નાશ પામ્યાં છે. પરિણામે, પક્ષીઓને (નાનાં પક્ષીઓને) રહેવા માટે સ્થળો જ રહ્યાં નથી. વળી, બાગો પણ પાંખા થઈ ગયા છે તો ઘણાં શહેરોમાં તો બાગો જેવું જ કશું રહ્યું નથી. તેથી ફેલટમાં પણ તમે માળા માટે બોકસ બનાવી શકો. તેવાં બોકસ તમારા બંગલાના નાના બગીચામાં પણ બનાવી શકો. ખાસ કરીને નાના બગીચાઓમાં જો, પક્ષીને પાણી વગેરે મળે તે રીતે ત્રાજવાનાં પલ્લાઓ રાખશો તો, પક્ષીઓ ખેંચાઈ આવશે જ.
પક્ષીઓને હવામાનના પલટાઓ વધુ પડતી ગરમી, વધુ પડતી ઠંડી કે ભારે વરસાદ સામે રક્ષણની જરૂર હોય જ છે. તેથી તેના માળા માટે પાટીયાનાં બોકસ બનાવવાં પડે છે. આ બોકસ માટે પોણો ઇંચ જાંડું ૬ ઇંચ પહોળું તેવું ૨ ફીટનું પાટીયું વાપરી શકાય. તેમાં પક્ષીને દાખલ થવા માટે, ૨૮થી ૩૨ મીલીમીટરનું હોલ ધરાવતું પાટિયું તે બોકસની ''બહાર''ની બાજુએ રાખવાથી નાનું પક્ષી (ચકલાં, બુલબુલ, દેવચકલી વગેરે) તેમાં સહેલાઈથી દાખલ થઈ શકશે, અને બોકસમાં પોતાનો માળો પણ બાંધી શકે તેટલું મોટું બોકસ હશે તો, તમારાં ઘરમાં પણ રાત-દિવસ ખાસ કરીને સવાર અને સાંજ પક્ષીઓની કલરવ સાંભળી શકાશે.


આ પણ વાંચો :