મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By દેવાંગ મેવાડા|

રાજ ઠાકરે- 'આઈ એમ ઓફ મહારાષ્ટ્ર....'

'આઈ એમ ઓફ મહારાષ્ટ્ર એન્ડ મહારાષ્ટ્ર ઈઝ માઈન'ના સુત્ર સાથે શિવસેનાને તિલાંજલી આપીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનુ ગઠન કરનાર 'રાજ ઠાકરે' ઉત્તર ભારતીયો વિરુદ્ધ પોતાના વલણને લઈને વિવાદોના વમળોમાં ફસાયા છે. વર્ષો પહેલા વ્યંગ ચીત્રકાર(કાર્ટુનીસ્ટ) તરીકેની સફળ કારકીર્દીને છોડીને કાકા બાલ ઠાકરે સાથે જોડાયેલા રાજ ઠાકરેમાં શિવસૈનીકો બાલા સાહેબની છબી જોતાં હતા. તેમની બોલવાની છટા અને ધારદાર વકતવ્યો લોકોને બાલ ઠાકરેની યાદ અપાવતા હતા. સેનામાં કારકીર્દીની શરૂઆત તેમણે યુવા મોરચાથી કરી હતી. પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠા અને આગેવાનીની સમજે તેમને પાર્ટીના કાર્યકરોમાં ટુંકા સમયમાં પ્રચલીત કરી દીધા હતા.

બાલા સાહેબના ઉત્તરાધીકારી તરીકે શિવસેનાની આગેવાની સંભાળવાના ગુણ તેમના છે તેવુ લોકો માનતા હતા. પરંતુ, બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેએ રાજકારણમાં રૂચી દાખવતાં પાર્ટી પ્રમુખનુ પદ અને કારભાર તેને સોંપી દેવામાં આવી હતી અને તેને કારણે રાજ ઠાકરે અને બાલા સાહેબ વચ્ચે ઉભી તિરાડ પડી ગઈ હતી. ત્યારબાદ તેમણે ભારેહૈયે શિવસેનાને તિલાંજલી આપી પોતાની નવી પાર્ટી બનાવવાની યોજના શરૂ કરી દીધી.

ટુંક સમયમાં જ તેમણે પોતાની નવી પાર્ટીનુ ગઠન કર્યુ અને તેનુ નામ 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના' રાખવામાં આવ્યુ. શિવસેનાની હિન્દુવાદી વિચારધારાથી હટીને તેમણે કોઈ પણ ધર્મના મહારાષ્ટ્ર હિતેચ્છુઓને પોતાની સાથે જોડાવાનુ આહવાન કર્યુ અને હજારો લોકો તેમના સમર્થનમાં જોડાઈ ગયા. શિવસેનામાં કરેલી પાયાની કામગીરીને લીધે પાર્ટીમાં તેમનુ નેટવર્ક જબરદસ્ત હતુ અને તેને કારણે નવી પાર્ટી શરૂ કરવામાં તેમને કોઈ મુશ્કેલી નડી ન હતી. અંતે શિવાજી પાર્કમાં વિશાળ રેલી સંબોધીને તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના શ્રીગણેશ કર્યા. તેમણે 'મહારાષ્ટ્ર મારુ છે અને હું મહારાષ્ટ્રનો છું' તેવા આપેલા નારાથી નવા જોડાયેલા કાર્યકરોમાં ભારે ઉત્સાહનો સંચાર થયહતો.

યુવાનો અને વિધાર્થીઓ માટે તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ વિધાર્થી સેનાનુ ગઠન કર્યું. વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે તેમણે વિધાર્થી સેનામાં અનેક ઉત્સાહી વિધાર્થીઓ તથા વિધાર્થીનીઓને એકત્રીત કર્યા. લોકહિતના અનેક કાર્યો કરીને મહારાષ્ટ્રની જનતાની નીકટ આવી ગયેલા રાજ ઠાકરેએ મહાનગર પાલિકાની ચુંટણીમાં પુરજોશથી ઝંપલાવ્યુ હતુ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગઢ ગણાતા નાશીક અને મુંબઈમાં તેમની પાર્ટીને આંશીક સફળતા મળી, પરંતુ પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત અને કેટલાકને નજીવા વોટથી મળેલી હાર બંને નોંધનીય રહ્યા હતા. રેલ્વેની પરીક્ષા આપવા આવેલા ઉત્તર ભારતીયો પર થયેલા હુમલામાં તેમનુ નામ ચર્ચાતા ભારે હોબાળો મચ્યો હતો અને હાલ, ફરી એકવાર ઉત્તર ભારતીયોના વિરુદ્ધમાં નિવેદન આપવા બદલ તેઓ સમાચાર માધ્યમોમાં ચમક્યાં છે...