શાહી પનીર

paneer tikka

સામગ્રી - 500 ગ્રામ પનીર 5 મિડિયમ આકારના ટામેટા, 2 લીલા મરચાં, 1 નાનો ટૂકડો આદું, 2 ચમચા ઘી કે તેલ, અડધી ચમચી જીરું, પા ચમચી હળદર, એક નાની ચમચી ધાણાજીરું, પા ચમચી લાલ મરચું, 25-30 કાજુ, 100 ગ્રામ મલાઇ કે ક્રીમ, પા ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચો કાપેલી કોથમીર.

બનાવવાની રીત - પનીરને એકસરખા ચોરસ ટૂકડાંમાં કાપી લો. કઢાઈમાં 1 ચમચી તેલ નાંખી સામાન્ય બ્રાઉન થાય ત્યાંસુધી પનીર તળો અને કાઢી લો.

કાજુની અડધો કલાક પાણીમાં પલાળી રાખો અને પછી બારીક પીસી વાસણમાં કાઢી લો.

ટામેટા, આદું અને લીલા મરચાને મિક્સીથી પીસી પેસ્ટ બનાવો. પેસ્ટને કાઢીને ગ્લાસમાં રાખો. મલાઇને પણ મિક્સીમાં ગ્રાઇન્ડ કરો.

હવે કઢાઈમાં ઘી કે માખણ નાંખી ગરમ કરો. ગરમ ઘીમાં જીરું નાંખો. જીરું બ્રાઉન રંગનું થાય ત્યારે હળદળ, ધાણાજીરું નાંખી થોડી સેકન્ડોમાં જ તેમાં ટામેટાની પેસ્ટ નાંખો. હલાવતા રહો. આ પેસ્ટ સંતળાઇ જાય એટલે કાજુની પેસ્ટ અને મલાઈ નાંખી મસાલાને ચમચાથી ત્યાંસુધી હલાવો જ્યાંસુધી આ ગ્રેવીની ઉપર તેલ તરતું ન દેખાવા લાગે. આ ગ્રેવીને જરૂરિયાત પ્રમાણે ઇચ્છો તેટલી પતલી રાખી શકો છો અને તેના માટે તેમાં પાણી નાંખો. હવે તેમાં મીઠું અને મરચું પણ ઉમેરો.

ગ્રેવી બરાબર ઉકળી જાય એટલે તેમાં પનીરના ટૂકડાં નાંખો અને ઢાંકીને ધીમી આંચે આ શાકને ચઢવા દો જેથી પનીરની અંદર બધો મસાલો ચઢી જાય. સબ્જી તૈયાર છે. ગેસની આંચ બંધ કરી દો. થોડી કોથમીર બચાવી બાકીની કોથમીર અને ગરમ મસાલો પણ ઉમેરી દો.

શાહી પનીરના આ શાકને પીરસો ત્યારે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. આ શાકને તમે પરોઠાં, નાન કે ભાત સાથે ખાઇ શકો છો.

સૂચન - જો તમને ડુંગળીનો સ્વાદ પસંદ હોય તો ટામેટાની પેસ્ટ બનાવતી વખતે તેમાં 1-2 ડુંગળી અને લસણની 4-5 કળીઓ નાંખી દો. આ ગ્રેવીનો ઉપર જણાવ્યા પ્રમાણે જ ઉપયોગ કરો.


આ પણ વાંચો :