શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2015 (16:39 IST)

આંખના રેટિનામાં થતું કેન્સર

કેન્સર એક એવા રોગનું નામ છે જે દુશ્મનને પણ ન થાય એવી પ્રાર્થના લોકો કરતાં હોય છે. કેન્સર સામે ટકવું, એની સારવાર અને એ આખી પ્રક્રિયામાંથી પસાર થઇને જીવન જીતવાની જે લડાઇ છે એ લડાઇ સાધારણ નથી હોતી. પરંતુ આ લડાઇ જો એક નવજાત બાળકને લડવી પડે તો? આ વિચાર જ કંપાવી દે એવો છે. એક નાનું બાળક કે જે જન્મ્યું છે તેને સામાન્ય શરદી જેવો પણ રોગ ન થાય એવી તેની નાનામાં નાની કાળજી રાખતાં માતા-પિતાને જ્યારે ખબર પડે કે તેમના બાળકને કેન્સર છે એ પણ આંખ જેવા કોમળ ભાગમાં તો તે માતા-પિતા પર શી વીતતી હશે એ કલ્પના બહારની વસ્તુ છે. વિશ્વમાં બાળકોને થતાં કેન્સરમાં ૪ ટકા કેન્સર રેટિનોબ્લાસ્ટોમાં એટલે કે આંખના રેટિનામાં થતું કેન્સર છે. વિકસિત દેશ અમેરિકામાં વાર્ષિક ૨૫૦-૩૦૦ કેસ રેટિનોબ્લાસ્ટોના જોવા મળે છે. ભારતમાં એનું પ્રમાણ બેથી ત્રણ ગણું વધારે હોવાનું મનાય છે. અમુક આંકડાઓ મુજબ દર ૧૫૦૦૦ કે ૧૮૦૦૦ બાળકે એક બાળક રેટિનાના કેન્સરનો ભોગ બને છે. એનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે અમેરિકામાં રેટિનોબ્લાસ્ટોમાં હોવા છતાં જીવી જનારા બાળકોનું પ્રમાણ ૯૫ ટકા છે જ્યારે ભારત જેવા દેશમાં એની શક્યતા ૫૦ ટકા જેટલી છે.

કઇ રીતે થાય? નવજાત બાળકથી લઇને ૧૫ વર્ષના બાળક સુધી આ રોગ થઇ શકે છે. આપણી આંખમાં કીકીની પાછળ રેટિના આવેલું હોય છે. રેટિના પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે જે દૃશ્યની તસવીર લે છે અને એને મગજ સુધી પહોંચાડે છે. આ રેટિનામાં થતું કેન્સર એટલે જ રેટિનોબ્લાસ્ટોમા. બાળકને આ કેન્સર કઇ રીતે થાય છે? માતાના ગર્ભમાં જ્યારે બાળકના રેટિના વિકસિત થઇ રહ્યાં હોય ત્યારે રેટિનોબ્લાસ્ટ્સ નામના કોષો વિભાજિત થઇને નવા કોષો બનતા હોય છે. એક સમય એવો આવે છે જ્યારે એ વિભાજિત થવાનું છોડી દઇને પુખ્ત રેટિનલ કોષોમાં રૂપાંતર પામે છે. હવે કોષો પુખ્ત થવાની આ પ્રોસેસ આડી-અવળી થાય તો અમુક કોષો વિભાજિત થવાની પ્રક્રિયા ચાલુ જ રાખે છે, જેને કારણે આકોષોની ગાંઠ બને છે જે કેન્સર છે. આ રોગ બાળકને જન્મજાત હોઇ શકે છે. જન્મ્યા બાદ થોડા વર્ષ પછી પણ એ સામે આવી શકે છે. કારણો કયા બાળકોને આ રોગ થવાની શક્યતા રહેલી છે? જિનેટિક પરિવર્તનને કારણે આ રોગ થઇ શકે છે. ખાસ કરીને જીન્સની અંદર કોઇ પરિવર્તન આવે તો આ રોગ થઇ શકે ે. વળી જો આ જીન્સની અંદર પરિવર્તનને કારણે રેટિનોબ્લાસ્ટોમા થયું હોય તો એ બન્ને આંખમાં થવાની સંભાવના વધી જાય છે. એટલું જ નહીં, એને કારણે આંખમાં એક કરતાં વધારે ટ્યુમર હોવાનું જોખમ પણ વધી જાય છે. આ જીન્સમાં પરિવર્તનની પ્રક્રિયા વારસાગત આવી છે, એટલે કે જેના માતા-પિતાને આ કેન્સર થયું હોય એ બાળકોને પણ આ કેન્સર થવાની શક્યતા રહે છે. રેટિનોબ્લાસ્ટોમાના કુલ કેસમાં ૩૦ ટકા બાળકોનો રોગ વારસાગત હોય છે. બાકીના ૭૦ ટકા બાળકોના પરિવારમાં કોઇને આ રોગ ન હોવા છતાં તેમને આ રોગ આવે છે જે બન્ને આંખને અસર કરતો નથી. આ રોગ માટાભાગે એક જ આંખમાં થવાની શક્યતા રહે છે. સમયસર નિદાન મોટાભાગે ૬૫ ટકા કેસમાં બાળકની બે વર્ષની ઉંમર પહેલા જ રેટિનોબ્લાસ્ટોમાનું નિદાન થઇ જાય છે. કુલ મળીને બધા કેસના ૯૫ ટકા કેસનું નિદાન પાંચ વર્ષની ઉંમર પહેલા જ થઇ જાય છે. રેટિનોબ્લાસ્ટોમાં એક ઘાતક કેન્સર છે, પરંતુ એનો ઇલાજ શક્ય છે અને એનાથી સંપૂર્ણ છૂટકારો પણ મેળવી શકાય છે, પરંતુ આપણે ત્યાં આશરે ૫૦ ટકા જ કેસમાં બાળકો બચે છે. નિદાન સમયસર ન થવાથી, રોગ પડકમાં ન આવવાથી, વધુ પડતાં કેસમાં ગાંઠ આંખની બહાર સુધી ફેલાવાથી આ રોગનો ઇલાજ મુશ્કેલ બને છે. અક્સીર ઇલાજ માટે રોગને જેટલો જલદી પકડી શકાય એટલું વધુ સારૂં પડે છે.

ઇલાજ આંખનું ચેક-અપ અને ઇમેજિંગ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે બાળકને રેટિનોબ્લાસ્ટોમા છે કે નહીં. એ સિવાય સીટી સ્કેન, એમઆરઆઇ, બોન સ્કેન અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવવાની જરૂર પડી શકે છે. ફક્ત એ જોવા માટે કે બાળકની આંખનું ટ્યુમર ક્યાં સુધી ફેલાયેલું છે. નિદાન જેટલું વહેલું થાય અને ઇલાજ જેટલો વહેલો શરૂ કરી શકાય એટલું વધુ યોગ્ય છે. યોગ્ય ઇલાજ દ્વારા લગભગ ૧૦માંથી ૯ બાળકો સંપૂર્ણ રીતે ઠીક થઇ શકે છે. ઇલાજ બાદ મોટા ભાગના બાળકો બન્ને આંખે જોઇ શકે છે. પરંતુ ઘણા બાળકોની એક આંખ કાઢી નાખવી પડે છે. એની જગ્યાએ નકલી આંખ લગાડી શકાય છે. મહત્વની વાત એ છે કે જેમને વંશાનુગત આ રોગ લાગુ પડ્યો હોય તેમને ભવિષ્યમાં બીજા કોઇ અંગમાં કેન્સર થવાનું રિસ્ક રહે છે, જે માટે એ બાળકનું રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું જોઇએ. લક્ષણો અંધારામાં જેમ બિલાડીની આંખો ચમકે એમ આ બાળકોની આંખો ઝળહળતા પ્રકાશમાં ચમકે છે. એકદમ ચમકતા પ્રકાશમાં આંખમાં વાદળ જેવા ધૂંધળા સફેદ રંગનો અથવા તો ચાંદી જેવો સફેદ કે પીળો ડોળો દેખાય તો એ પ્રાથમિક લક્ષણ છે. રેટિનોબ્લાસ્ટોમા જે લગભગ ૬૦ ટકા દરદીઓમાં જોવા મળે છે. આ એક એવું લક્ષણ છે જે એકદમ અલગ તરી આવે છે.