શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

મનની શાંતિ માટે આર્ટ ઓફ મડિટેશન

P.R
લોકો મેડીટેશન ઘણાં બધાં કારણોસર કરે છે. કોઈક મનની શાંતિ ઝંખે છે. કોઈક પોતાના બાહ્યકેન્દ્રિત મનને વશ કરી અંત:કેન્દ્રિત કરવા માંગે છે. કેટલાક પોતાની જાતને ઓળખવા માટે કરે છે જેથી તે પોતાની જાતને સુધારી શકે. મેડીટેશન એટલે ઘ્યાનની ક્રિયા હજારો વર્ષ જૂની છે, વેદકાળમાં ઘ્યાનની વાત હતી. ગ્રીસમાં સુકરાત (સોક્રેટીસ) થયા તે વખતે હતી, ચીનમાં લાઓત્ઝુ થયા તે વખતે હતી, ઇજીપ્તના ધર્મગુરુઓને પણ આની ખબર હતી.

તીબેટના લામાઓ આ જાણતા હતા. આ બધાએ જુદી જુદી રીતે મેડીટેશનનો પ્રચાર કર્યો. જુદી જુદી રીતો બતાવી પણ બધાનો હેતુ એક જ હતો. સારા કે નરસા વિચારોથી ઘેરાયેલા મનને ચોખ્ખું એટલે કે વિચારોરહિત કરવું કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારે, ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે, એકાંતમાં કે ભરી સભામાં ફાવે તેટલા સમય સુધી મેડીટેશન કરી શકે છે. આ ઘ્યાન અથવા તો મેડીટેશનને ભારતથી શરૂઆત કરીને આખા જગતમાં પ્રત્યક્ષ નિર્દેશનથી પ્રથમવાર પ્રચાર કરવાનું અને વૈજ્ઞાનિક રીતે પ્રયોગ કરીને એના ફાયદા સમજાવવાનું શ્રેય ભારતના મહર્ષિ મહેશયોગીને મળે છે. ૧૯૫૮માં મેડીટેશનની ક્રિયાને ફિઝિક્સના મહાજ્ઞાતા અને નિષ્ણાત મહર્ષિ મહેશયોગીએ મોટું નામ ‘‘ટ્રાન્સેન્ડેન્ટલ મેડીટેશન’’ અથવા ટૂંકામાં ‘‘ટી.એમ.’’ આપ્યું અને આખા જગતમાં કુદરતને ખોળે ચારસોથી વધારે આશ્રમો સ્થાપી એનો પ્રચાર કર્યો. વૈજ્ઞાનિક સંશોધનોની કસોટીમાં પસાર કરી પાંચસોથી પણ વધારે તેના સંશોધનલેખો (થીસીસ) બહાર પાડ્યા. તેમણે બતાવેલી ક્રિયા ફક્ત ૨૦ મિનિટ દિવસમાં બે વખત કરવાની હોય છે. તમે ગમે તે ધર્મના હો, નાસ્તિક હો કે આસ્તિક, તમારી જીવનશૈલીમાં કશો પણ ફેરફાર કર્યા વગર તમે આ ‘ટી.એમ.’ની ક્રિયા અમલમાં મૂકી શકો છો. ‘ટી.એમ.’ની ક્રિયા કરવાથી તમારી વિચારો કરવાની ગતિ ધીમે ધીમે ઓછી. થાય છે અને એ ગતિ એટલે સુધી ઓછી થાય છે કે તમે જાગૃત અવસ્થામાં પણ મનની અત્યંત શાંત અવસ્થાનો અનુભવ કરો છો. આની અસરથી તમારા શરીરને રોજિન્દી જિંદગીમાં અનુભવવી પડતી ભયંકર માનસિક તનાવની સ્થિતિમાંથી કાળક્રમે મુક્તિ મળે છે. બધાં જ અંગો શાંત થવાથી તમારા શરીરની - મગજની સૂચનાથી ચાલતી બધી જ ક્રિયાઓ સરળ રીતે થાય છે. ઉશ્કેરાટ જતો રહે છે. ધીરે ધીરે એવી કક્ષાએ તમે પહોંચો છો કે સંબંધોના કે સમયના કોઈપણ પ્રતિકૂળ બનાવોની તમારા મન ઉપર કોઈપણ વિપરીત અસર થતી નથી. ખૂબ ઉંચા પ્રકારનો શારીરિક આરામ તમારા ગમે તે પ્રકારના ઉગ્ર માનસિક તનાવને દૂર કરી નાખે છે.

મેડિટેશનની જુદી-જુદી ક્રિયાઓમાં ફરક ખરો ?

જુદી જુદી મેડીટેશનની ક્રિયાઓમાં રીતો અલગ અલગ હોય પણ સરવાળે પરિણામની અપેક્ષા એક જ હોય કે મનને શાંત કરવું અને એ સ્થિતિએ પહોંચાડવું કે તમારા મનમાં જે કાંઈ વિચારો આવે તે તમારી જાણમાં આવે અને નહીં કે એક સાથે ખૂબ સંખ્યામાં અણજાણે આવીને તમને તનાવગ્રસ્ત સ્થિતિમાં મૂકી દે. મેડીટેશનથી મેળવેલી મનની અપાર શાંતિની અવસ્થામાં તમને જે વિચાર આવ્યો તે ક્યાંથી આવ્યો, તેનું મૂળ શું છે તે તમે ચોક્કસ જાણી શકશો. લોસ એન્જેલીસ (યુ.એસ.એ.) સ્થિત ડૉ. કેન મેકલીઓડ જે પાંચ વર્ષથી ‘અનફીટર્ડમાઇન્ડ’ નામની સંસ્થા ચલાવે છે તેમણે પણ પોતાના લેખમાં જણાવ્યું છે કે જે લોકો તેમની પાસે મેડીટેશન શીખવા આવે છે તેઓને અણધાર્યો માનસિક શાંતિનો અનુભવ ફક્ત બે મહિનામાં જ થાય છે. તેઓ પોતાનાં રોજંિદા કાર્યો સજાગ અવસ્થામાં પ્રત્યક્ષ અનુભવથી, શાંતિથી કંટાળા કે તનાવ વગર કરી શકે છે. એટલું જ નહીં પણ અત્યાર સુધી તેમની શારીરિક અને માનસિક શક્તિ ગમે તેવી રીતનાં કામોમાં વ્યર્થ જતી હતી તેવું થતું બંધ થયું અને તેનું પરિણામ તેમના શરીરનાં દરેક અંગોની કાર્યક્ષમતા ખૂબ પ્રમાણમાં વધી ગઈ એ રીતે આવ્યું. તમારા મનના જબરજસ્ત વિરોધાભાસો અદ્રશ્ય કરવાની તાકાત મેડીટેશનમાં છે. તેમણે મનની આ પરિસ્થિતિનું નામ ‘‘માઇન્ડફૂલનેસ’’ આપ્યું. એનો અર્થ ‘‘સજાગમન’’ થાય. મનને માંકડાનું બિરૂદ અમસ્તું નથી મળ્યું. એક સાથે અનેક ડાળીઓ પર અવિચારી રીતે કુદાકુદ કરતા માંકડાની માફક મનરૂપી માંકડાને મેડીટેશન વતી કાબૂમાં લાવી દરેક કાર્ય વ્યવસ્થિત વિચારપૂર્વક કરવાની પદ્ધતિ એટલે ઘ્યાન.

ઘ્યાન માટે મેડીકલ સાયન્સ શું કહે છે ?

છેલ્લાં દસ વર્ષમાં જેનો વિકાસ થયો છે તે ‘‘સાયકોન્યુરો ઇમ્યુનોલોજી’’ના સાયન્સ પ્રમાણે સામાન્ય માનવીના મનમાં જે વિચાર આવે તેની અસર તમારા જ્ઞાનતંતુ ઉપર પડે અને તેની અસર તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) ઉપર પડે. સારા વિચાર હોય તો ઇમ્યુનિટી વધે અને ખરાબ હોય તો ઇમ્યુનિટી ઘટે. સાયકોસોમેટીક મેડીસીનમાં પણ થોડેઘણે અંશે આ જ વાત કરેલી છે. મગજમાં ઉત્પન્ન થતાં ન્યુરો કેમીકલ્સ ઓછા ઉત્પન્ન થાય ત્યારે શરીરની બધી ક્રિયાઓમાં ગરબડ થાય અને વ્યક્તિ બીમાર પડે. આમાં પણ વિપરીત વિચારોનું પ્રાધાન્ય કામ કરે છે.

કસરત અને ઘ્યાનને સંબંધ ખરો ?

વિવાદાસ્પદ વાત છે પણ એક વાત ચોક્કસ છે કે સ્વસ્થ શરીર હોય તો જ મન સ્વસ્થ રહી શકે. સ્વસ્થ શરીર રાખવાના મુદ્દા અજાણ્યા નથી. (૧) ૩૦ થી ૪૦ મિનિટ તમને ગમતી કસરત કરો, જેનાથી તમારા હૃદય, ફેફસાં, રક્તવાહિનીઓ, સાંધા અને સ્નાયુની ક્ષમતા વધે અને આ કસરતમાં વધારે પ્રમાણમાં તમારા શરીરમાં પ્રાણવાયુ જાય તેનો ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ. (૨) આયોજનપૂર્વકનો પૌષ્ટિક સમતોલ આહાર જેમાં લીલાં શાકભાજી અને તાજાં ફળોનો સમાવેશ હોય. ૧૦ થી ૧૨ ગ્લાસ પ્રવાહી, ૫૦ ગ્રામ પ્રોટીન, ૨૫૦ ગ્રામ કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટ અને ૪૦ ગ્રામ ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ. શરીર સક્ષમ થશે તો આત્મવિશ્વાસ વધશે. મોટી ઉમરે પણ બીજાને અશક્ય લાગતાં શારીરિક અને માનસિક કાર્યો સરળતાથી થશે. શરીર એ કક્ષાએ પહોંચશે કે તમારા મનમાં નકારાત્મક વિચારો આવશે નહીં અને ઘ્યાનની ક્રિયા કદાચ કરવાની જરૂર પણ નહીં પડે. શારીરિક ક્ષમતા એ ઘ્યાનનું પહેલું પગલું છે.