શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (17:50 IST)

અનેક રોગો સામે રક્ષણ આપતા આડઅસર વગરનાં રસોડાનાં મસાલાઓ

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. દરેક મસાલામાં કોઈ ને કોઈ ઔષધિય ગુણ રહેલો હોય છે.

સામાન્ય રોગોમાં તેનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખે છે. યાદ કરો બાળપણમાં જ્યારે બીમારી આવતી તો કુટુંબમાં બીમારીને સૌ પ્રથમ દાદી-નાની મસાલાનો જરા હટકે ઉપયોગ કરીને રોગ દૂર કરતા. મસાલાની બીજી વિશેષતા એટલે તેની કોઈ આડઅસર હોતી નથી.

આખા ધાણા: ધાણામાં એન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું છે. ૧૦૦ ગ્રામ પીસેલા ધાણામાં ૩૫ ટકા વિટામિન સી સમાયેલું હોય છે. ક્યારેક વાસી ખોરાક કે પાણી જન્ય રોગો જેવા કે કોલેરા, ટાઈફોઈડ, ઝાડા કે ખોરાકી ઝેરની અસર લાંબા ગાળા સુધી હોય ત્યારે ધાણાનો પાઉડર-દળેલી ખાંડ સાથે લેવાથી દર્દમાં રાહત થાય છે. વિટામિનની સાથે ધાણામાં આયર્ન છુપાયેલું છે. જે સ્ત્રીઓને આયર્નની ઉણપ વર્તાતી હોય, શરીરમાં લોહી ઓછું હોય ત્યારે પણ ખોરાકમાં સૂકા અને લીલા ધાણાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. વારંવાર ચામડી લાલ થઈ જવી, ખસ, ખરજવું કે ચામડીના બીજા રોગોમાં પણ ધાણા આરોગ્યવર્ધક ગણાય છે.

ધાણામાં આર્યન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. કોપર(તાંબું) લોહીમાં લાલ રક્તકણોને વધારે છે. ઉનાળામાં નાકમાંથી નીકળતું લોહી બંધ કરવા માટે પણ લીલા ધાણાનો રસ સૂંઘવાથી કે પાનનો રસ કપાળ ઉપર લગાવવો અસરકારક મનાય છે.

હીંગ: સ્વાદમાં કડવી તીક્ષ્ણ વાસ ધરાવતી પાચનકારી અને હૃદય માટે હિતકારી ગણાય છે. કફને દૂર કરવાવાળી, પેટના દર્દોમાં, ગેસની તકલીફ કે કૃમિનો નાશ કરવાવાળી મનાય છે. હીંગનો ઉપયોગ તેનો પાઉડર બનાવીને શેકીને કરવો હિતાવહ છે. હીંગ, લીંબુનો રસ તથા મરીના ભૂકાને સમાન માત્રામાં લઈને નાની ગોળી બનાવવી. વધુ પડતો ભારી ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે આ ગોળીનો ઉપયોગ કરવાથી રાહત રહે છે. પેટના દર્દો જેવા કે ગેસ થવો, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો થયો હોય ત્યારે નાભીની આજુબાજુ હીંગની પેસ્ટ બનાવી લગાવવાથી આરામ મળે છે. ૧ લિટર પાણીમાં ૧ નાની ચમચી હીંગ ભેળવીને પાણી ઉકાળવું. ઠંડું થયા બાદ દાતના દુખાવામાં હીંગના પાણીના કોગળા કરવા. દાતમાં સડો થયો હોય ત્યારે તે જગ્યા ઉપર હીંગ ભરીને રાખવાથી દાતમાં ભરાયેલ જંતુઓ નાશ પામે છે. અસહ્ય દુખાવામાં થોડી રાહત મળે છે.

લવિંગ: લવિંગને વાટીને ૨૦૦ ગ્રામ પાણીમાં ભેળવીને તે પાણી પીવાથી છાતીમાં થતી બળતરા દૂર થાય છે. લવિંગ અને હરડેને સપ્રમાણ માત્રામાં લઈને તેમાં સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે ભેળવવું. ગેસ કે અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. લવિંગને ચૂસવાથી શર્દીને કારણે થયેલી ગળાની તકલીફ મટી જાય છે. મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે. લવિંગને શેકીને તેની પેસ્ટ બનાવવી. માથું દુખતું હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

વરિયાળી: વરિયાળીને બરાબર સાફ કરીને શેકી લેવી. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ અને લીંબુનો રસ ભેળવીને તડકામાં સૂકવવી કાચની બોટલમાં ભરી લેવી ભોજન બાદ તેનો ઉપયોગ કરવાથી પાચન સરળતાથી થાય છે. મોંની દુર્ગંધ દૂર કરે છે. કબજિયાતની તકલીફ હોય તેણે રાત્રે સૂતા પહેલાં હૂંફાળા પાણીમાં વરિયાળીનું ચૂર્ણ લેવું. ગળું પકડાઈ ગયું હોય કે ખીચ ખીચ થતું હોય ત્યારે નરણાં કોઠે વરિયાળી ચાવીને ખાવાથી બંધ ગળું ખૂલી જાય છે. લોહીની શુદ્ધિ માટે કે ત્વચા રોગમાં વરિયાળીનું સેવન લાભકારક છે. સવાર-સાંજ ૧૦ ગ્રામ મોળી વરિયાળી ચાવી-ચાવીને ખાવી. નિયમિત ખાવાથી લોહી શુદ્ધ થાય છે. ત્વચા ચમકીલી બને છે.

કાળા મરી: અડધો ચમચો મરીનો ભૂકો અને અડધો ચમચો મધ લઈને બરાબર ભેળવવું. દિવસમાં ૩-૪ વખત ચાટવાથી સૂકી ખાંસીમાં ફાયદો થાય છે. પેટમાં ગેસની તકલીફમાં એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી મરીનો ભૂકો, ચપટી સંચળ ભેળવેલ પાણીનો ઉપયોગ દસ દિવસ નિયમિત કરવાથી રાહત મળે છે. ૫૦ ગ્રામ આદુંની કતરણમાં અડધો ચમચો મરીનો ભૂકો, ચપટી સિંધવ અને લીંબુનો રસ ભેળવીને લેવાથી પાચન ક્રિયા સરળ બને છે. મરીનો ભૂકો અને મધને સપ્રમાણ માત્રામાં ચાટી જવું. ઉપર મોળી છાસ પીવી. નિયમિત આ પ્રયોગ કરવાથી મરડામાં રાહત મળે છે.

હળદર: લીલી હળદરને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય વર્ધક હળદરનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કોલેસ્ટ્રોલની માત્રામાં સુધારો કરે છે. યોગ્ય માત્રામાં ઉપયોગ વૃદ્ધત્વને આવતું રોકે છે.

વિવિધ રોગમાં હળદરનો ઉપયોગ ફાયદાકારક છે. નિયમિત હળદરની ચા પીવાથી અકારણ હૃદયરોગ આવતો નથી. ચાર કપ પાણીમાં ૧ ચમચી હળદર પાઉડર નાખવો. પાણીને પાંચ મિનિટ ઉકાળીને ગાળી લેવું. સ્વાદ માટે મધ ભેળવીને પીવું. મૂઢ માર વાગ્યો હોય ત્યારે હળદરમાં ચપટી મીઠું અને લીંબુનો રસ ભેળવીને લેપ બનાવવો. આ લેપનો ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત રહે છે.

ઉધરસ કે કફમાં હળદરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. હળદર અને થોડું ઘી ભેળવીને દૂધ પીવું કે હળદર પાઉડરને મધ સાથે ભેળવીને દિવસમાં બે-ત્રણ વખત ચાટવાથી રાહત રહે છે. ચામડી કાળી પડી ગઈ હોય કે શુુષ્ક બની ગઈ હોય ત્યારે હળદરનો લેપ લગાવવાથી ત્વચા ચમકીલી બની જાય છે. ભારતમાં તો હળદરનો ઉપયોગ ભોજનમાં થતો હોય છે. પનીરને તાજું રાખવું હોય તો હળદર ભેળવવાથી પનીર તાજું રહે છે.

ઈલાયચી: દાડમના શરબતમાં ઈલાયચીનો ભૂકો ભેળવીને પીવાથી ઊલટીમાં રાહત મળે છે. આંબળાના ચૂર્ણમાં સમાન માત્રામાં એલચીનો ભૂકો ભેળવીને સવાર-સાંજ લેવાથી પેશાબમાં થતી બળતરા, હાથ-પગમાં થતી બળતરા દૂર થાય છે. વધુ પડતું ભોજન ખાઈ લીધું હોય ત્યારે એલચીને ચાવી જવાથી આફરો બેસી જાય છે.

આમ મસાલાના વિવિધ ઉપયોગ થકી સ્વાસ્થ્ય મેળવી શકાય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતી નથી. દરેકે પોતાની પ્રકૃતિને અનુરૂપ મસાલાનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ છે. વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. સ્વાદને છોડીને સ્વાસ્થ્ય માટે પણ મસાલાનો ઉપયોગ રોજબરોજ કરવો જરૂરી છે.