બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. સ્વતંત્રતા દિવસ
Written By વેબ દુનિયા|

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો

- અક્ષેશ સાવલિયા

'ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય, ત્યાં સુધી મંડીયા રહો' આ સુત્રના રચાયતા સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કોલકોતામાં સીમલા નામના પરામાં વસતા દત્ત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્ર્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્ર્વરી દેવી હતું. તેમના પિતા શ્રીમંત વકીલ હતાં. તેઓને શિવભક્તિમાં અચળ શ્રદ્ધા હતી. માતા ભુવનેશ્ર્વરીદેવી ભગવદ્ભક્તિ પરાયણ મહિલા હતા. કિશોર નરેન્દ્ર સત્યના આગ્રહી હતા. નિર્ભયતા અને સમયસૂચકતા એમના જીવનનો મૂળ મંત્ર હતો. તેમની યાદશકિત હતી કે જે પુસ્તક તે વાંચે તે મોઢે થઇ જાય. તેઓએ કોલકત્તાની જનરલ એસેમ્બલી કોલેજમાંથી બી.એનો અભ્યાસ ક્રમ પૂરો કર્યો તે પહેલા જ નરેન્દ્રના પિતાનું અવસાન થયું.

પિતાના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારી નરેન્દ્ર ઉપર આવી હતી. તેઓ પણ નોકરી માટે રાત દિવસ રખડયાં પણ તેઓને નોકરી ના મળી. તેજ સમયમાં તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યાં અને તેઓ અખાડામાં જતા ત્યારે તેઓને સ્વામી બ્રહ્માનંદ મળ્યા તેઓએ તેને બ્રહ્મ સમાજની ગંભીર ઉપાસના ભર્યા ભજનો સંભળાવી પ્રભાવિત કરી દીધાં. તેમના ગુરૂની કૃપાથી તેઓને આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત થઇ અને તેઓએ 1884માં સંન્યાસ ધારણ કર્યો અને છેવટે 'વિવેકાનંદ' નામ ધારણ કરી તેઓ અમેરિકા ગયા.

11મી સપ્ટેમ્બર, 1893ના રોજ અમેરિકાના શિકાગો શહેરના ભવ્ય કોલંબસ હોલમાં તેઓએ તેનું વક્તવ્ય શરૂ કર્યું ' માય ડિયર સિસ્ટર્સ એંડ બ્રધર્સ ઓફ અમેરિકા' વિષય પર સંબોધન આપનારા 30 વર્ષના ભારતના યુવાન સંન્યાસી યુગપ્રવર્તક, યુગાચાર્ય, સ્વામી વિવેકાનંદે વિશ્ર્વધર્મ પરિષદના ધર્મસુધારકોને સ્તબધ કરી દીધા હતા.

સ્વામી વિવેકાનંદ કહેતા કે મને ચારિત્ર્યવાન 100 યુવાનો આપો, હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ. તેઓ કહેતાં કે સારાં પુસ્તકો વગરનું ઘર સ્મશાન જેવું છે. તેઓએ દેશ - વિદેશની યાત્રા કરીને ભારત પાછા ફર્યા ત્યારે યુગપુરૂષ બનીને આ ધરતી પર મૂકનાર સપૂતને સત્કારવા ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળેલું. 1897માં તેઓએ શ્રી રામકૃષ્ણ મિશનની અને 1899માં બેલૂરમઠની સ્થાપના કરી હતી. આજે પણ દેશ-વિદેશમાં બેલૂરમઠના સંચાલન હેઠળની 165 જેટલા આશ્રમો ચાલે છે. તેઓએ 1899માં હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. પ્રવૃદ્ધ ભારત સામાયિકનું સંપાદન કરવાનું શરૂ કર્યું.

વિદેશમાં વેદાંત પ્રચારનું કાર્ય આગળ ધપાવતા તેઓ 29મી જૂન, 1899માં ફરી પશ્ર્વિમના પ્રવાસે ગયા. 9મી ડિસેમ્બર, 1990માં તેઓ હિન્દ પરત ફર્યા. તેઓની તબીયત લથડતા તેઓએ બેલૂર મઠનું સંચાલન ટ્ર્સ્ટીમંડળને સોપ્યું અને આજથી એક સૈકા પુર્વે અર્થાત 4 જુલાઇ, 1902ના શુક્રવારના રોજ હિન્દુ અસ્મિતાના આ ઉદ્દગાતાનું માત્ર 32 વર્ષની નાની વયે અવસાન થયું. આજે ભલે સ્વામી વિવેકાનંદને અવસાન પામ્યાને 10 વર્ષ પુરા થયા, પણ તેમના વિચારો વાગોળીને જરૂર સમાજને કંઇક કરી બતાવીશું તથા નવી પેઢીને પણ પ્રેરણાદાયી બની રહેશે.