દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની આશા વધી: પંજાબને 17 રનથી હરાવ્યું, શાર્દુલે 4 વિકેટ લીધી; જીતેશની ધમાકેદાર ઇનિંગ્સ પણ કામ ન આવી
IPL 15ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીની ટીમે પંજાબને 17 રનથી હરાવ્યું હતું. ડીસી માટે શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. પંજાબ તરફથી જીતેશ શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 34 બોલમાં 44 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.
આ રીતે દિલ્હી પ્લેઓફમાં પહોંચી શકે
પંજાબ સામેની જીત સાથે દિલ્હીના 14 પોઈન્ટ થઈ ગયા છે. દિલ્હીનો નેટ રન રેટ પણ સારો છે. આવી સ્થિતિમાં જો તે છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતે છે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. તે જ સમયે, જો બેંગલુરુ પણ ગુજરાત સામે જીત નોંધાવે છે, તો તેને પણ 16 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં આ બંને ટીમોમાં જે ટીમનો રનરેટ વધુ સારો હશે તે જ ટીમ પ્લેઓફમાં પહોંચશે.
160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. નિયમિત અંતરે તેની વિકેટો પડતી રહી. અડધી ટીમ 61 રન પર જ પેવેલિયન પરત ફરી ચુકી હતી. ત્યારબાદ હરપ્રીત બ્રાર પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને એક રન બનાવીને ચાલતો થયો. આજની મેચમાં શાર્દુલ ઠાકુરની ચાર વિકેટ ઉપરાંત કુલદીપ-અક્ષરને બે-બે વિકેટ મળી હતી.