શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શનિવાર, 27 મે 2023 (10:59 IST)

GT vs MI: આ ખેલાડીને ઓકશનમાં મળ્યા માત્ર 50 લાખ, હવે એકલા મુંબઈ ઈન્ડિયન્સ પર પડ્યો ભારે, 12 બોલમાં પલટી નાખી મેચ

Mohit Sharma takes 5 wickets against Mumbai
Mohit Sharma
 ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની સતત બીજી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે IPL 2023ની ફાઇનલમાં પણ સ્થાન બનાવી લીધુ.  ગુજરાતે ક્વોલિફાયર-2માં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું. 
હવે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલમાં ગુજરાતનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. શુભમન ગીલની સદીના આધારે પ્રથમ રમતા ગુજરાત ટાઈમ્સે 233 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 171 રન જ બનાવી શકી હતી  

 
મેચની વાત કરીએ તો ફાસ્ટ બોલર મોહિત શર્માએ 2.2 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. મોહિતને ગુજરાત ટાઇટન્સે હરાજીમાં માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રથમ 2 બોલ પર તેને વિકેટ મળી ન હતી. પછીના 12 બોલમાં તેણે 5 વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગને વેરવિખેર કરી નાખી. તેમાં સૂર્યકુમાર યાદવની મોટી વિકેટ પણ સામેલ છે. IPL 2023 વિશે વાત કરીએ તો, મોહિતે અત્યાર સુધીમાં 24 વિકેટ લીધી છે અને એકંદરે સૌથી વધુ વિકેટના મામલે તે ત્રીજા નંબર પર છે.  
 
મોહિત શર્માએ 15મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 મોટા આંચકા આપ્યા હતા. ત્રીજા બોલ પર તેમણે સૂર્યકુમાર યાદવને બોલ્ડ કર્યો હતો. સૂર્યા આ સમયે ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યા છે. તેણે બીજા બોલ પર મોટી સિક્સર પણ ફટકારી . તે 38 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ મોહિતે 5મા બોલ પર વિષ્ણુ વિનોદને પણ ચાલતો કર્યો.  તે ઘાયલ ઈશાન કિશનની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો હતો. વિનોદે 5 રન બનાવ્યા હતા. 
 
મોહિત શર્માએ 17મી ઓવરમાં પણ મુંબઈ ઈન્ડિયન્સના બે બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરીને તેમની આશાઓને સંપૂર્ણપણે ખંડિત કરી દીધી હતી. તેણે પ્રથમ બોલ પર ક્રિસ જોર્ડનને સાઈ સુદર્શનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોર્ડને 5 બોલમાં 2 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજા બોલ પર પિયુષ ચાવલા પણ આઉટ થયો હતો. ચાવલા 2 બોલમાં શૂન્ય રન બનાવીને આઉટ થયો.
 
મોહિત શર્માએ તેની ત્રીજી ઓવરના બીજા બોલ પર કુમાર કાર્તિકેયને ડેવિડ મિલરના હાથે કેચ કરાવીને ગુજરાત ટાઇટન્સની જીત પર મહોર મારી હતી. મુંબઈનો દાવ 18.2 ઓવરમાં 171 રનમાં સમેટાઈ ગયો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને લેગ સ્પિનર ​​રાશિદ ખાનને પણ 2-2 વિકેટ મળી હતી. શમી 28 વિકેટ સાથે ટોચ પર છે અને તેની પાસે પર્પલ કેપ છે.
 
ગુજરાત ટાઇટન્સને ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સે પરાજય આપ્યો હતો. પરંતુ તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે સારી રમત બતાવી. IPL 2022માં ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે પંડ્યા સતત બીજું ટાઈટલ જીતવા ઈચ્છશે
 
એમએસ ધોની પણ આઈપીએલ 2023નું ટાઈટલ જીતવા અને ચેન્નાઈ સુપર કિંગ્સને 5મું ટાઈટલ અપાવવા ઈચ્છશે. અત્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 ટાઈટલ જીતીને ટોપ પર છે. 41 વર્ષીય ધોનીની નિવૃત્તિની વાતો પણ સામે આવી રહી છે, પરંતુ તેણે છેલ્લી મેચ બાદ કહ્યું હતું કે ડિસેમ્બરમાં હરાજી છે. આ પછી જ તેઓ કોઈ નિર્ણય લેશે.