IPL 2023: ધોનીને ભારે પડી શકે છે ચતુરાઈ, ફાઈનલ પહેલા લાગી શકે છે બેન
Indian premier league 2023: ચારવારની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ ભલે આઈપીએલ 2023ની ફાઈનલમાં પહોંચી ગઈ હોય પણ તેમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની માટે પરેશાની વધી શકે છે. મંગળવારે રાત્રે ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ રમાયેલ ક્વાલીફાયર 1 મુકાબલા દરમિયાન ધોનીએ કંઈક એવી ચતુરાઈ બતાવી જે તેમને ભારે પડી શકે છે. તેમને મેચ દરમિયાન અંપાયરો સાથે વિવાદ કર્યો અને આ કારણે લગભગ ચાર મિનિટ રમત રોકવી પડી. જો કે ચેન્નઈની ટીમે આ મેચમાં ગુજરાતને 15 રને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ.
આ રીતે મુશ્કેલીઓ વધી શકે છે
વાસ્તવમાં IPLની આ સિઝનમાં સ્લો ઓવર રેટના કારણે ધોની પર એકવાર દંડ ફટકારવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો ધોની ફરીથી IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે દોષિત ઠરે છે, તો તેના પર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે અને તે IPLની ફાઇનલ રમી શકશે નહીં. જોકે, હજુ સુધી અમ્પાયરોએ ધોની વિરુદ્ધ મેચ રેફરીને સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
મેચની 16મી ઓવરમાં બની હતી આ ઘટના
આ ઘટના મેચની 16મી ઓવરમાં બની હતી. ધોની ઈનિંગની 16મી ઓવર ફાસ્ટ બોલર મતિશા પથિરાના દ્વારા કરાવવા માંગતો હતો. પરંતુ તે લગભગ નવ મિનિટ સુધી મેદાનની બહાર રહ્યો હોવાથી અમ્પાયરોએ તેને બોલિંગ કરવાની ના પાડી દીધી હતી.
આ છે નિયમઃ આઈપીએલના નિયમો અનુસાર, જો કોઈ બોલર આઠ મિનિટથી વધુ સમય માટે મેદાનની બહાર રહે છે, તો તેણે આઠ મિનિટ સુધી મેદાન પર રહેવું પડશે અને તે પછી જ તે બોલિંગ કરી શકશે. આવી સ્થિતિમાં પથિરાણાને થોડો સમય રાહ જોવી પડી. પરંતુ ધોની ઈચ્છતો હતો કે તે આ ઓવર નાખે. આવી સ્થિતિમાં ધોનીએ અમ્પાયરો સાથે વાતચીત કરી અને તેના કારણે મેચ લગભગ ચાર મિનિટ માટે રોકી દેવામાં આવી.