મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: સોમવાર, 25 માર્ચ 2024 (17:17 IST)

GT vs MI: મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચમાં જ હાર્દિક પંડ્યાની ટીકા, પ્રથમ ઓવર બુમરાહને કેમ ન અપાઈ?

ગુજરાત ટાઇટન્સે રોમાંચક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સને છ રને હરાવીની આઇપીએલની સિઝનની શરૂઆત કરી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 168 રન બનાવ્યા.
 
જેના જવાબમાં મુંબઈ 162 રન જ બનાવી શક્યું. મુંબઈને છેલ્લી ઓવરમાં વિજય માટે 19 રનની જરૂર હતી, મુંબઈની ટીમ આ લક્ષ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા ક્રીઝ પર હોવા છતાં હાંસલ કરી શક્યું નહોતી.
 
હાર્દિકે છેલ્લી ઓવરના શરૂઆતના બે બૉલમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને દસ રન કર્યા, પણ એ બાદ ત્રીજા બૉલે તેઓ આઉટ થઈ ગયા.
 
જોકે, આ મૅચ દરમિયાન હાર્દિક પંડ્યાને ટીકાનો સામનો પણ કરવો પડ્યો.
 
હાર્દિક પંડ્યા દ્વારા બૉલિંગની શરૂ કરવાના નિર્ણયની કેવિન પીટરસન અને સુનીલ ગાવસ્કરે ભારે ટીકા કરી હતી.
 
આઇપીએલ 2024ની મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની મૅચમાં ગુજરાત સામે બૉલિંગની શરૂઆત હાર્દિકે કેમ કરી એ બંને ક્રિકેટરોને ના સમજાયું.
 
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા બંનેએ એક-એક ચોગ્ગો ફટાકારીને હાર્દિકની પ્રથમ ઓવરમાં 11 રન લીધા હતા.
 
પ્રથમ ઓવર બુમરાહને કેમ ન અપાઈ?
 
એ બાદ લ્યુક વૂડ બૉલિંગ કરવા આવ્યા અને ત્રીજી ઓવર ફરીથી હાર્દિકે ફેંકી.
 
મુંબઈ તરફથી બૉલિંગની શરૂઆત હાર્દિકે કરતાં પીટરસને કહ્યું, "જસપ્રીત બુમરાહ પાસેથી બૉલિંગ ઓપનિંગ કેમ ના કરાવી એ મને નથી સમજાયું", જેનો જવાબ આપતાં ગાવસ્કરે જવાબ આપ્યો, "ખૂબ સારો સવાલ. ખૂબ, ખૂબ સારો સવાલ."
 
એટલું જ નહીં, ઇરફાન પઠાણે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "બુમરાહ ક્યા છે?" ત્યાં સુધીમાં ત્રણ ઓવરમાં ગુજરાતે 27 રન કરી લીધા હતા. ત્રીજી ઓવર પણ હાર્દિકે જ ફેંકી અને એ ઓવરમાં નવ રન આવ્યા હતા.
 
જોકે, એ બાદ ચોથી ઓવર મુંબઈ ઇન્ડિયન્સે બુમરાહ પાસે ફેંકાવી. બુમરાહે પોતાની પ્રથમ ઓવરમાં જ ગુજરાતની વિકેટ લઈ લીધી. પોતાની પ્રથમ ઓવરના અંતિમ બૉલે સાહાની વિકેટ ઝડપી લીધી. આ ઉપરાંત પ્રથમ ઓવરમાં બુમરાહે માત્ર ચાર રન જ આપ્યા. એ સાથે જ ફરી સવાલ પુછાયો કે બુમરાહ પાસે બૉલિંગ ઓપનિંગ કેમ ના કરાવી?
 
બુમરાહ આ મૅચના સૌથી મોટા હીરો સાબિત થયા. એમણે પોતાની જબરદસ્ત બૉલિંગ થકી ગુજરાતને 25-30 રન ઓછા કરવા દીધા હોવાનું જાણકારોનું માનવું છે. એ પણ ત્યારે જ્યારે એમને પાવરપ્લેની પ્રથમ ત્રણ ઓવર ફેંકવાની તક નહોતી મળી.
 
આ ઉપરાંત તેમણે 13મી, 17મી અને 19મી ઓવર ફેંકી. 19મી ઓવરમાં તેમણે ખતરનાક જણાઈ રહેલા રાહુલ તેવતિયાને નિયંત્રણમાં રાખ્યા. આ રીતે ચાર ઓવરમાં તેમણે 14 રન આપીને ત્રણ વિકેટ મેળવી.
 
આ ઉપરાંત બુમરાહે ફેંકેલી 17મી ઓવર ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ. એ ઓવરમાં બુમરાહે ત્રણ બૉલની અંદર સાઈ. સુદર્શન અને ડેવિડ મિલરને પેવેલિયન પરત મોકલ્યા. બંને બૅટ્સમૅનો સેટ હતા અને મોટા શૉટ મારી રહ્યા હતા. ખાસ કરીને મિલર છેલ્લી ઓવરોમાં ઘણા આક્રમક બની જતા હોય છે. જોકે, બુમરાહે ત્રણ બૉલમાં બંનેને આઉટ કરીને ગુજરાતની ઇનિંગના થોડા રન ચોક્કસથી ઘટાડી દીધા.