KKR vs PBKS: વાવાઝોડું અને વરસાદને કારણે પંજાબ અને કોલકાતા વચ્ચેની મેચ રદ
કોલકાતા નાઈટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઇડન ગાર્ડન્સ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025 ની 44મી મેચ ભારે તોફાન અને વરસાદને કારણે રોકવી પડી હતી. સતત વરસાદને કારણે મેચ આખરે રદ કરવી પડી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે ચાર વિકેટે 201 રન બનાવ્યા. આ પછી, કોલકાતા 202 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતર્યું અને એક ઓવર રમી જ હતી ત્યારે તોફાન શરૂ થયું. આ પછી હળવો વરસાદ પણ શરૂ થયો. ભારે વાવાઝોડાને કારણે, ગ્રાઉન્ડ સ્ટાફને કવરથી જમીન ઢાંકવા માટે સખત મહેનત કરવી પડી. આ દરમિયાન કેટલાક કવર પણ ફાટી ગયા.
કોલકાતામાં તોફાન અને વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી ત્યાં સુધી, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમે કોઈ પણ નુકસાન વિના એક ઓવરમાં સ્કોરબોર્ડ પર સાત રન બનાવી લીધા હતા. સુનીલ નારાયણ ચાર રન અને રહેમાનુલ્લાહ ગુરબાઝ એક રન બનાવીને અણનમ રહ્યા.
પંજાબે બનાવ્યો મોટો સ્કોર
આ પહેલા પંજાબ કિંગ્સની ઇનિંગની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ ટીમને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી. પ્રભસિમરન સિંહે 83 જ્યારે પ્રિયાંશ આર્યએ 69 રન બનાવ્યા હતા. પ્રિયાંશે 35 બોલમાં 69 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે પ્રભસિમરને ૪૯ બોલમાં 83 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐય્યર 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 25 રન બનાવીને અણનમ રહ્યો.
આ રીતે, પંજાબ કિંગ્સની ટીમ સ્કોરબોર્ડ પર ચાર વિકેટે 201 રન બનાવવામાં સફળ રહી. કોલકાતા તરફથી વૈભવ અરોરાએ 34 રન આપીને બે વિકેટ લીધી. આ પછી, કોલકાતાની ઇનિંગ શરૂ થયા પછી તરત જ, એક તોફાન મેદાન પર ત્રાટક્યું અને થોડીવાર પછી વરસાદ પણ શરૂ થયો. પરિણામ એ આવ્યું કે રાત્રે લગભગ 9:35 વાગ્યે મેચ બંધ કરવી પડી.
વરસાદ અને વાવાઝોડાને કારણે મેચ 1 કલાક 20 મિનિટથી વધુ સમય માટે રોકાયા પછી, એક અપડેટ આવ્યું કે ઓછામાં ઓછા 5 ઓવરની રમત માટેનો કટ ઓફ સમય રાત્રે 11:44 વાગ્યાનો છે. જોકે, સતત વરસાદને કારણે સવારે 11 વાગ્યે મેચ રદ કરવામાં આવી હતી. આ રીતે બંને ટીમોને એક-એક પોઈન્ટ વહેંચવાનો પડ્યો.