ગોવામાં શુક્રવારે આઇપીએલની હરાજી
43 ક્રિકેટરોની રમવા માટે હરાજી બોલાશે
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ઇન્ડિયન પ્રિમિયર લીગ સિઝન-2 માટેના 43 ક્રિકેટરોની આવતીકાલે ગોવામાં હરાજી થનાર છે. માયકલ કલાર્ક ઓસ્ટ્રેલિયાના ભરચક કાર્યક્રમના કારણે ખસી ગયા બાદ કેવિન પીટરસન, એન્ડ્રુ ફિલન્ટોફ, જેપી ડુમિની ઊપર તમામની નજર રહેશે.ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીઓને પોતાની ટીમમાં લેવા કંપનીઓ આ વખતે ઊત્સાહિત દેખાતી નથી. કારણ કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલ સિઝન-2માં ખૂબ ઓછા દિવસ ફાળવી શકશે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ 8થી 10 દિવસ સુધી જ આઇપીએલમાં રમી શકશે. જેથી ફ્રેન્ચાઇસીસ અન્ય ખેલાડીઓને પોતાની ટીમમાં લેવા ઊત્સુક બની છે. આ વખતે સૌથી મોંઘા ખેલાડી તરીકે કેવિન પીટરસન ઊભરી આવે તેમ માનવામાં આવે છે. તેની બોલી 1350000 ડોલરથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલો સ્ટાર ક્રિકેટર તમામ કંપનીઓમાં હોટ ફેવરિટ છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ફિલન્ટોફની બોલી 950000 ડોલરથી શરૂ થશે. આવી જ રીતે દક્ષિણ આફ્રિકન ડુમિનીની બોલી 300000 ડોલરથી શરૂ થશે.