મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (18:58 IST)

ગુજરાત સરકારનો મોટી જાહેરાત: આગામી 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી કરાશે

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજયના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.  
 
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ ગૃહ મંત્રી તરીકેનો  ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષઓને જરૂરી આદેશો કર્યાં છે. 
 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના  પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય 
કર્યો છે.  
 
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.