તલાટીની પરીક્ષાના બે કલાક પહેલા જ પોલીસ દ્વારા ચેકિંગ, 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ શક્ય તેટલા પરીક્ષા કેન્દ્ર પર કરવાની પણ સુચના આપવામાં આવી
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરીને અવકાશ ના રહે તે માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત પરીક્ષા આપનારા ઉમેદવારોની ખાસ તપાસ માટે પણ સૂચના આપવામાં આવી છે. પરીક્ષા શરૂ થાય તેના બે કલાક પહેલાં જ ઉમેદવારોનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. આ પરીક્ષા બપોર 12:30 કલાકે શરૂ થશે અને 1:30 કલાકે પૂર્ણ થશે. આ પરીક્ષા 8 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે.
નાનામાં નાની વિગતો પર નજર રાખવામાં આવશે
પરીક્ષામાં ગેરરીતિ ના સર્જાય તે માટે નાનામાં નાની વિગતો પર નજર રાખવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઉમેદવારોનું 100 ટકા ફ્રિસ્કિંગ કરવાની સૂચના અપાઈ છે. પરીક્ષા શરૂ થાય તેના બે કલાક પહેલા જ ઉમેદવારોનું ચેકિંગ શરૂ કરવામાં આવશે.પરીક્ષા કેન્દ્ર પર ફ્રિસ્કિંગ માટે રાખેલા પોલીસ સ્ટાફને પણ મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટુથ, ઇયરફોન જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થયાના ત્રણ કલાક પહેલા સ્વીચ ઓફ કરી જમા લઇ સંબંધિત કેન્દ્રના બોર્ડ પ્રતિનિધિને આપવાના આદેશ છે.
પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તકેદારી
મહત્વનું છે કે, આ પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તકેદારી રાખી રહ્યું છે. ફ્રિસ્કિંગની કામગીરી ઉપરાંત ઉમેદવારોના ફોટો અને વીડિયો લેવા માટે પોલીસ સ્ટેશનમાં ઉપલ્બધ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ શક્ય તેટલા પરીક્ષા કેન્દ્ર પર કરવાની પણ સુચના આપવામાં આવી છે.