શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (10:15 IST)

Kids Story - ચાલાક સસલુ

તે જંગલનો રાજા સિંહ હતો. તે સિંહ પોતાને તો ફાવે તેમ તે જંગલના કાયદા ઘડતો.તેને થયું કે "હું રાજા…અને શિકાર કરવા જાતે જાઉં, એ તો બરોબર ન કહેવાય." તેથી તેણે કાયદો કર્યો કે રોજ જંગલના એક પ્રાણીએ વારાફરથી તેના પાસે આવવાનું અને તેનો ખોરાક બની જવાનું. બધા પ્રાણીઓને પણ થયુ કે આમેય રોજ આટલા બધાને મારે છે. તરો જ સિંહનો ભોગ બનીને દરેકે ભયમાં જીવવું તેના કરતા દરેક ઘરમાંથી રોજ એક જ જણે જવું. આમ નક્કી થયું. સિંહને તો જલસા પડી ગયા.
 
રોજ વારા ફરથી એક પછી એક પ્રાણીનો ક્રમ આવવા માંડ્યો. વારા પ્રમાણે એક વાર ચતુર સસલાનો વારો આવ્યો. સસલાને જરાયે ન ગમ્યું. આમ પણ મરવા જવું કોને ગમે? પણ… તે લાચાર હતો. તે વિચારવા લાગ્યો આમાંથી ઉગરવાનો કોઇ ઉપાય શોધવો જોઇએ જેથી બધાને બચાવી શકાય. પણ…શું? એમ વિચારતો વિચારતો તે સિંહ પાસે પહોંચ્યો ત્યારે થોડુ મોડું થઇ ગયું હતું. ભૂખથી પીડિત સિંહ ગુસ્સાથી આંટા મારતો હતો.
સસલાને જોતા જ તેણે ત્રાડ પાડી…”કેમ આટલું મોડું?” સસલું કહે,”રસ્તામાં….” સિંહ વચ્ચે જ કહે,”હવે એ બધી વાર્તા રહેવા દે..મારા દાદા મૂરખ હતા ને પોતાનો જીવ ગુમાવ્યો હતો….હું મૂરખ નથી. તને કૂવામાં બીજો સિંહ દેખાયો…અને એવી બધી વાર્તામાં ચાલાકીમાં હું નહીં ફસાઉં…”
 
સસલુ કહે, ”હા,નામદાર….મને યે એ ખબર છે. અને એ માટે હું દિલગીર છું. મારે તો મારા દાદાએ આપના દાદા સાથે કરેલ છેતરપિંડીનું પ્રાયશ્વિત કરવું છે અને હું તમને મૂરખ બનાવી શકું એવી મારી હેસિયત કયાં છે?”
 
સિંહ થોડો શાંત અને ખુશ થયો.પછી કહે,”તો મોડું કેમ થયું?”
 
સસલુ કહે, ”આ તો હું આવતું હતું..ત્યાં તળાવ ને સામે કિનારે એક વૃધ્ધ સિંહ અને તેની પત્ની મળ્યા. રાજાજી શું સુંદર સિંહણ…!! યુવાન સિંહણ અને એ ઘરડો સિંહ…..!!! સિંહણને એ ખૂબ હેરાન કરે છે…પણ બિચારી કોને કહે? બાકી નામદાર,એ તો આપ જેવા સિંહની રાણી તરીકે જ શોભે હોં!!”
 
કહી સસલાએ તો સિંહણના એટલા બધા વખાણ કર્યા અને કહ્યું કે તમે જ એને આ લુચ્ચા સિંહના ત્રાસમાંથી છોડાવી શકો તેમ છો. સિંહ ને તો પોતાના વખાણ સાંભળી પોરસ ચડયો,”મારા રાજયમાં એ સિંહણ દુ:ખી થાય એ કેમ ચાલે? ચાલ, મને બતાવ….”
સસલું તો સિંહને નદી કિનારે લઇ ગયું. એને તો સામે કોઇ દેખાયું નહીં. સસલું કહે,” સિંહણને લઇ ગયો લાગે છે. બહુ સરસ છે ને એટલે બહુ બહાર જ નથી નીકળવા દેતો બિચારીને!!”
 
સિંહ કહે ,”એમ? તો હવે શું કરવું?” સસલું કહે,”અરે,એ સિંહ બિચારો છે વૃધ્ધ.તમારી એક ઝાપટનો જ ઘરાક છે. અને આ કંઇ ઉંડો કૂવો થોડો છે? છીછરું તળાવ છે…એક છલાંગ મારશો ને સીધા સામે કિનારે…તમારા જેવાને વાર કેટલી?”
 
સિંહ ને તો આવી ગયો જુસ્સો. વળી તે હમણાં બહુ બહાર નીકળતો ન હોવાથી તેને ખબર પણ નહોતી કે હમણાં આ તળાવ માં કેટલો કાદવ જમા થયો હતો કે જરાક પગ મૂકશે અને ડૂબી જશે. સિંહે તો વગર વિચાર્યે એવો જોશથી કૂદકો માર્યો તળાવ માં….હવે તળાવમાં એટલો કાદવ હતો કે સિંહરાજા તો કાદવમાં ફસાઇ ગયા…અને જેમ બહાર નીકળવાનું જોર કરે તેમ વધારે ને વધારે ફસાતો જાય. છેવટે સિંહ એમાં જ ફસાઇ ને કાદવમાં જ ડૂબી ને મરી ગયો.
 
બોધ - બુદ્ધિથી કામ લેવામાં આવે તો દરેક અધરું કામ પણ સહેલુ બની જાય છે.