મહેસાણામાં કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન અને જીવાભાઈ ભાજપમાં જઈને ભરાઈ ગયાં
મહેસાણા લોકસભાએ મોદીનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપે આ સીટના ઉમેદવાર માટે ભારે કશ્મકશ કરી છે. આ વર્ષે જયશ્રીબેનને રિપિટ કરવાની કોઈ સંભાવના ન હોવાથી ભાજપે એડવાન્સમાં જ તૈયારી કરી દીધી હતી. કોઈ પણ સંજોગોમાં મહેસાણાની સીટ ન જાય માટે દિલ્હીથી આદેશો હોવાથી ભાજપનું તંત્ર દોડતું હતું. અહીં સૌ પ્રથમ મહેસાણાની પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલને કેસરિયો પહેરાવાયો ત્યારે તેમને લોકસભાની ટિકિટ આપવાની બાંહેધરી અપાઈ હતી. જીવાભાઈનું કોંગ્રેસમાં ઘટતું જતું કદને પગલે તેઓએ દિલ્હી જઈને ભાજપમાં જોડાઈ ગયા હતા. જે દરમિયાન મહેસાણામાં જીવાભાઈને ટિકિટ મળે તેવી સંભાવના વધી હતી. જોકે, નીતિનભાઈ આ બાબતે અસહમત હોય તેવું પિક્ચર પણ ઉભું થયું હતું. આખરે ભાજપે પાટીદાર સમાજના અને ઊંઝામાં નારણકાકાને હરાવી કોંગ્રેસની સીટ જીતનાર આશાબેન પર કળશ ઢોળ્યો હતો.કહેવાય છે કે, આશાબેન પટેલને લોકસભાની સીટ આપવાનું વચન અપાયું હતું. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હતા ત્યારે આશાબેને ખુદ સ્વીકાર્યું હતું કે, કોંગ્રેસ તેમને મહેસાણા લોકસભાની સીટ ઓફર કરી રહી છે. હવે સ્થિતિ એવી છે કે, ઊંઝા માર્કેટયાર્ડનો વિખવાદ ઉભો થતાં નારણકાકાએ ખુલ્લેઆમ બળવો પોકારી લીધો હતો. જેઓ દિલ્હી સુધી જઈ આવ્યા હોવા છતાં તેમની એક પણ વાત કાને ધરાઈ ન હતી. જેઓને ચૂપચાપ રહેવાનું કહી દેવાયું હતું. જોકે, નારણકાકાના ભારે વિરોધને કારણે આશાબેન ન ઘરના ન ઘાટના થઈ ગયા છે. ભાજપે ઊંઝા વિધાનસભાની સીટની પણ જાહેરાત કરી નથી. જેઓને પણ ટીકિટ મળી નથી. આખરી તબક્કે નીતિનભાઈનું નામ ન આવતાં તેઓએ આ હાર શારદાબેનના ગળામાં પહેરાવી દીધો છે. પણ હવે સ્થિતિ એવી છે કે, લોકસભાની લાલચમાં ભાજપમાં જોડાનારા જીવાભાઈ અને આશાબેનનું રાજકીય કેરિયર દાવ પર લાગી ગયું છે. જીવાભાઈ અને આશાબેન કોંગ્રેસમાં હોત તો બંને જણા મહેસાણાની સીટ માટે દાવેદાર હતા. જેઓ ન હોવાથી એ જે પટેલને લોટરી લાગી ગઈ છે.