1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By દર્શન દેસાઈ|
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2019 (10:29 IST)

હાર્દિક પટેલ પાટીદાર યુવાનોમાં શા માટે લોકપ્રિય છે?

પાટીદાર અનામત આંદોલનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારને આંખમાં કણાની જેમ કટકતા તેમજ ભાજપ જેમને કૉંગ્રેસનો એજન્ટ ગણાવતો આવ્યો છે, એ વીરમગામના હાર્દિક પટેલ આખરે કૉંગ્રેસમાં જોડાઈ ગયા.
તેમના પર આરોપ મૂકાયો છે કે તેમણે પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે પાટીદારોની લાગણીઓનો હાથા તરીકે ઉપયોગ કર્યો છે.
હવે 25 વર્ષના થયેલા અને ચૂંટણી લડવા પાત્ર ઉંમરે પહોંચેલા હાર્દિક પટેલને જ્યારે કૉંગ્રેસના એજન્ટ હોવાના આરોપ અને વિરોધપક્ષમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું:
"ભારતમાં આજકાલ સામાજિક અને રાજકીય માહોલ જ એવો છે કે લોકો વસ્તુઓને જેવી છે તેવી જોવા તૈયાર નથી. એક વાર પણ નહીં."
"દરેક સામાજિક આંદોલનને શંકાની નજરથી જોવામાં આવે છે. આપણું મીડિયા અને રાજકારણીઓ દરેક જનઆંદોલનો પાછળ કોઈ છૂપો આશય શોધી કાઢવા માગે છે. એમને બસ કોઈને કોઈ ભેદી ચીજ શોધી કાઢવી હોય છે.
"પછી પરિણામ શું આવે છે? બધા એ જાણવા લાગી પડે છે કે કોણ કોની નજીક છે? કોણે કોની સાથે કયા કારણથી સંબંધો રાખ્યા કે તોડ્યા? આમ કરવાથી સત્તા કે ચૂંટણીના મેદાનમાં તેને જીત મળશે કે નહીં?
"આવો જ માહોલ હતો, જ્યારે સરકારી નોકરીઓ અને શિક્ષણક્ષેત્રે પાટીદારો માટે ઓબીસી કૅટેગરીમાં અનામતની માગ લઈને અમે 25 ઑગસ્ટ, 2015ના દિવસે અમારી પહેલી વિરાટ સભા યોજી હતી."
"સભાની જંગી સફળતા પાછળનાં સાચાં કારણો શોધવાને બદલે લગભગ દરેક જણ એવી ચર્ચા કરતો હતો કે અમદાવાદના વિશાળ જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોની આટલી મોટી રેલી પાછળ કોનો સહકાર છે? 15 લાખથી વધુ લોકો ત્યાં આવ્યા હતા અને મને ખબર છે તેઓ પોતાની જાતે ત્યાં આવ્યા હતા."
"એક 22 વરસનો છોકરો જેને ઉત્તર ગુજરાતની બહાર ભાગ્યે જ કોઈ જાણે છે તે આટલા બધા લોકોને ભેગા કેવી રીતે કરી શકે? એને પૈસા ક્યાંથી મળ્યા?"
"કોઈના પીઠબળ વિના આટલી મોટી સભા કરવી શક્ય નથી. આની પાછળ કોઈને કોઈ તો એવું છે જ જેને આમાંથી રાજકીય લાભ મળી રહ્યો છે. પણ કોણ અને કેવી રીતે?"
"અમે જમીની પ્રશ્નો પર કામ કરી રહ્યા છે અને યુવાનો ઇચ્છે છે કે અમે કંઈક કરીએ. હું પણ એ લોકો પૈકીનો જ એક હતો. અમે અમારા ભવિષ્યને લઈને ચિંતિત હતા."
"લોકો અહીં આપમેળે આવ્યા હતા, કોઈના પીઠબળના કારણે નહીં. મારી વાત પર ભરોસો રાખજો. કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંલગ્ન ન હોય તેવી મારી ઘણી સભાઓમાં એક વાત હું વારંવાર કહી ચૂક્યો છું કે ગુજરાતમાં ભાજપને સત્તામાંથી ઉખાડવા હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ."
હાર્દિક પટેલ
ફોટો લાઈન
હાર્દિક ઉપસવા પર બેઠા હતા ત્યારની તસવીર
"પાટીદારો ઘણા દાયકાઓ સુધી ભાજપની સાથે રહ્યા છે પણ અમારી પેઢી કે જેણે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં બીજી કોઈ પાર્ટીનું શાસન જોયું નથી તે ભાજપને લઈને નિરાશ છે."
"રાજ્યમાં જ્યારે બે જ મુખ્ય રાજકીય ધારાઓ હોય ત્યારે સીધી વાત છે તે પૈકી એક શાસક પક્ષની જ હોવાની. આ કેસમાં એ ભાજપ છે. એટલે સ્વાભાવિક રીતે લોકો માગ પણ ભાજપ પાસે જ કરે અને પાટીદારોની અપેક્ષા પણ ભાજપ પાસે જ હોય."
"લડત ભાજપ સામે હતી એટલે સ્વાભાવિક રીતે જ ડિસેમ્બર-2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને પછી ડિસેમ્બર-2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસને તેનાથી મોટો ફાયદો થયો. પણ વાત બસ આટલી જ છે. "
"તો આમાં કોણે શું પેંતરો કર્યો અને કોને શું લાભ મળ્યો? બધા આ અંગે ચર્ચાઓ અને અનુમાનો કરે છે અને આરોપો લગાવ્યા કરે છે."
"પરંતુ કમનસીબે કોઈ આખા ચિત્રને જોતું નથી. ચાલો, આપણે આને સમજીએ."
"ધારો કે અમારા આંદોલનને કૉંગ્રેસનો સાથ હોય તો પણ શું થયું? મુદ્દો એ છે કે એક આંદોલન ઊભું થયું, તે આગળ ચાલ્યું, તેણે સમાજને આંદોલિત કર્યો અને એક પ્રબળ રાજકીય પ્રભાવ પાડ્યો."
"માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં એક યા બીજી રીતે તેના પડઘા પડ્યા. ડિસેમ્બર-2017માં ભાજપ હાર્યો કે જીત્યો તે મુદ્દો નથી. મુદ્દો છે કે એક આંદોલને જન્મ લીધો, તેને લોકોનો સાથ મળ્યો અને તે ટક્યું."
"ગુજરાતમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેટલી પાતળી સરસાઈથી ભાજપ જીત્યો અને ખુદ નરેન્દ્ર મોદીને પણ પરસેવો વળી ગયો. અમે પાટીદાર યુવાનો સાથે સંબંધનો એક એવો મજબૂત સેતુ રચ્યો છે જે ગમે તેટલા પૈસા કે રાજકીય તાકાતથી સર્જી શકાય એમ નથી."