ભાજપે સાબરકાંઠા અને વડોદરાથી ઉમેદવાર બદલ્યા, જાણો અન્ય ચાર બેઠકો પર કોને ટીકિટ મળી
ગુજરાતમાં ભાજપે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યાં છે. અત્યાર સુધી 22 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. ત્યારબાદ વડોદરા અને સાબરકાંઠા બેઠક પર વિરોધ વધતાં ભાજપે બંને ઉમેદવારોને બદલીને નવા ઉમેદવારો જાહેર કર્યાં છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબેન બારૈયા અને વડોદરાથી રંજનબેન ભટ્ટ સામે ઉગ્ર વિરોધ થતાં હેમાંગ જોશીને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તે ઉપરાંત બાકીની ચાર બેઠકો પર મહેસાણાથી હીરાભાઈ પટેલ, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોર, અમરેલીથી ભરતભાઈ સુતારિયાને ટીકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટીકિટ
ગુજરાતમાં ભાજપે પાંચ બેઠકો પર સરપ્રાઈઝ આપી છે. ઉમેદવાર તરીકે ચર્ચાતા નામો સાઈડમાં રહ્યા અને નવા નામો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. હાલમાં જાહેર થયેલી યાદીમાં એક માત્ર જૂનાગઢમાં રાજેશ ચૂડાસમાને રિપીટ કરવામાં આવ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર તરીકે અનેક નામો ચર્ચામાં હતાં પરંતુ આખરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતારિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. એવી જ રીતે સુરેન્દ્રનગરમાં પણ સરપ્રાઈઝ નામ જાહેર કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરાની પસંદગી કરવામાં આવી છે. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. રંજનબેન ભટ્ટનો વડોદરામાં વિરોધ થતાં શિક્ષણ સમિતિના યુવા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે. મહેસાણામાં પણ ચોર્યાસી સમાજના હરીભાઇ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.
26 ઉમેદવારોમાં 13 ઉમેદવારોને રીપિટ કરાયા
ગુજરાતના જાહેર થયેલા 26 ઉમેદવારોમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે. અમરેલી,સુરેન્દ્રનગર, મહેસાણાના સાંસદની ટીકિટ કાપીને નવા ચહેરાને સ્થાન અપાયું છે.