બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: વલસાડઃ , બુધવાર, 24 એપ્રિલ 2024 (13:38 IST)

પ્રિયંકા ગાંધી ધરમપુરમાં 27 એપ્રિલે સભા ગજવશે, રાહુલ ગાંધી પણ ગુજરાત આવે તેવી શક્યતાઓ

Priyanka Gandhi
લોકસભા 2024ના ચૂંટણી જંગમાં વલસાડ બેઠક પર ભાજપ-કોંગ્રેસે યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપે સિટિંગ MP ડો. કે.સી. પટેલની ટિકિટ કાપી તેમની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસ નવસારીની વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યા છે. ધરમપુરના દરબાર ગઢમાં પ્રિયંકા ગાંધી સવારે 10 વાગે સભાને સંબોધન કરશે. આ બાબતની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
 
કોંગ્રેસના આગ્રણીઓ સવારે 10 વાગે સભાનું આયોજન કર્યું 
વલસાડ લોકસભા બેઠક ઉપર આવતા 7 વિધાનસભા ક્ષેત્રના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા અપીલ કરવા આવશે. પ્રિયંકા ગાંધીના આગમનની વાત સામે આવતા જ કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. હિટ વેવને ધ્યાને રાખીને કોંગ્રેસના આગ્રણીઓ સવારે 10 વાગે સભાનું આયોજન કર્યું છે. અનંત પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ‘અનંત પટેલ કે સંઘર્ષ મેં સાથ દેને આ રહી હૈ પ્રિયંકાજી’ના નામથી પોસ્ટર પોસ્ટ કરી જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી વાડરાની સભા સવારે 10 વાગ્યે રાખવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે, અમારા અત્યાર સુધીના સંઘર્ષમાં સહભાગી થવા પ્રિયંકાબેન આવી રહ્યા છે. ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા અને પ્રિયંકા ગાંધીને સાંભળવા તત્પર છે. 
 
AICC સભ્ય ગૌરાંગ પંડ્યાએ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમ અંગે જાણકારી આપી
ધરમપુરના દરબાર ગઢ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો પ્રિયંકા ગાંધીની તૈયારીમાં જોતરાય ગયા છે. સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ સ્વરૂપ દેખાતા પ્રિયંકા ગાંધીને મળવા આદિવાસી સમાજની મહિલાઓ આતુર છે. વલસાડના પીઢ કોંગ્રેસી અને AICC સભ્ય ગૌરાંગ પંડ્યાએ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમ અંગે જાણકારી આપી છે. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ સવારે 10 વાગે ધરમપુરના દરબાર ગઢ ખાતે રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. વલસાડ લોકસભ બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સબખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવશે.