સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 9 માર્ચ 2024 (16:49 IST)

આજે દિલ્હીમાં ગુજરાત કોર કમિટીની બેઠક, ભાજપના 11 ઉમેદવારો પર મહોર લાગશે

loksabha news
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. ભાજપે 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં કેટલાક ઉમેદવારોને ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા કહી દીધું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા ચૂંટણી લડવાના છે. ત્યારે ગુજરાતમાં ભાજપના બાકી રહેલા 11 ઉમેદવારોના નામ પર આજે મહોર લાગી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે. 
 
આજે સાંજે ગુજરાત કોર કમિટીની બેઠક યોજાશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં  દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે દિલ્હી જશે. આ બેઠકમાં ગુજરાતના બાકી રહેલ ઉમેદવારોના નામ અંગે મંથક કરવામાં આવશે. BJP અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આજે સાંજે ગુજરાત કોર કમિટીની બેઠક યોજાશે. ગુજરાતની બાકી રહેલ 11 લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર આજે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
 
11 બેઠકોના નામો મુદ્દે અનેક અટકળો શરૂ થઈ
ગત સપ્તાહે ભાજપે ગુજરાતમાં 26 પૈકી 15 લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકીના 11 બેઠકોના નામોને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ટોચના નેતાએ કહ્યુ કે, ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા અંગેની પ્રક્રિયા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે જ આટોપી લેવાઈ છે. પરંતુ, ઉમેદવારો માત્ર 15 જ જાહેર કર્યા હતા. જેમાંથી પાંચ નવા ચેહરાઓ હોવાથી બાકી રહેલા 11 મતક્ષેત્રોમાં પણ અધિકાંશ નવા ઉમેદવારોને તક ઉપલબ્ધ થશે એમ માની શકાય છે. જે 11 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના થાય છે તેમાંથી ચાર જ સાંસદોની પ્રથમ ટર્મ છે. જ્યારે પાંચની બીજી ટર્મ છે, બે સાંસદો ત્રણ ટર્મ પૂર્ણ કરી રહ્યા છે. ત્રણ ટર્મ પછી અમરેલી અને વલસાડમાં ભાજપ નવા ચહેરા ઉતારશે.
 
ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે
મહેસાણાના સાંસદે પહેલાથી ચૂંટણી નહી લડવાની ઈચ્છા જાહેર કરી છે તેથી મહેસાણા સહિત ચાર કે પાંચ મહિલા સાંસદોની ટિકિટ કપાય તો નવાઈ નહી. આ વેળા ભાજપ અમદાવાદ ઈસ્ટ અને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર પણ મહિલા આગેવાનને ટિકીટ આપશે તેવી ચર્ચા છે. એક રીતે પહેલા 15 ઉમેદવારોની યાદીમાં બે જ મહિલાઓને ટિકિટ આપી હોવાથી હવે આજકાલમાં જાહેર થનારા 11 મતક્ષેત્રોના ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે.